Sports Awards 2021: નીરજ ચોપડા, મિતાલી રાજ સહિત 12 ખેલાડીઓને મળ્યો ખેલ રત્ન, ભાવિના પટેલનું અર્જુન એવોર્ડથી સન્માન
રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત ખેલ પુરસ્કાર સમારોહમાં કુલ 35 ખેલાડીઓનું અર્જુન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતની મહિલા પેરા ટેબલ ટેનિસ ખેલાડી અને ટોક્યોમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલ પણ સામેલ છે.
નવી દિલ્હીઃ શનિવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રીય ખેલ રત્ન પુરસ્કાર આપવામાં આવ્યા છે. ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતીને ઈતિહાસ રચનાર નીરજ ચોપડાને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે નીરજ ચોપડા સહિત 12 ખેલાડીઓને મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ આપ્યો છે. નીરજ સિવાય જે ખેલાડીઓને મેજર ધ્યાનચંદ એવોર્ડ આપવામાં આવ્યો છે, તેમાં ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનાર રેસલર રવિ દહિયા, ટોક્યોમાં બ્રોન્ઝ જીતનાર બોક્સર લવલીના બોરગોહેન, અનુભવી ગોલકીપર શ્રીજેશ પીઆર, અવની લખેરા, સુમિત અંતિલ, પ્રમોદ ભગત. મનીષ નરવાલ, મિતાલી રાજ, સુનીલ છેત્રી અને ભારતીય હોકી ટીમના કેપ્ટન મનપ્રીત સિંહ સામેલ છે.
ગુજરાતની ભાવિના પટેલ સહિત 35ને અર્જુન એવોર્ડ
રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત ખેલ પુરસ્કાર સમારોહમાં કુલ 35 ખેલાડીઓનું અર્જુન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતની મહિલા પેરા ટેબલ ટેનિસ ખેલાડી અને ટોક્યોમાં સિલ્વર મેડલ જીતનાર ભાવિના પટેલ પણ સામેલ છે. આ સિવાય ભારતીય ક્રિકેટ ટીમના ઓપનર શિખર ધવનનું પણ અર્જુન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે. તો ગુજરાતની ટેનિસ ખેલાડી અંકિતા રૈનાને પણ અર્જુન એવોર્ડ આપવામાં આવ્યો છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube