જોહાનિસબર્ગઃ આફ્રિકાના દેશ લાઈબેરિયાના રાષ્ટ્રપતિ જ્યોર્જ વીહે આંતરરાષ્ટ્રીય ફૂટબોલમાં અનોખો રેકોર્ડ બનાવ્યો છે. તેમણે મંગળવારે એક આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ સાથે જ તેઓ કોઈ દેશના શાસનાધ્યક્ષ રહેવાની સાથે ઈન્ટરનેશનલ ફૂટબોલ મેચ રમનારા પ્રથમ ખેલાડી બની ગયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચાલુ વર્ષે જાન્યુઆરીમાં જ બન્યા છે રાષ્ટ્રપતિ 
51 વર્ષના જ્યોર્જ વીહ ચાલુ વર્ષે 22 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ બન્યા હતા. તેઓ નેતા બનતાં પહેલાં પ્રોફેશનલ ફૂટબોલર રહી ચૂક્યા છે. તેમને 1995માં સમગ્ર વિશ્વ, યુરોપ અને આફ્રિકાના વર્ષના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર પણ પસંદ કરાયા હતા. જ્યોર્જ વીહ એકમાત્ર આફ્રિકન ફૂટબોલર છે જેણે વિશ્વ અને યુરોપિયન પુરસ્કાર જીત્યો હોય. 


જર્સી રિટાયર કરવા માટે રમાઈ હતી મેચ 
પૂર્વ ફૂટબોલર જ્યોર્જ વીહે 16 વર્ષ પહેલાં સંન્યાસ લઈ લીધો હતો. તે 14 નંબરની જર્સી પહેરતા હતા. તેમની 14 નંબરની જર્સીને રિટાયર કરવા માટે જ મોનરોવિયામાં આ આંતરરાષ્ટ્રીય મેચ આયોજિત કરાઈ હતી. મંગળવારે રમાયેલી આ મેચમાં નાઈજીરિયાએ લાઈબેરિયાને 2-1થી હરાવ્યું હતું. 



રાષ્ટ્રપતિએ અંતિમ મેચમાં કરી કેપ્ટનશીપ
જ્યોર્જ વીહે નાઈજિરિયા સામેની મેચ સ્ટેન્ડમાં બેસીને જોવાને બદલે પોતાના દેશની કેપ્ટનશીપ કરી અને પોતાનું સંપૂર્ણ કૌશલ્ય દેખાડ્યું હતું. તેઓ લગભગ 79 મિનિટ સુધી મેદાન પર રહ્યા હતા. ત્યાર બાદ તેમનું સ્થાન અન્ય ખેલાડીએ લીધું હતું. તેઓ જ્યારે મેદાનમાંથી બહાર આવ્યા ત્યારે દર્શકોએ ઊભા થઈને તેમનું અભિવાદન કર્યું હતું. 


માનચેસ્ટર સિટી, પીએસજી તરફથી રમી ચૂક્યા છે જ્યોર્જ વીહ
જ્યોર્જ વીહ 1985થી 2003 વચ્ચે લાઈબેરિયાના સ્ટાર ફૂટબોલર રહ્યા છે. તેમણે લાઈબેરિયા તરફથી 61 મેચમાં 18 ગોલ કર્યા છે. આ દરમિયાન જ્યોર્જે યુરોપિયન ક્લબ માનચેસ્ટર સિટી, ચેલ્સી, પીએસજી (પેરિસ સેન્ટ જર્મન), મોનાકો, માર્સિલે તરફથી પણ રમી ચૂક્યા છે. 


જ્યોર્જ વીહ અને ઈમરાન ખાન 
દુનિયામાં વર્તમાનમાં બે દેશોનું શાસન પૂર્વ ખેલાડીઓના હાથમાં છે. રસપ્રદ બાબત એ છે કે, આ બંને ખેલાડી ચાલુ વર્ષે જ પોત-પોતાના દેશના સર્વચ્ચ સ્થાને પહોંચ્યા છે. જ્યોર્જ વીહ જાન્યુઆરીમાં રાષ્ટ્રપતિ પદે ચૂંટાયા હતા. જ્યારે ઈમરાન ખાન ઓગસ્ટ મહિનામાં પાકિસ્તાનના વડા પ્રધાન બન્યા છે.