PAK vs ENG: રાવલપિંડીમાં ઈંગ્લેન્ડે રચ્યો ઈતિહાસ, પ્રથમ ટેસ્ટમાં પાકિસ્તાનને 74 રને હરાવ્યું
Pakistan vs England 1st Test: ઈંગ્લેન્ડે પાકિસ્તાન વિરુદ્ધ ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ જીતી લીધી છે. અંતિમ દિવસે ટી બ્રેક બાદ ઈંગ્લેન્ડના બોલરોએ 5 વિકેટ લઈને પાકિસ્તાનને પરાજય આપ્યો છે. આ જીતની સાથે ઈંગ્લેન્ડે સિરીઝમાં 1-0ની લીડ બનાવી લીધી છે.
રાવલપિંડીઃ ઈંગ્લેન્ડે પાકિસ્તાન (PAK vs ENG) વિરુદ્ધ ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચ જીતી લીધી છે. મેચના 5માં દિવસે અંતિમ સેશનમાં પાકિસ્તાનને જીત માટે 86 રનની જરૂર હતી. તેની પાંચ વિકેટ બાકી હતી. ત્યાંથી ટીમની જીત નક્કી લાગી રહી હતી પરંતુ ત્યારબાદ ઈંગ્લેન્ડે જોરદાર વાપસી કરી મેચ જીતી લીધી. ટીમ માટે ફાસ્ટ બોલર ઓલી રોબિન્સન અને જેમ્સ એન્ડરસને શાનદાર બોલિંગ કરી હતી. ઈંગ્લેન્ડે આ મેચ 74 રને પોતાના નામે કરી છે. જીત સાથે સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
છેલ્લી જોડી મેચ ડ્રો કરાવી શકી નહીં
પાકિસ્તાને 88મી ઓવરમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. અંતિમ જોડીના રૂપમાં નસીમ શાહ અને મોહમ્મદ અલી ક્રીઝ પર હતા. બંનેએ 53 બોલનો સામનો કર્યો. તેમ લાગી રહ્યું હતું કે બંને મેચ ડ્રો કરાવી લેશે. પરંતુ જેક લીચે નસીમ શાહને એલબી આઉટ કરીને ઈંગ્લેન્ડને જીત અપાવી દીધી. પાકિસ્તાને રિવ્યૂ પણ લીધુ પરંતુ તેને ફાયદો મળ્યો નહીં.
11 રન બનાવવામાં 5 વિકેટ પડી
ઈંગ્લેન્ડ માટે ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન અને ઓલી રોબિન્સને શાનદાર બોલિંગ કરી હતી. ટી બ્રેક બાદ રોબિન્સને આગા સલમાનને એલબીડબ્લ્યૂ કર્યો. ઈંગ્લિશ ટીમ સતત પાકિસ્તાનના બોટરોને લેગ સ્ટમ્પ પર એટેક કરી રહી હતી. રોબિન્સનના બોલ પર જો રૂટે લેગ સ્લિપમાં અઝહર અલી (40) નો કેચ લીધો. ત્યારબાદ જાહિદ મોહમ્મદ (1) પણ આઉટ થઈ ગયો હતો. તેનો કેચ ઓલી પોપે લીધો હતો. બે બોલ બાદ જેમ્સ એન્ડરસને હરિસ રઉફને એલબી આઉટ કરી દીધો હતો.
આ પણ વાંચોઃ ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન બાદ એક્શનમાં BCCI, હવે ટી20 ટીમને મળશે નવા 'BOSS'
મેચના છેલ્લા સેશનમાં પાકિસ્તાને 11 રન બનાવવામાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. ટીમની ઈનિંગ 286 રન પર સમેટાઈ ગઈ હતી. એન્ડરસન અને રોબિન્સને 4-4 વિકેટ લીધી હતી. લીચ અને કેપ્ટન સ્ટોક્સે 1-1 સફળતા મેળવી હતી. ઈંગ્લેન્ડે ત્રણ મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે.
મેચમાં રનનો વરસાદ
મેચની પ્રથમ ઈનિંગમાં ઈંગ્લેન્ડને 657 રન બનાવ્યા. જેક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ અને હેરી બ્રૂકે સદી ફટકારી હતી. પાકિસ્તાને જવાબમાં 579 રન ઠોકી દીધા હતા. ઈંગ્લેન્ડે બીજી ઈનિંગ 7 વિકેટ પર 264 રનના સ્કોરે ડિકલેર કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube