દુબઈઃ સનરાઇઝર્સે ધમાકેદાર ઓલરાઉન્ડ પ્રદર્શન કરતા દિલ્હી કેપિટલ્સને 88 રને સજ્જડ પરાજય આપી પ્લેઓફની રેસ રોમાંચક બનાવી દીધી છે. દિલ્હી કેપિટલ્સના બેટ્સમેનો ફરી ફ્લોપ રહ્યાં હતા. દિલ્હીની ટીમનો આ સળંગ ત્રીજો પરાજય છે. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા હૈદરાબાદે વોર્નર અને સાહાની અડધી સદીની મદદથી 20 ઓવરમાં 2 વિકેટે 219 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. જેના જવાબમાં દિલ્હી કેપિટલ્સની ટીમ 19 ઓવરમાં માત્ર 131 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. હૈદરાબાદનો 12 મેચમાં આ પાંચમો વિજય છે. તેના 10 પોઈન્ટ થઈ ગયા છે અને ટીમ છઠ્ઠા સ્થાને છે. તો પરાજયની સાથે દિલ્હીની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને આવી ગઈ છે. બંન્ને ટીમોની હવે બે-બે મેચ બાકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પહાડી લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી દિલ્હીનો ધબડકો
220 રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલ દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખરાબ રહી હતી. ટીમને પ્રથમ ઓવરના ત્રીજા બોલ પર શિખર ધવન (0)ના રૂપમાં લાગ્યો હતો. તેને સંદીપ શર્માએ આઉટ કર્યો હતો. ત્યારબાદ ટીમનો સ્કોર 14 રન હતો ત્યારે માર્કસ સ્ટોયનિસ (5)ને નદીમે આઉટ કરીને હૈદરાબાદને બીજી સફળતા અપાવી હતી.


દિલ્હીની ટીમે પાવરપ્લેમાં બે વિકેટે 54 રન બનાવ્યા હતા. ટીમનો સ્કોર 54 રન હતો ત્યારે શિમરોન હેટમાયર (16)ને રાશિદ ખાને બોલ્ડ કર્યો હતો. હેટમાયરે ત્રણ ચોગ્ગા ફટકાર્યા હતા. આજ ઓવરમાં રાશિદે અંજ્કિ રહાણે (29)ને આઉટ કરીને હૈદરાબાદને ચોથી સફળતા અપાવી હતી. કેપ્ટન અય્યર (7)ને વિજય શંકરે આઉટ કરીને દિલ્હીને પાંચમો ઝટકો આપ્યો હતો. 


ઈનિંગની 13મી ઓવરમાં રાશિદ ખાને અક્ષર પટેલ (1)ને આઉટ કરી હૈદરાબાનદને છઠ્ઠી સફળતા અપાવી હતી. કગિસો રબાડા 3 રન બનાવી નટરાજનનો શિકાર બન્યો હતો. રિષભ પંત (36)ને સંદીપ શર્માએ આઉટ કર્યો હતો. અશ્વિન 7 રન બનાવી હોલ્ડરની ઓવરમાં આઉટ થયો હતો. 


રાશિદ ખાનનો ધમાકો
સનરાઇઝર્સ તરફથી રાશિદ ખાન સૌથી સફળ બોલર રહ્યો હતો. રાશિદે ચાર ઓવરમાં માત્ર 7 રન આપી ત્રણ વિકેટ ઝડપી હતી. આ સિવાય સંદીપ શર્મા અને ટી નટરાજનને બે-બે સફળતા મળી હતી. નદીમ, હોલ્ડર અને વિજય શંકરને એક એક સફળતા મળી હતી. 


જન્મદિવસના દિવસે વોર્નરની ધમાકેદાર બેટિંગ
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે વિસ્ફોટક શરૂઆત કરી હતી. ટીમે પાવરપ્લેમાં વિના વિકેટે 77 રન ફટકારી દીધા હતા. આ સીઝનમાં પાવરપ્લેનો આ સર્વાધિક સ્કોર છે. ડેવિડ વોર્નરે પાવરપ્લેમાં જ માત્ર 25 બોલમાં અડધી સદી ફટકારી દીધી હતી. આજે વોર્નર પોતાના આક્રમક અંદાજમાં બેટિંગ કરતો જોવા મળ્યો હતો. વોર્નર અને રિદ્ધિમાન સાહાએ પ્રથમ વિકેટ માટે 107 રનની ભાગીદારી કરી હતી. ટીમને પ્રથમ ઝટકો ઈનિંગની 10મી ઓવમાં વોર્નરના રૂપમાં લાગ્યો હતો. વોર્નર 34 બોલમાં 8 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 66 રન બનાવી આઉટ થયો હતો. આ સફળતા અશ્વિનને મળી હતી.


આજે ઓપનિંગમાં આવેલા સહાનો પણ ધમાકો
હૈદરાબાદે આજે જોની બેયરસ્ટોના સ્થાને રિદ્ધિમાન સાહાને તક આપી હતી. સાહાએ વોર્નર સાથે ઈનિંગની શરૂઆત કરી હતી. તેણે શાનદાર બેટિંગ કરતા પહેલા વોર્નર સાથે 107 અને ત્યારબાદ મનીષ પાંડે સાથે બીજી વિકેટ માટે 63 રનની ભાગીદારી કરી હતી. સાહાએ 45 બોલમાં 12 ચોગ્ગા અને બે છગ્ગા સાથે 87 રન બનાવ્યા હતા. તે એનરિક નોર્ત્જેની ઓવરમાં આઉટ થયો હતો. 


હૈદરાબાદે 15મી ઓવરમાં બીજી વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ મનીષ પાંડે અને કેન વિલિયમસને અંતિમ ઓવરોમાં હૈદરાબાદનો સ્કોર 220ની નજીક પહોંચાડ્યો હતો. મનીષ પાંડે 31 બોલમાં 4 ચોગ્ગા અને એક છગ્ગા સાથે 44 રન બનાવી અણનમ રહ્યો હતો. તો કેન વિલિયમસન 10 બોલમાં 11 રન બનાવી નોટઆઉટ રહ્યો હતો. દિલ્હી તરફથી અશ્વિન અને નોર્ત્જેને એક-એક સફળતા મળી હતી. 


વાંચો આઈપીએલના તમામ સમાચાર


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


વાંચો સ્પોર્ટ્સના અન્ય સમાચાર