દુબઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2020)ની 48મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ (MI)એ રોયલ ચેલેન્જર્સ બેંગલોર (RCB)ને 5 વિકેટે પરાજય આપી પ્લેઓફની જગ્યા પાક્કી કરી લીધી છે. આ સીઝનમાં પ્લેઓફની ટિકિટ પાક્કી કરનારી મુંબઈ પ્રથમ ટીમ બની છે. મુંબઈની ટીમનો 12મી મેચમાં આઠમો વિજય છે અને તેના 16 પોઈન્ટ થઈ ગયા છે. જ્યારે આરસીબીનો 12મી મેચમાં આ પાંચમો પરાજય છે. તે 14 પોઈન્ટ સાથે ટેબલમાં બીજા સ્થાને છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ઉતરેલી બેંગલોરની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 164 રન બનાવ્યા હતા. જેના જવાબમાં મુંબઈએ 19.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવી લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મુંબઈની ઈનિંગ
બેંગલોરે આપેલા 165 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમને 37 રનના સ્કોર પર પ્રથમ ઝટકો લાગ્યો હતો. ડિ કોક (18)ને સિરાજે આઉટ કર્યો હતો. ડિ કોકે 19 બોલમાં એક સિક્સ ફટકારી હતી. મુંબઈએ પાવરપ્લેમાં 1 વિકેટે 45 રન બનાવ્યા હતા. ત્યારબાદ ટીમનો સ્કોર 52 રન હતો ત્યારે ઇશાન કિશન (25)ના રૂપમાં મુંબઈએ બીજી વિકેટ ગુમાવી હતી. કિશન 19 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગો ફટકારી ચહલનો શિકાર બન્યો હતો. 


સૂર્યકુમારની શાનદાર બેટિંગ
સૂર્યકુમાર યાદવે એક છેડો સાચવી રાખતા દમદાર બેટિંગ કરી હતી. તેણે 29 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. આ સીઝનમાં સૂર્યકુમારની ત્રીજી અડધી સદી છે. સૌરભ તિવારી 5 રન બનાવી સિરાજની ઓવરમાં આઉટ થયો હતો. ત્યારબાદ ક્રિણાલ પંડ્યા (10)ને ચહલે આઉટ કરી બેંગલોરને ચોથી સફળતા અપાવી હતી. હાર્દિક પંડ્યા 15 બોલમાં બે છગ્ગા સાથે 17 રન બનાવી મોરિસનો શિકાર બન્યો હતો. સૂર્યકુમાર યાદવ 43 બોલમાં 10 ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 79 રન બનાવી અણનમ રહ્યો હતો.


પોલાર્ડ 4 રન બનાવી અણનમ રહ્યો હતો. બેંગલોર તરફથી મોહમ્મદ સિરાજ અને યુજવેન્દ્ર ચહલે બે-બે વિકેટ ઝડપી હતી. તો ક્રિસ મોરિસને એક સફળતા મળી હતી. 


બેંગલોરની નવી જોડીએ અપાવી દમદાર શરૂઆત
રોયલ ચેલેન્જર્સ બેંગલોરે આજે પોતાની ટીમમાં ત્રણ ફેરફાર કર્યાં હતા. સતત ફ્લોપ રહેલા આરોન ફિન્ચના સ્થાને ફિલીપેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. તેણે પડીક્કલ સાથે ઈનિંગની શરૂઆત કરીહતી. બંન્ને બેટ્સમેનોએ પાવરપ્લેમાં 54 રન જોડ્યા હતા. બેંગલોરને પ્રથમ ઝટકો 71 રનના સ્કોરે ફિલીપેના રૂપમાં લાગ્યો હતો. તે 24 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 33 રન બનાવી રાહુલ ચાહરનો શિકાર બન્યો હતો. 


પડીક્કલની અડધી સદી
બેંગલોરને બીજો ઝટકો કેપ્ટન વિરાટ કોહલીના રૂપમાં લાગ્યો હતો. કોહલી માત્ર 9 રન બનાવી બુમરાહનો શિકાર બન્યો હતો. આ દરમિયાન પડીક્કલે પોતાની અડધી સદી પૂરી કરી હતી. એબી ડિવિલિયર્સ ટીમનો સ્કોર 131 રન હતો ત્યારે 15 રન બનાવી પોલાર્ડનો શિકાર બન્યો હતો. દેવદત્ત પડીક્કલે 45 બોલમાં 12 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 74 રન બનાવ્યા હતા. તેને બુમરાહે આઉટ કર્યો હતો. ક્રિસ મોરિસ 4ને ટ્રેન્ટ બોલ્ટ અને શિવમ દુબે 2ને બુમરાહે આઉટ કર્યાં હતા. અંતમાં ગુરકીરત માન  14 અને વોશિંગટન સુંદર 10 રન બનાવી અણનમ રહ્યા હતા. 


બુમરાહની ઘાતક બોલિંગ
મુંબઈના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ફરી કમાલની બોલિંગ કરી હતી. બુમરાહે ચાર ઓવરમાં એક મેડન સાથે માત્ર 14 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય પોલાર્ડ, બોલ્ટ અને રાહુલ ચાહરને એક-એક સફળતા મળી હતી. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર