પુલવામા હુમલોઃ ભારત-પાક મેચ પર બોલ્યા રાજીવ શુક્લા- વિશ્વ કપ હજુ ઘણો દૂર
આગામી વનડે વિશ્વકપમાં ભારતીય ટીમ પાકિસ્તાન વિરુદ્ધ રમશે કે નહીં તેના પર હજુ નિર્ણય લેવામાં આવ્યો નથી.
નવી દિલ્હીઃ સીઆરપીએફના કાફલા પર પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ચેરમેન રાજીવ શુક્લાએ ફરી એકવાર કહ્યું કે, આવી સ્થિતિમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય ક્રિકેટ સિરીઝની કોઈ સંભાવના નથી. આ સાથે રાજીવ શુક્લાએ સ્પષ્ટ કર્યું કે, આગામી વિશ્વકપ 2019માં પાકિસ્તાન વિરુદ્ધ રમવા અંગે હજુ કોઈ નિર્ણય લેવાયો નથી. આ નિર્ણય આગામી દિવસોમાં લેવાશે.
રાજીવ શુક્લાએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું, પાકિસ્તાન વિરુદ્ધ રમવા પર અમારૂ સ્ટેન્ડ ચોક્કસ છે કે જ્યાં સુધી સરકાર અમને મંજુરી આપશે નહીં, અમે પાકિસ્તાન વિરુદ્ધ રમીશું નહીં. રમત આ તમામ વસ્તુથી ઉપર હોવી જોઈએ પરંતુ જ્યારે કોઈ આતંકવાદનું સમર્થન કરી રહ્યાં છે તો સ્વાભાવિક છે તેની અસર રમત પર પણ પડી શકે છે.
મોહમ્મદ શમીએ કરી શહીદોના પરિવારજનોની મદદ, કહ્યું- સરહદ પર અમારી રક્ષા કરે છે જવાન
શુક્લાને જ્યારે સવાલ કરવામાં આવ્યો કે શું આગામી વિશ્વકપમાં ભારત પાકિસ્તાન વિરુદ્ધ રમશે? શુક્લાએ તેનો જવાબ આપતા કહ્યું, આ પ્રશ્નનો જવાબ અમે તમને અત્યારે ન આપી શકીએ. વિશ્વકપ હજુ દૂર છે. અમે જોઈશું શું થાય છે. મહત્વનું છે કે, 30 મેથી શરૂ થઈ રહેલા વિશ્વકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ 16 જૂન રવિવારે માનચેસ્ટરમાં રમાવાની છે.
World Cup 2019: ભારત પાકનો કરશે બહિષ્કાર?, ઓસ્ટ્રેલિયા અને વેસ્ટઈન્ડિઝ કરી ચુક્યા છે આ કામ
CRPF જવાનો પર થયેલા આતંકી હુમલામાં 40 જવાનો શહીદ થયા હતા. આ આતંકી હુમલો ત્યારે થયો જ્યારે સીઆરપીએફનો કાફલો (14 ફેબ્રુઆરી) જમ્મૂથી શ્રીનગર જઈ રહ્યો હતો. પાકિસ્તાન સમર્થિત આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે આ હુમલાની જવાબદારી લીધી છે. આતંકીઓની આ કાયરતાભરી હરકત બાદ દેશમાં ગુસ્સો છે અને લોકો પાકિસ્તાન પર કાર્યવાહીની વાતો કરી રહ્યાં છે. આ કોંગ્રેસના નેતાએ કહ્યું કે, લોકોનો ગુસ્સો સ્વાભાવિક છે અને પાકિસ્તાને આતંકવાદને સમર્થન આપવાનું બંધ કરી દેવું જોઈએ.