IPL 2018: બટલરની ઈનિંગે રાજસ્થાનની આશા જીવંત રાખી, મુંબઈને 7 વિકેટે હરાવ્યું
આ જીત સાથે રાજસ્થાન રોયલ્સ 12 અંક સાથે પોઇન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચી ગયું છે.
મુંબઈઃ આઈપીએલની સીઝન 11ની 47મી મેચમાં જોસ બટલરના 94 રનની શાનદાર ઈનિંગની મદદથી રાજસ્થાન રોયલ્સે મુંબઈ ઈન્ડિયન્સને 7 વિકેટે પરાજય આપ્યો છે. મુંબઈ ઈન્ડિયન્સે રાજસ્થાનને જીતવા માટે 168 રનનો ટાર્ગેટ હતો. આરઆરે બે ઓવર બાકી હતી ત્યારે આ લક્ષ્ય હાસિલ કરી લીધો હતો. જોસ બટલરે 53 બોલમાં 5 સિક્સ અને 9 ફોરની મદદથી અણનમ 94 રન ફટકાર્યા હતા. આ જીત સાથે મુંબઈની પ્લેઓફમાં પહોંચવાની આશા પૂર્ણ થઈ ગઈ છે. રાજસ્થાન 12 અંક સાથે પોઇન્ટ ટેબલમાં પાંચમાં સ્થાને પહોંચી ગયું છે. રાજસ્થાનની આ જીત સાથે ચેન્નઈ સુપર કિંગ્સ પ્લેઓફમાં પહોંચી ગઈ છે.
મુંબઈએ આપેલા 169 રનના લક્ષ્યને હાસિલ કરવા માટે ડાર્સી શોર્ટ અને જોસ બટલરે ઈનિંગનો પ્રારંભ કર્યો હતો. પરંતુ પ્રથમ ઓવરમાં જ બુમરાહે ડાર્સી શોર્ટને આઉટ કરીને રાજસ્થાનને પ્રથમ ઝટકો આપ્યો હતો. ડાર્સી માત્ર 4 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ કેપ્ટન રહાણે અને બટલરે બીજી વિકેટ માટે 95 રન જોડ્યા હતા. ત્યારબાદ સંજુ સૈમસન 14 બોલમાં બે ફોર અને બે સિક્સની મદદથી 26 રન બનાવી આઉટ થયો હતો.
આ દરમિયાન બટલરે આઈપીએલની આ સીઝનમાં સતત પાંચમી અર્ધસદી ફટકારી હતી. તેણે વિરેન્દ્ર સહેવાગના રેકોર્ડની બરોબરી કરી હતી. ટીમનો સ્કોર 104 પર પહોંચ્યો ત્યારે રહાણે (37) હાર્દિક પંડ્યાની બોલિંગમાં આઉટ થયો હતો.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 168 રન બનાવ્યા અને રાજસ્થાન રોયલ્સને જીત માટે 169 રનનો ટાર્ગેટ આપ્યો. મુંબઈ માટે ઈવિન લુઈસે સૌથી વધુ 60 રન બનાવ્યા. તેણે પોતાની 42 બોલની ઈનિંગમાં 4 ફોર અને 4 સિક્સ ફટકારી હતી.
લુઈસ (42 બોલ પર 60 રન) અને સૂર્યકુમાર (31 બોલમાં 38 રન) પ્રથમ વિકેટ માટે 10.4 ઓવરમાં 87 રન જોડીને મુંબઈને શાનદાર શરૂઆત અપાવી હતી. રાજસ્થાનના બોલરોએ આગામી 44 બોલમાં મુંબઈની પાંચ વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યા (21 બોલ 36 રન)ની અંતિમ ઓવરોમાં આક્રમક બેટિંગની મદદથી મુંબઈનો સ્કોર 160ને પાર પહોંચાડ્યો હતો.
રાજસ્થાન તરફથી જોફ્રા આર્ચર (16 રનમાં બે વિકેટ) અને બેન સ્ટોક્સ (26 રન આપીને બે વિકેટ) શાનદાર બોલિંગ કરી. આ બંન્નેએ 8 ઓવરમાં 42 રન આપ્યા અને ચાર વિકેટ ઝડપી હતી.
જોફ્રા અને સ્ટોક્સની શાનદાર બોલિંગે મુંબઈને મોટો સ્કોર કરતા રોક્યું હતું. ધવલ કુલકર્ણી અને જયદેવ ઉનડકટને એક-એક વિકેટ મળી હતી.