મારા વિરુદ્ધ ફિક્સિંગનો પૂરાવો નથી, અયોગ્ય છે આજીવન પ્રતિબંધઃ શ્રીસંત
સ્પોટ ફિક્સિંગના આરોપોમાં ક્રિકેટ રમવા પર પ્રતિબંધનો સામનો કરી રહેલા પૂર્વ ફાસ્ટ બોલર શ્રીસંતે પોતાના પર લાગેલો પ્રતિબંધ અયોગ્ય ગણાવ્યો છે.
નવી દિલ્હીઃ સ્પોટ ફિક્સિંગના આરોપોમાં ક્રિકેટ રમવા પર પ્રતિબંધનો સામનો કરી રહેલા પૂર્વ ફાસ્ટ બોલર એસ. શ્રીસંતે પોતાના પર લાગેલા પ્રતિબંધને અયોગ્ય ગણાવ્યો છે. સુપ્રીમ કોર્ટમાં મામલાની સુનાવણી દરમિયાન શ્રીસંતે કહ્યું કે, તેના વિરુદ્ધ કોઈ પૂરાવા નથી અને આજીવન પ્રતિબંધ લગાવવો અયોગ્ય છે. એટલું જ નહીં શ્રીસંતે આરોપ લગાવ્યો કે, કસ્ટડી દરમિયાન દિલ્હી પોલીસે સતત ટોર્ચર કર્યું જેથી તે 2013ના આઈપીએલ સ્પોટ ફિક્સિંગ સ્કેન્ડલમાં પોતાની ભૂમિકાનો સ્વીકાર કરી લે.
જુલાઈ 2015માં ધરપકડ બાદ ટ્રાયલ કોર્ટના આદેશ પર મુક્ય કરાયેલા શ્રીસંતે કહ્યું કે, પોલીસે ટોર્ચરથી કબુલ કરાવ્યું કે, તે સ્પોટ ફિક્સિંગમાં સામેલ હતો. તેણે કહ્યું કે, દિલ્હી પોલીસે તેની પજવણી કરી અને ધમકી આપી કે તે પોતાની સંડોવણીનો સ્વીકાર નહીં કરે તો તેના પરિવારને ફસાવી દેવામાં આવશે.
35 વર્ષીય ક્રિકેટરે કેરલ હાઈકોર્ટ તરફથી બીસીસીઆઈના આજીવન પ્રતિબંધને યથાવત રાખવાના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. પોતાની અરજી પર સુનાવણી દરમિયાન જ તેણે દિલ્હી પોલીસ તરફતી પજવણી કરવાનો દાવો કર્યો હતો.