ફરી ચર્ચામાં Sandpaper Gate, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કેમરન બેનક્રોફ્ટનો કર્યો સંપર્ક
ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર કેમરન બેનક્રોફ્ટે 2018ના બોલ ટેમ્પરિંગ વિવાદ પર ખુલાસો કર્યા બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ફરી સક્રિય થઈ ગયું છે. હવે આ મામલામાં ફરી તપાસ શરૂ થાય તેમ લાગી રહ્યું છે.
નવી દિલ્હીઃ જ્યારથી ઓસ્ટ્રેલિયન ક્રિકેટર કેમરન બેનક્રોફ્ટે ખુલાસો કર્યો છે કે સેન્ડપેપર ગેટ વિશે ત્રણથી વધુ લોકોને જાણકારી હતી, ત્યારથી ક્રિકેટની દુનિયામાં આ વિવાદ ફરી ચર્ચાનો વિષય બની ગયો છે. આ વચ્ચે સમાચાર છે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) ની ઇન્ટેઇગ્રિટી ટીમે આ બેટ્સમેનનો સંપર્ક કર્યો છે, જેથી તે જાણી શકાય કે શું તેની પાસે આ મામલાને લઈને વધુ જાણકારી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના સૂત્રએ એએનઆઈને પુષ્ટિ કરી છે કે ઇન્ટેગ્રિટી ટીમે ખરેખર બેનક્રોફ્ટનો સંપર્ક કર્યો છે, અને તે ખેલાડીના જવાબની રાહ જોઈ રહ્યું છે.
આ મામલામાં તત્કાલીન ઓસ્ટ્રેલિયન કેપ્ટન સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની સાથે બેનક્રોફ્ટ પણ પ્રતિબંધનો સામનો કરી ચુક્યો છે. તે આ સમયે ઈંગ્લેન્ડમાં છે અને કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યો છે. થોડા દિવસ પહેલા ગાર્જિયનને આપેલા ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, ત્રણથી વધુ લોકોને બોલ ટેમ્પરિંગ વિશે જાણકારી હતી. તેણે કહ્યું કે, તે એટલું ઈચ્છે છે કે તે પોતાની હરકત અને ભૂમિકાને લઈને જવાબદાર રહે. ચોક્કસપણે તેણે જે કહ્યું તેનાથી બીજા બોલરોને ફાયદો મળ્યો અને તેને તેની જાણકારી હતી. તે સ્પષ્ટ છે. ન્યૂલેન્ડ્સમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાયેલી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાના બોલિંગ આક્રમણમાં મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ અને જોશ હેઝલવુડ હતા.
મહત્વનું છે કે બેનક્રોફ્ટ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 2018માં ત્રીજી ટેસ્ટ દરમિયાન બોલ પર સેન્ડપેપર ઘસતો કેમેરામાં કેદ થઈ ગયો હતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સાહસિક પગલુ ભરતા સ્મિથ અને વોર્નરને કેપ્ટન અને વાઇસ કેપ્ટનના પદ પરથી હટાવી દીધા હતા. બાદમાં આ બન્ને સ્ટાર ખેલાડી વિરુદ્ધ એક વર્ષનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો તો બેનક્રોફ્ટ પર 9 મહિનાનો પ્રતિબંધ લાગ્યો હતો. આ વિવાદિત પ્રકરણ બાદ ટીમના કોચ ડેરેન લેહમને પણ રાજીનામુ આપી દીધુ હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube