લખનઉઃ પૂર્વ નંબર એક ખેલાડી સાયના નેહવાલ તેની શ્રેષ્ઠ રમતનું પ્રદર્શન કરી શકી ન હતી અને અહીં રમાયેલી સૈયદ મોદી ઈન્ટરનેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં તેને પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ચીનની ખેલાડી હેન-યુએ સાયના નેહવાલને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. સાયનાને સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બીજી ક્રમાંકિત સયના નેહવાલની નજર આ ટૂર્નામેન્ટનું ચોથું ટાઈટલ જીતવા પર હતી. ચીનની હાન-યુ-હાને સાયનાને 18-21, 8-21થી સીધી બે ગેમમાં સરળતાથી હરાવી લીધી હતી. વર્ષ 2017ની વર્લ્ડ જુનિયર ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલિસ્ટ હાનને આ ટાઈટલ જીતવા માટે દોઢ કલાક જેટલો સમય લાગ્યો હતો. 


28 વર્ષની સયના નેહવાલે ઈન્ડોનેશિયાની રસેલી હાર્ટવાનને શનિવારે 12-21, 21-7, 21-6થી હરાવીને ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. આ અગાઉ સાયના 2009, 2014 અને 2015માં આ ટૂર્નામેન્ટમાં ચેમ્પિયન બની ચૂકી છે. 


આ સાથે જ મહિલા ડબલ્સની જોડી અશ્વિની પોનપ્પા અને એન. સિક્કી રેડ્ડી તથા મેન્સ ડબલ્સ જોડી સાત્વિકસાઈરાજ રેન્કીરેડ્ડી અને ચિરાગ શેટ્ટીનો પણ તેમની ફાઈનલ મેચમાં પરાજય થયો હતો. 


રેન્કીરેડ્ડી અને શેટ્ટી બીજી ગેમમાં 18-14થી આગળ રહી હતી, પરંતુ તેમ છતાં બીજા ક્રમાંકિત ઈન્ડોનેશિયાના ફજર અલ્ફિયાન અને મોહમ્મદ રિયાન સામે 38 મિનિટ સુધી ચાલેલી મેચમાં 11-21, 20-22થી પરાજય થયો હતો. 


મહિલા ડબલ્સની ફાઈનલમાં અશ્વિની પોનપ્પા અને એન. સિક્કી રેડ્ડીનો સામનો મલેશિયાની ચાઓ-મી-કુઆન અને લી-મેંગ-યીન સાથે થયો હતો. મલેશિયાની જોડીએ ભારતીય જોડીને 15-21, 13-21 સાથે હરાવી હતી. ભારતીય જોડીને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો.