મુંબઈઃ ઈન્ડિન પ્રીમિયર લીગ (આઈપીએલ 2021)ની વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ચોથી રોમાંચક મેચમાં પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 4 રને પરાજય આપી પોતાના અભિયાનની વિજય સાથે શરૂઆત કરી છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 6 વિકેટે 221 રન બનાવ્યા હતા. પંજાબ તરફથી રાહુલે (91) અને હુડ્ડા (65) એ અડધી સદી ફટકારી હતી. જેના જવાબમાં રાજસ્થાન રોયલ્સની ટીમ કેપ્ટન સંજૂ સેમસનની સદી (119) છતાં 20 ઓવરમાં 7 વિકેટે 217 રન બનાવી શકી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજસ્થાનની ખરાબ શરૂઆત
પંજાબે આપેલા 222 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાન રોયલ્સને પ્રથમ ઓવરમાં બેન સ્ટોક્સ (0)ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. આ સફળતા મોહમ્મદ શમીને મળી હતી. ત્યારબાદ ઈનિંગની ચોથી ઓવરમાં મનન વોહરા (12)ને અર્શદીપે આઉટ કરી રાજસ્થાનને બીજો ઝટકો આપ્યો હતો. રાજસ્થાને પારવપ્લેમાં 2 વિકેટે 59 રન બનાવ્યા હતા. 


સંજૂ સેમસનની શાનદાર સદી
પ્રથમ મેચમાં રાજસ્થાનની આગેવાની કરી રહેલા સંજૂ સેમસને આજે ધમાકેદાર બેટિંગ કરી હતી. તેણે પહેલા બટલર સાથે 45 અને ત્યારબાદ શિવમ દુબે સાથે 53 રનની ભાગીદારી કરી હતી. સંજૂ સેમસને 54 બોલમાં 12 ચોગ્ગા અને પાંચ છગ્ગા સાથે સદી ફટકારી હતી. આઈપીએલમાં કેપ્ટનશિપમાં પર્દાપણ કરતા સદી ફટકારનાર સંજૂ સેમસન પ્રથમ બેટ્સમેન બની ગયો છે. સંજૂ સેમસન ઈનિંગના છેલ્લા બોલે 63 બોલમાં 7 છગ્ગા અને 12 ચોગ્ગા સાથે 119 રન બનાવી આઉટ થયો હતો. 


રાજસ્થાનના અન્ય બેટ્સમેનોની વાત કરવામાં આવે તો જોસ બટલર 13 બોલમાં પાંચ ચોગ્ગા સાથે 25 રન બનાવી આઉટ થયો હતો. શિવમ દુબેએ 15 બોલમાં 23 રન બનાવ્યા હતા. રિયાન પરાગ 11 બોલમાં 3 છગ્ગા અને એક ચોગ્ગા સાથે 25 રન બનાવી આઉટ થયો હતો. રાહુલ તેવતિયા 2 રન બનાવી આઉટ થયો હતો. 


મયંક અગ્રવાલ ફ્લોપ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત ધીમી રહી હતી. ટીમને ઈનિંગની ત્રીજી ઓવરમાં મયંક અગ્રવાલ (14)ના રૂપમાં પ્રથમ ઝટકો લાગ્યો હતો. આ વિકેટ આઈપીએલમાં પર્દાપણ કરી રહેલા સૌરાષ્ટ્રના યુવા બોલર ચેતન સાકરિયાને મળી હતી. પંજાબ કિંગ્સે પાવરપ્લેમાં એક વિકેટે 46 રન બનાવ્યા હતા. 


ગેલ અને રાહુલ વચ્ચે શાનદાર ભાગીદારી
પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ ક્રિસ ગેલે રાહુલ સાથે મળી ટીમની ઈનિંગ સંભાળી હતી. બન્નેએ આક્રમક બેટિંગ શરૂ કરી હતી. ક્રિસ ગેલે પોતાની ઈનિંગ દરમિયાન આઈપીએલમાં 350 સિક્સ ફટકારવાની સિદ્ધિ મેળવી છે. તે આ રેકોર્ડ બનાવનાર પ્રથમ બેટ્સમેન છે. પંજાબને બીજો ઝટકો 89 રનના સ્કોર પર લાગ્યો હતો. ક્રિસ ગેલ 40 રન બનાવી રિયાન પરાગનો શિકાર બન્યો હતો. ગેલે 28 બોલમાં બે છગ્ગા અને ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. રાહુલ અને ગેલે બીજી વિકેટ માટે 67 રનની ભાગીદારી કરી હતી. 


દીપક હુડ્ડાનું વાવાઝોડુ, રાહુલ સદી ચુક્યો
કિંગ્સ પંજાબે આજે આજે દીપક હુડ્ડાને ચોથા ક્રમે પ્રમોટ કર્યો હતો. દીપલ હુડ્ડાએ ક્રિઝ પર આવવાની સાથે ફટકાબાજી શરૂ કરી હતી. તેણે રાહુલ સાથે ચોથી વિકેટ માટે 105 રનની ભાગીદારી કરી હતી. હુડ્ડાએ 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. હુડ્ડા 28 બોલમાં 6 છગ્ગા અને ચાર ચોગ્ગા સાથે 64 રન બનાવી આઉટ થયો હતો. કેપ્ટન કેએલ રાહુલ 50 બોલમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 91 રન બનાવી આઉટ થયો હતો. નિકોલસ પૂરન એક અને જાય રિચર્ડસન શૂન્ય રન બનાવી આઉટ થયા હતા. 


સાકરિયાની દમદાર બોલિંગ
સૌરાષ્ટ્રના યુવા બોલર ચેતન સાકરિયાએ આજે રાજસ્થાન રોયલ્સ તરફથી પોતાના આઈપીએલ કરિયરની શરૂઆત કરી છે. તેણે 4 ઓવરમાં 31 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય ક્રિસ મોરિસને બે અને રિયાન પરાગને એક સફળતા મળી હતી. 


આઈપીએલના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube