IND vs NZ: કાલે પ્રથમ T20, રિષભ પંત પર તમામની નજર
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 3 મેચોની ટી20 સિરીઝ બુધવારથી શરૂ થશે, જેનો પ્રથમ મેચ વેલિંગટનમાં રમાશે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા ટીમ ઈન્ડિયાની આગેવાની કરશે.
વેલિંગટનઃ વિદેશી ધરતી પર છેલ્લા ત્રણ મહિનામાં જીતનો નવો ઈતિહાસ લખી રહેલી ટીમ ઈન્ડિયાની નજર હવે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટી20 સિરીઝ જીતવા પર છે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા ટીમનું નેતૃત્વ કરશે અને ભારત બુધવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રથમ ટી20 આંતરરાષ્ટ્રીય મેચની સાથે વધુ એક સિરીઝ જીતવાના ઈરાદા સાથે ઉતરશે.
ઓસ્ટ્રેલિયાના ઐતિહાસિક પ્રવાસ બાદ અહીં વનડે સિરીઝ 4-1થી જીતનારી ભારતીય ટીમની નજર હવે ન્યૂઝીલેન્ડમાં ટી20 સિરીઝ જીતવા પર છે. ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને મેચની પૂર્વ સંધ્યાએ કહ્યું, અમે પણ માણસ છીએ અને અમારા શરીરને પણ આરામ જોઈએ. અમે જીતની લય જાળવી રાખા સિરીઝ અમારા નામે કરવા મેદાને ઉતરશું.
પંત પર નજર
વનડે સિરીઝના માધ્યમથી ભારતને વિશ્વકપની ટીમનું સંયોજન નક્કી કરવામાં ઘણી મદદ મળી. હજુપણ કેટલિક જગ્યા ખાલી છે અને ટી20 સિરીઝના માધ્યમથી ટીમ મેનેજમેન્ટ નક્કી કરી લેશે કે મેથી જુલાઈ સુધી ઈંગ્લેન્ડમાં યોજાનારા વિશ્વકપમાં ભારતીય ટીમમાં કોણ-કોણ હશે. યુવા વિકેટકીપર બેટ્સમેન રિષભ પંત વનડે સિરીઝમાં ન હતો અને તે ત્રણ મેચોની ટી20 સિરીઝમાં પોતાની ઉપયોગિતા સાબિત કરી પસંદગીનો દાવો મજબૂત કરવા ઈચ્છશે.
ધોનીની વાપસી
પૂર્વ કેપ્ટન અને અનુભવી વિકેટકીપર બેટ્સમેન મહેન્દ્ર સિંહ ધોનીની ટી20 ટીમમાં વાપસી થઈ છે જેને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝમાં સ્થાન આપવામાં આવ્યું નહતું. તેણે અંતિમ ટી20 મેચ ગત વર્ષે જુલાઈમાં રમી હતી. દિનેશ કાર્તિક માટે પણ આ શાનદાર તક છે જેણે ફિનિશરના રૂપમાં સારૂ પ્રદર્શન કર્યું પરંતુ અંતિમ ઈલેવનમાં તે પોતાની જગ્યા નક્કી કરી શક્યો નથી.
રાયડૂનું સ્થાન લગભગ નક્કી
અંબાતી રાયડૂએ પાંચમી વનડેમાં 90 રન બનાવીને પોતાની પસંદગી લગભગ નક્કી કરી લીધી છે. 19 વર્ષીય શુભમન ગિલે પણ પોતાની પ્રતિભા દર્શાવી છે. કોહલીની ગેરહાજરીમાં તેને ત્રીજા ક્રમે તક મળી શકે છે. ક્રૃણાલ પંડ્યા અને ફાસ્ટ બોલર સિદ્ધાર્થ કૌલ પણ ટીમમાં સામેલ છે. ધવન છેલ્લી ત્રણ વનડેમાં સારૂ પ્રદર્શન કરી શક્યો નથી અને તે સારા પ્રદર્શનની સાથે પ્રવાસનો અંત કરવા ઈચ્છશે.
યજમાન ટીમનો આવે છે રેકોર્ડ
યજમાન ન્યૂઝીલેન્ડ ટીમ વનડે સિરીઝ 1-4થી હાર્યા બાદ પ્રતિષ્ઠા બચાવવાના ઈરાદાથી ઉતરશે. તેણે 2008-2009માં અહીં રમાયેલી ટી20 સિરીઝમાં ભારતને 2-0થી પરાજય આપ્યો હતો. ત્યારબાદ 2012માં બે મેચોની સિરીઝ 1-0થી જીતી અને ભારતમાં 2017-18માં 1-2થી હારી ગયું હતું.
ક્યારે-ક્યાં જોશો મેચ
- મેચ બુધવાર (6 ફેબ્રુઆરી)ના રમાશે
- આ મેચ ન્યૂઝીલેન્ડના વેલિંગટનના વેસ્ટપૈક સ્ટેડિયમમાં રમાશે
- મેચ ભારતીય સમયાનુસાર બપોરે 1 કલાકે શરૂ થશે
- મેચનું સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ, ડીડી સ્પોર્ટ્સ પર કરવામાં આવશે.
- મેચનું લાઇવ સ્ટ્રીમિંગ હોટસ્ટાર પર જોઈ શકાશે.
ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, રિષભ પંત, દિનેશ કાર્તિક, કેદાર જાધવ, એમએસ ધોની, ક્રૃણાલ પંડ્યા, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલ, ભુવનેશ્વર કુમાર, સિદ્ધાર્થ કૌલ, ખલીલ અહમદ, શુભમન ગિલ, વિજય શંકર, હાર્દિક પંડ્યા, મોહમ્મદ સિરાજ.
ન્યૂઝીલેન્ડઃ કેન વિલિયયમસન (કેપ્ટન), ડગ બ્રૈસવેલ, કોલિન ડિ ગ્રાન્ડહોમ, લોકી ફર્ગ્યુસન, સ્કોટ કે, કોલિન મુનરો, ડેરિલ મિશેલ, મિશેલ સેન્ટનર, ટિમ સેફર્ટ, ઈશ સોઢી, ટિમ સાઉદી, રોસ ટેલર, બ્લેયર ટિકનર, જેમ્સ નીશામ.