Wimbledon 2019: સેરેનાને પરાજય આપી સિમોના હાલેપે કબજે કર્યું વિમ્બલ્ડનનું ટાઇટલ
સિમોના હાલેપે સેરેના વિલિયમ્સને 6-2, 6-2થી પરાજય આપીને વિમ્બલ્ડન-2019નું ટાઇટલ પોતાના નામે કર્યું છે.
લંડનઃ સેરેના વિલિયમ્સનું 24મું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીતવાનું સપનું અધુરૂ રહી ગયું છે. વિમ્બલ્ડન ફાઇનલ મુકાબલામાં અમેરિકાની સેરેના વિલિયમ્સને રોમાનિયાની સિમોના હાલેપે માત્ર 55 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં 6-2,6-2થી પરાજય આપીને પોતાનું બીજું ગ્રાન્ડસ્લેમ ટાઇટલ જીત્યું છે. આ પહેલા તે 2018મા ફ્રેન્ચ ઓપનમાં ચેમ્પિયન બની હતી. તે પ્રથમવાર વિમ્બલ્ડનના ફાઇનલમાં પહોંચી હતી અને સેરેનાને પરાજય આપવામાં સફળ રહી છે.
મેચ બાદ સેરેનાએ હાલેપની પ્રશંસા કરતા કહ્યું, હાલેપે શાનદાર પ્રદર્શન કર્યું, હું ખરેખર હેરાન હતી. તેને આ જીત માટે ખુબ-ખુબ શુભકામનાઓ. તો હાલેપે પણ સ્વીકાર્યું કે, આ તેની જિંગદીની સૌથી શાનદાર મેચ હતી અને તેને આ જીત પર વિશ્વાસ આવી રહ્યો નથી.
પ્રથમ સેટ હાલેપે 6-2થી આસાનીથી પોતાના નામે કર્યો હતો. ત્યારબાદ બીજા સેટમાં સેરેના વિલિયમ્સે વાપસીનો પ્રયત્ન કર્યો પરંતુ સિમોનાએ તેને વધુ તક ન આપી.
બંન્ને વચ્ચે અત્યાર સુધી કુલ 10 મેચ રમાઇ છે, જેમાંથી નવ વખત સેરેનાનો વિજય થયો હતો. 11મી વરીયતા પ્રાપ્ત સેરેના આ રીતે મારગ્રેટ કોર્ટના 24 ગ્રાન્ડસ્લેમ જીતવાના રેકોર્ડની બરોબરી કરવાથી એક ટાઇટલ દૂર હતી, પરંતુ તે વિમ્બલ્ડનમાં તેને પૂરુ કરી શકી નથી. સેરેનાએ ગુરૂવારે સેમિફાઇનલમાં ચેક ગણરાજ્યની બારબોરા સ્ટ્રાયકોવાને પરાજય આપ્યો હતો તે હાલેપે યૂક્રેનની ઇલિના સ્વિતોલિનાને હરાવી હતી.