T20 World Cup 2022: કઈ ટીમ જીતશે ટ્રોફી? આ ત્રણ દેશ પાસે ઈતિહાસનું પુનરાવર્તન કરવાની તક
T20 World Cup 2022 Semifinal: T20 વિશ્વકપ 2022ના સેમીફાઇનલમાં ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, ઈંગ્લેન્ડ અને ભારતે જગ્યા બનાવી છે. આ ત્રણ ટીમ પાસે ઈતિહાસ રચવાની તક છે.
નવી દિલ્હીઃ T20 World Cup 2022 Australia: T20 વિશ્વકપ 2022 પોતાના બિઝનેસ એન્ડમાં પહોંચી ગયો છે. ન્યૂઝીલેન્ડ, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન અને ભારતે સેમીફાઇનલ માટે ક્વોલીફાઈ કરી લીધુ છે. જ્યાં 9 નવેમ્બરે ન્યૂઝીલેન્ડનો સામનો પાકિસ્તાન સામે થશે. તો 10 નવેમ્બરે એડિલેડમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ટક્કર થશે. તમામ ક્રિકેટ ફેન્સ દુવા કરી રહ્યાં છે કે ભારત-પાકિસ્તાન વચ્ચે ફાઇનલ મેચ જોવા મળે. આ ચારમાંથી ત્રણ ટીમ માટે ટી20 વિશ્વકપ 2022ની ટ્રોફી જીતી ઈતિહાસનું પુનરાવર્તન કરવાની તક છે. આવો જાણીએ આ ચાર ટીમ વિશે, જેણે ટી20 વિશ્વકપ 2022ના સેમીફાઇનલ માટે ક્વોલીફાઈ કર્યું છે.
આ ટીમે સૌથી પહેલા કર્યું ક્વોલીફાઈ
ટી20 વિશ્વકપ 2022માં સેમીફાઇનલ માટે સૌથી પહેલા ક્વોલીફાઈ કરનારી ટીમ ન્યૂઝીલેન્ડ હતી. ન્યૂઝીલેન્ડે પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાને 89 રને હરાવ્યું હતું. ન્યૂઝીલેન્ડ માટે ગ્લેન ફિલિપ્સ, ફિન એલેન અને ડેવોન કોનવોએ સારૂ પ્રદર્શન કર્યું છે. તો બોલિંગમાં સાઉદી, બોલ્ટ અને સેન્ટનરની જોડીએ તરખાટ મચાવ્યો છે. કીવી ટીમે અત્યાર સુધી ક્યારેય ટ્રોફી જીતી નથી. પરંતુ આ વખતે કેન વિલિયમસનની ટીમ પાસે ઈતિહાસ રચવાની તક છે.
ઈંગ્લેન્ડ પાસે સૂવર્ણ તક
ટી20 વિશ્વકપ 2022 શરૂ થવાના થોડા સમય પહેલા ઈંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગને સંન્યાસ લઈ લીધો હતો. ત્યારબાદ જોસ બટલરને ટીમની કમાન સોંપવામાં આવી હતી. તેણે ટી20 વિશ્વકપમાં ટીમનું નેતૃત્વ કર્યું છે. ઈંગ્લેન્ડ પાસે સ્ટોક્સ અને મોઈન અલીના રૂપમાં દમદાર ઓલરાઉન્ડર છે. બેટિંગમાં તેની પાસે એલેક્સ હેલ્સ, બટલર અને ડેવિડ મલાન જેવા દિગ્ગજ બેટરો છે. ઈંગ્લેન્ડે વર્ષ 2010માં ટી20 વિશ્વકપ જીત્યો હતો.
ભાગ્યના સહારે સેમીફાઇનલમાં પહોંચી પાકિસ્તાનની ટીમ
નેધરલેન્ડ્સે જ્યારે સાઉથ આફ્રિકાને 13 રને પરાજય આપ્યો ત્યારે પાકિસ્તાન ટીમ માટે સેમીફાઇનલનો દરવાજો ખુલી ગયો હતો. તેણે બાંગ્લાદેશને હરાવી અંતિમ-4માં એન્ટ્રી કરી હતી. પાકિસ્તાન માટે ચિંતાનો વિષય તેની બેટિંગ છે. બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન પોતાના નામ પ્રમાણે બેટિંગ કરી શક્યા નથી. પરંતુ પાકિસ્તાન પાસે ફાસ્ટ અને સ્પિન બોલરોની મજબૂત જોડીઓ છે. પાકિસ્તાને 2009માં ટી20 વિશ્વકપ જીત્યો હતો.
આ પણ વાંચોઃ IND vs ENG મેચ પહેલા સામે આવ્યા ખરાબ સમાચાર, ઈજાને કારણે બહાર થઈ શકે છે આ ખેલાડી
ટાઈટલ જીતવાનું મજબૂત દાવેદાર છે ભારત
ભારતીય ટીમ આઈસીસી ટી20 વિશ્વકપ 2022નું ટાઇટલ જીતવાની મજબૂત દાવેદાર છે. ભારતે ટૂર્નામેન્ટની શરૂઆત પાકિસ્તાનને હરાવીને કરી હતી. ભારતે આ દરમિયાન માત્ર એક મેચ આફ્રિકા સામે ગુમાવી છે. ભારત માટે વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. બોલિંગમાં શમી, ભુવનેશ્વર અને અર્શદીપ ઉપયોગી સાબિત થયા છે. તો છેલ્લી બે મેચમાં અડધી સદી ફટકારી રાહુલે ફોર્મમાં વાપસી કરી છે.
આ ત્રણ ટીમ પાસે ઈતિહાસનું પુનરાવર્તન કરવાની તક
વેસ્ટ ઈન્ડિઝે સૌથી વધુ બે વખત ટી20 વિશ્વકપનું ટાઈટલ જીત્યું છે. વેસ્ટ ઈન્ડિઝે 2012 અને 2016માં ટ્રોફી કબજે કરી હતી. તો આ વખતે સેમીફાઇનલમાં પહોંચેલી ઈંગ્લેન્ડ, ભારત અને પાકિસ્તાને એક-એક વાર આ ટ્રોફી જીતી છે. તેવામાં ત્રણ ટીમ પાસે વેસ્ટ ઈન્ડિઝની બરોબરી કરવાની તક હશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube