નવી દિલ્હી: ઈંગ્લેન્ડના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ભારત વિરુદ્ધ ત્રણ મેચની સિરીઝની બીજી વનડેમાં 99 રનની ઉત્કૃષ્ટ ઈનિંગ રમી હતી. સ્ટોક્સ પોતાની સેન્ચ્યુરીથી ચૂકી ગયો હતો. પરંતુ તેણે ટીમને જીત અપાવવામાં કોઈ કસર છોડી નહી. આ બધા વચ્ચે સ્ટોક્સે એક મોટો ખુલાસો કર્યો છે. સ્ટોક્સે જણાવ્યું કે તે મેચ પહેલા મહિલાઓનું ડિઓડ્રન્ટ લગાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સ્ટોક્સે જણાવ્યું રસપ્રદ કારણ
સ્ટોક્સ મેચ પહેલા મહિલાઓનું ડિયોડ્રન્ટ કેમ લગાવે છે તેના માટે એવું રસપ્રદ કારણ જણાવ્યું છે કે જાણીને તમે પણ હસી પડશો. સ્ટોક્સે રેડિયો સ્ટેશન ટોક સ્પોર્ટ્સને આપેલા ઈન્ટરવ્યુંમાં જણાવ્યું કે પુરુષોની સરખામણીમાં મહિલાઓનું ડિયોડ્રન્ટ વધુ સુગંધીદાર હોય છે. એટલું જ નહીં સ્ટોક્સે તો એવો પણ ખુલાસો કર્યો છે કે આવું કરનાર તે એક માત્ર  ખેલાડી નથી પરંતુ આખી ટીમ આ કામ કરે છે. આ ઉપરાંત જ્યારે સ્ટોક્સને પૂછવામાં આવ્યું કે કયું ડિયોડ્રન્ટ તેને વધુ પસંદ છે તો તેણે કહ્યું કે દાડમની ખુશબુવાળું ડિયોડ્રન્ટ તેને ખુબ ગમે છે. 


બેયરસ્ટો અને સ્ટોક્સે ભારત પાસેથી છીનવી હતી મેચ
આજે છેલ્લી વનડે છે. હવે જોવાનું રહેશે કે કોણ જીતીને સિરીઝ કબ્જે કરશે. પરંતુ આ અગાઉ બીજી વનડેમાં 337 રનના ભારતે આપેલા લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ઈંગ્લેન્ડની ટીમને ઓપનર જ્હોની બેયરસ્ટો અને જેસન રોયે શાનદાર શરૂઆત આપી હતી. આ બંને વચ્ચે પહેલી વિકેટ માટે 110 રનની ભાગીદારી થઈ હતી. જો કે 17મી ઓવરમાં રોય 55 રન બનાવીને આઉટ થઈ ગયો. રોય આઉટ થઈ ગયા બાદ બેયરસ્ટોનો સાથે બેન સ્ટોક્સે આપ્યો હતો. બેયરસ્ટોએ 124 રનની શાનદાર ઈનિંગ રમી અને સ્ટોક્સે પણ 99 રન કર્યા. જો કે સદીથી ચૂકી ગયો. 


આજે નિર્ણાયક મેચ
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે નિર્ણાયક મેચ છે. ત્રણ મેચોની સિરીઝની આ છેલ્લી મેચ છે. પહેલી મેચમાં ટીમ ઈન્ડિયાએ 66 રનથી જીત મેળવી હતી. બીજી મેચ ઈંગ્લેન્ડે 6 વિકેટથી જીતી હતી. આ અગાઉ ભારતે ટેસ્ટ અને ટી-20 સિરીઝ કબ્જે કરી હતી. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube