ખલીલ અહમદને ટીમ ઈન્ડિયામાં મળ્યું સ્થાન, પિતા છે રાજસ્થાનમાં કમ્પાઉન્ડર
20 વર્ષના ખલીલ અહમદનું નામ સૌથી ચોંકાવનારૂ છે.
નવી દિલ્હીઃ યૂએઈમાં 15 સપ્ટેમ્બરથી શરૂ થનારા એશિયા કપ ક્રિકેટ ટૂર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. કેપ્ટન વિરાટ કોહલીને આરામ આપીને તેના સ્થાને રોહિત શર્માને ટીમની કમાન સોંપવામાં આવી છે. કોહલીની અનુપસ્થિતિમાં રોહિત ભારતીય ટીમની આગેવાની કરશે જેમાં રાજસ્થાનના ડાબોડી ફાસ્ટ બોલર ખલીલ અહમદના રૂપમાં નવો ચહેરો સામેલ છે.
રાજસ્થાનના ટોંક જિલ્લા સ્થિત માલપુરા ગામથી આવતા આ ફાસ્ટ બોલરને પ્રથમવાર ટીમ ઈન્ડિયામાં સ્થાન મળ્યું છે. 20 વર્ષિય ખલીલે અત્યાર સુધી 17 સિલ્ટ એ મેચ રમી છે જેમાં તેણે 28 વિકેટ ઝડપી છે. રાહુલ દ્રવિડે 2016 અન્ડર-19 વિશ્વકપથી તેના પર નજર રાખી હતી. તે હાલમાં ભારત-એની સાથે ઈંગ્લેન્ડના પ્રવાસે પણ ગયો હતો. ખલીલના પિતા કોંટ જિલ્લાની એક સરકારી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર છે. તે પોતાના પુત્રને ભણાવીને ડોક્ટર બનાવવા ઈચ્છતા હતા. પરંતુ કોચ ઇમ્તિયાજના કહ્યા બાદ પિતા તેના માટે રાજી થયા હતા.
પસંદગીકારો વિશ્વ કપ પહેલા ફાસ્ટ બોલિંગમાં વિવિધતા ઈચ્છે છે. જયદેવ ઉનડકટ અને બરિન્દર સરન અનુકૂળ પરિણામ ન આપવાને કારણે હવે ખલીલને તક આપવાનો નિર્ણય કર્યો છે. પ્રસાદે કહ્યું, હા અત્યારે બે-ત્રણ સ્થાન નક્કી નથી. તેમાંથી એક સ્થાન ડાબા હાથના ફાસ્ટ બોલર માટે છે જેમાં ખલીલને તક આપવામાં આવી છે.
મયંકને મળી નિરાશા
ઓપનિંગ બેટ્સમેન મયંક અગ્રવાલને ફરી નિરાશા મળી છે. ડોમેસ્ટિક ક્રિકેટના દરેક ફોર્મેટમાં સતત રન બનાવ્યા બાદ પણ તેની પસંદગી કરવામાં આવી નથી. પ્રસાદે કહ્યું કે, જલ્દી તેની પસંદગી કરવામાં આવી શકે છે. તેમણે કહ્યું, મયંક અગ્રવાલ છેલ્લા 10-12 મહિનાથી ખૂબ સારૂ પ્રદર્શન કરી રહ્યો છે. મને વિશ્વાસ છે કે તેને યોગ્ય સમયે તક મળશે.