ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીના પગારમાં 20 ટકાનો વધારો, વાર્ષિક મળશે આટલા કરોડ
શાસ્ત્રી સિવાય અન્ય સપોર્ટ સ્ટાફના પગારમાં પણ વધારો કરવામાં આવ્યો છે. બોલિંગ કોચના પર પર બીજીવાર નિયુક્ત થયેલા ભરત અરૂણને વાર્ષિક 3.5 કરોડ રૂપિયા મળવાની સંભાવના છે.
નવી દિલ્હીઃ આઈસીસી વિશ્વ કપ 2019મા સેમિફાઇનલમાં ભારત બહાર થવા છતાં રવિ શાસ્ત્રી પોતાની ખુરશી બચાવવામાં સફળ રહ્યો અને બીસીસીઆઈએ ફરી તેની ભારતીય ટીમના કોચ તરીકે નિમણૂંક કરી છે. કોચ બન્યા બાદ હવે રવિ શાસ્ત્રીના પગારને લઈને એક મોટો ખુલાસો થયો છે.
એક અખબારના રિપોર્ટ પ્રમાણે, રવિ શાસ્ત્રીના પગારમાં 20 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ શાસ્ત્રીને વાર્ષિક 9.5 કરોડથી 10 કરોડ રૂપિયા મળશે. પાછલા કરારમાં શાસ્ત્રીને વર્ષે આશરે 8 કરોડ રૂપિયા મળતા હતા.
શાસ્ત્રી સિવાય અન્ય સપોર્ટ સ્ટાફના પગારમાં પણ વધારો કરવામાં આવ્યો છે. બોલિંગ કોચના પર પર બીજીવાર નિયુક્ત થયેલા ભરત અરૂણને વાર્ષિક 3.5 કરોડ રૂપિયા મળવાની સંભાવના છે. આટલો પગાર ફીલ્ડિંગ કોચ આર શ્રીધરને મળવાની આશા છે.
સંજય બાંગરની જગ્યાએ ટીમ ઈન્ડિયાના બેટિંગ કોચ બનેલા વિક્રમ રાઠોડને વાર્ષિક 2.5 કરોડથી 3 કરોડ રૂપિયા મળશે. આ તમામ નવા કરાર 1 સપ્ટેમ્બરથી લાગુ થશે.
પોલાર્ડ બન્યો WI ટીમનો વનડે-T20 કેપ્ટન, હોલ્ડર-બ્રેથવેટની હકાલપટ્ટીઃ રિપોર્ટ
ઉલ્લેખનીય છે કે કપિલ દેવની આગેવાની વાળી ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી)એ પાછલા મહિને રવિ શાસ્ત્રીની ટીમ ઈન્ડિયાના કોચ પદ પર બીજીવાર નિમણૂંક કરી હતી. શાસ્ત્રી 2021 વિશ્વ ટી20 સુધી ટીમ ઈન્ડિયાના કોચ પદે રહેશે.
શાસ્ત્રીના પ્રથમ કાર્યકાળમાં કોહલીની ટીમે શાનદાર પ્રદર્શન કરતા નંબર-1 ટેસ્ટ ટીમ અને નંબર 2 વનડે ટીમ બની પરંતુ ટીમ કોઈ મોટી ટ્રોફી જીતવામાં સફળ ન થઈ. વિશ્વ કપ 2019મા પણ ટીમે સેમિફાઇનલમાંથી બહાર થવુ પડ્યું હતું.