લંડનઃ પૂર્વ ઈંગ્લિશ કેપ્ટન માઇકલ વોને ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી પર કટાક્ષ કર્યો છે. પ્રથમ ઈનિંગમાં વિરાટ કોહલી દ્વારા લીધેલા રિવ્યૂ બેકાર ગયા બાદ મેચના ત્રીજા દિવસે પણ ભારતે 2 વખત ડીઆરએસનો ઉપયોગ કર્યો પરંતુ ટીમના બંન્ને રિવ્યૂ બેકાર થયા. રિવ્યૂ લેવાના ખોટા નિર્ણયને કારણે વોને કોહલીને સૌથી ખરાબ રિવ્યૂઅર ગણાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રવિવારે વોને ટ્વીટ કરીને કહ્યું, વિરાટ દુનિયાનો સર્વશ્રેષ્ઠ બેટ્સમેન છે અને તે એક સત્ય છે. વિરાટ દુનિયાનો સૌથી બેકાર રિવ્યૂઅર છે તે પણ સત્ય છે. મહત્વનું છે કે ત્રીજા દિવસે ટીમ ઈન્ડિયાએ પ્રથમ રિવ્યૂ કીટોન જેનિંગ્સ વિરુદ્ધ લીધો, તે સમયે રવીન્દ્ર જાડેજા બોલિંગ કરી રહ્યો હતો. 


જાડેજાનો બોલ જેનિંગ્સના પેડ પર ટકરાયો, ત્યારબાદ ખેલાડીઓએ આઉટની અપીલ કરી પરંતુ અમ્પાયરે જેનિંગ્સને નોટઆઉટ આપ્યો હતો. ફરી કોહલીએ બોલરો સાથે ચર્ચા કરીને રિવ્યૂ લીધું, પરંતુ અમ્પાયરનો નિર્ણય યથાવત રહ્યો અને ટીમે પ્રથમ રિવ્યૂ ગુમાવી દીધું હતું. 



તો બીજો રિવ્યૂ પણ કેપ્ટન કોહલીએ જાડેજાની બોલિંગમાં લીધો, કુક વિરુદ્ધ ટીમ ઈન્ડિયાએ અમ્પાયરના નિર્ણયની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો પરંતુ આ વખતે પણ નિર્ણય ખોટો ઠર્યો અને કુક નોટઆઉટ રહ્યો હતો. આ રીતે ટીમ ઈન્ડિયાએ બંન્ને રિવ્યૂ ગુમાવી દીધા હતા. પૂર્વ ઈંગ્લિશ ક્રિકેટર વોને આ ઘટનાને લઈને કોહલી પર નિશાન સાધ્યું છે. 


આ પ્રથમવાર નથી કે કોઈએ રિવ્યૂને કારણે કોહલી પર નિશાન સાધ્યું છે. આ પહેલા પૂર્વ ક્રિકેટર અજીત અગરકરે પણ કોહલી દ્વારા પ્રથમ ઈનિંગમાં લેવાયેલા રિવ્યૂ પર સવાલ ઉઠાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે પ્રથમ ઈનિંગમાં કોહલીએ કુક અને મોઇન અલી વિરુદ્ધ રિવ્યૂ લીધા હતા અને બંન્ને રિવ્યૂ બેકાર થઈ ગયા હતા.