IND vs ENG: ત્રીજી ટેસ્ટ નહીં રમે બુમરાહ! કેએલ રાહુલની વાપસી નક્કી, કોહલી પર શું છે અપડેટ?
India vs England: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ બહાર રહી શકે છે. બુમરાહે બે મેચમાં 58 ઓવર બોલિંગ કરી છે. તેવામાં ટીમ મેનેજમેન્ટ તેને ત્રીજી ટેસ્ટમાં આરામ આપી શકે છે.
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝની બીજી મેચમાં ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવનાર જસપ્રીત બુમરાહને ત્રીજી ટેસ્ટમાં આરામ આપવામાં આવી શકે છે. પસંદગીકારો અને ટીમ મેનેજમેન્ટ તેના પર વિચાર કરી રહ્યાં છે જેથી તે બાકી બે ટેસ્ટમાં સંપૂર્ણ રીતે ફ્રેશ થઈને વાપસી કરી શકે. ક્રિકબઝના રિપોર્ટમાં તેનો દાવો કરવામાં આવ્યો છે. વિશાખાપટ્ટનમમાં રમાયેલી ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન માટે બુમરાહને મેન ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. તેણે મેચમાં 91 રન આપી 9 વિકેટ ઝડપી હતી.
બુમરાહે બે મેચમાં ફેંકી 58 ઓવર
જસપ્રીત બુમરાહે સિરીઝની પ્રથમ બે મેચમાં 58 ઓવર બોલિંગ કરી છે. સતત ચાર દિવસ સુધી મહેનત અને શાનદાર બોલિંગ બાદ તે થાકી પણ ગયો હશે. તેથી પસંદગીકારો તેને આરામ આપવા ઈચ્છે છે, જેથી તે ફ્રેશ થઈને વાપસી કરી શકે. આ પહેલા હૈદરાબાદમાં રમાયેલી ટેસ્ટમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો, તે મેચમાં પણ બુમરાહે લગભગ 25 ઓવર ફેંકી હતી. તેવામાં તેને આરામ આપવામાં આવી શકે છે.
કેએલ રાહુલની વાપસીની આશા
મોહમ્મદ સિરાજને બીજી ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો હતો અને તે ત્રીજી ટેસ્ટમાં વાપસી કરી શકે છે. સિરાજ ત્રીજી ટેસ્ટમાં ફાસ્ટ બોલિંગની આગેવાની કરશે. ત્યારબાદ અંતિમ બે ટેસ્ટમાં બુમરાહની સાથે રમશે. ટીમની પસંદગી મંગળવારે થવાની આશા છે. કેએલ રાહુલ ત્રીજી ટેસ્ટમાં વાપસી કરી શકે છે. ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીથી રાજકોટમાં શરૂ થશે. રવિન્દ્ર જાડેજા સંપૂર્ણ રીતે ફિટ નથી તો મોહમ્મદ શમી પણ વાપસી માટે ફિટનેસ હાસિલ કરી શક્યો નથી.
વિરાટ પર કોઈ અપડેટ નહીં
વિરાટ કોહલીની વાપસી પર હજુ કોઈ માહિતી સામે આવી નથી. તેમ માનવામાં આવી રહ્યું છે કે તે પારિવારિક કારણોથી દેશથી બહાર છે. તેની ઉપલબ્ધતા વિશે પૂછવા પર કોચ રાહુલ દ્રવિડે કહ્યુ કે ટીમ મેનેજમેન્ટ કોહલી સાથે સંપર્ક કરી બાકી સિરીઝ માટે તેની ઉપલબ્ધતા વિશે જાણકારી મેળવશે. એબી ડિવિલિયર્સે તાજેતરમાં ખુલાસો કર્યો હતો કે કોહલી પોતાના બીજા બાળકની આશા કરી રહ્યો છે, જે તેની ગેરહાજરીનું કારણ હોઈ શકે છે.