નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કરોડો ચાહકોને ઝટકો લાગી શકે છે. હકીકતમાં વનડે વિશ્વકપ-2019માં ટીમ ઈન્ડિયાએ પોતાની પ્રથમ મેચ 5 જૂને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમવાની છે. આ પહેલા એક ખરાબ સમાચાર આવી રહ્યાં છે. રિપોર્ટ્સ પ્રમાણે ટીમના કેપ્ટન અને સૌથી વિશ્વાસપાત્ર બેટ્સમેન વિરાટ કોહલીના હાથમાં ઈજા થઈ છે. તેને આ ઈજા સાઉથેમ્પટનમાં પ્રેક્ટિસ સત્ર દરમિયાન ડાબા હાથના અંગુઠામાં લાગી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈજા બાદ ભારતીય કેપ્ટન ટીમના ફિઝિયો પૈટ્રિક ફારહાર્ટની સાથે જોવા મળ્યો હતો. પૈટ્રિકે સૌથી પહેલા તેના અંગૂઠા પર દુખાવાનો સ્પ્રે કર્યો અને તેના પર ટેપ લગાવી હતી. આ દરમિયાન તે બરફથી અંગૂઠાને સેક કરતો જોવા મળ્યો હતો. મેદાન બહાર જતા સમયે તેના હાથમાં એક ગ્લાસ હતો, જેમાં બરફથી ભરેલું પાણી હતું. તેમાં વિરાટે પોતાની ઈજાગ્રસ્ત આંગળી ડૂબાડેલી રાખી હતી. 


ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ) તરફથી વિરાટ કોહલીની ઈજા સંબંધિત હજુ સુધી કોઈ નિવેદન આવ્યું નથી. ભારતીય ફેન્સ માટે રાહતની વાત છે કે મેચ 5 જૂને રમાવાની છે અને વિરાટની પાસે 3 દિવસનો સમય છે. તેની અને ટીમના મેડિકલ સ્ટાફનો પૂરો પ્રયત્ન રહેશે કે સાઉથ આફ્રિકા વિરુદ્ધ મેચ પહેલા વિરાટ ફિટ થઈ જાય. 


જો વિરાટ કોહલી ઈજામાંથી મુક્ત ન થાય તો ટીમ ઈન્ડિયા માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. એક તો ઈંગ્લિશ કંડિશનમાં એશિયન ટીમ સંઘર્ષ કરતી દેખાઈ રહી છે તો બીજીતરફ વિરાટ ટીમનો સૌથી વિશ્વાસપાત્ર ખેલાડી છે. તે સ્વસ્થ નહીં થાય તો રોહિત શર્મા અને શિખર ધવન પર વધારાનો દબાવ આવી શકે છે. 


ઉલ્લેખનીય છે કે વિશ્વકપ પહેલા આઈપીએલ દરમિયાન કેદાર જાધવ ઈજાગ્રસ્ત થયો હતો. તે હવે ફિટ છે. પરંતુ તે પ્રેક્ટિસ મેચથી દૂર રહ્યો હતો. બીજીતરફ વિજય શંકર પણ ઈજાને કારણે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ પ્રેક્ટિસ મેચમાંથી દૂર રહ્યો હતો.