WIPL: વેલોસિટીએ ટ્રેલબ્લેઝર્સને 3 વિકેટે હરાવ્યું, અંતિમ 5 વિકેટ 7 બોલ પર ગુમાવી
વેલોસિટી તરફથી ડેનિયલ વોટે સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. તેણે 35 બોલની ઈનિંગમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય 15 વર્ષની શેફાલી વર્માએ પણ 31 બોલ પર 34 રન બનાવ્યા હતા.
જયપુરઃ વુમન મિની આઈપીએલ એટલે કે વુમન્સ ટી-20 ચેલેન્જના બીજા મેચમાં બુધવારે વેલોસિટીએ ટ્રેલબ્લેઝર્સને 3 વિકેટઝી પરાજય આપ્યો હતો. જયપુરના સવાઇ માન સિંહ સ્ટેડિયમ પર રમાયેલી આ મેચમાં વેલોસિટીએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટ્રેલબ્લેઝર્સે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 112 રન બનાવ્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી વેલોસિટીએ 18 ઓવરમાં 7 વિકેટ પર 113 રન બનાવી મેચ પોતાના નામે કરી લીધી હતી.
વેલોસિટીને એક સમયે જીત માટે 2 રનની જરૂર હતી અને તેની 8 વિકેટ બાકી હતી. પરંતુ તેણે 2 રન બનાવવામાં 5 વિકેટ ગુમાવી દીધી હતી. તેણે અંતિમ 5 વિકેટ 7 બોલના અંતર પર ગુમાવી. આ દરમિયાન એકપણ રન ન આવ્યો. તેમાં દીપ્તિ શર્માએ 3, જ્યારે રાજેશ્વરી ગાયકવાડે એક વિકેટ ઝડપી હતી. વેદા કૃષ્ણમૂર્તિ રન આઉટ થઈ હતી. તે પણ ખાસ છે કે ટ્રેલબ્લેઝર્સે પોતાની અંતિમ ત્રણ વિકેટ 3 રનના અંતર પર ગુમાવી દીધી હતી.
વેલોસિટી તરફથી ડેનિયલ વોટે સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. તેણે 35 બોલની ઈનિંગમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. આ સિવાય 15 વર્ષની શેફાલી વર્માએ પણ 31 બોલ પર 34 રન બનાવ્યા હતા. મિતાલી રાજ 22 બોલ પર 17 રન બનાવી આઉટ થઈ હતી. આ ત્રણ સિવાય વેલોસિટીની કોઈપણ બેટ્સમેન બે આંકડાના સ્કોર સુધી ન પહોંચી શકી. તેના ચાર બેટ્સમેન શૂન્ય પર આઉટ થયા હતા. ટ્રેલબ્લેજર્સ તરફથી દીપ્તિ શર્માએ 4 ઓવરમાં 14 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય રાજેશ્વરી ગાયકવાડ અને હરલીન દેઓલે 1-1 વિકેટ પોતાના નામે કરી હતી.
હરલીન-સૂઝીએ જોડ્યા 35 રન
આ પહેલા ટ્રેલબ્લેઝર્સ તરફથી હરલીન દેઓલ હાઇએસ્ટ સ્કોરર રહી હતી. તેણે 5 ચોગ્ગાની મદદથી 40 બોલમાં 43 રન ફટકાર્યા હતા. તેણે સૂઝી બેટ્સની સાથે મળીને બીજી વિકેટ માટે 35 રનની ભાગીદારી કરી હતી. આ સિવાય ટીમને આ સ્કોર સુધી પહોંચાડવામાં બેટ્સ (26 રન) અને દીપ્તિ શર્મા (16 રન)એ પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. દયાનલ હેમલતા એક અને શકીરા સેલમન 8 રન બનાવીને અણનમ રહી હતી.
સ્મૃતિ મંધાના 10 રન પર આઉટ
પ્રથમ મેચમાં સુપરનોવા વિરુદ્ધ 90 રન ફટકારનાર ટ્રેલબ્લેઝર્સની કેપ્ટન સ્મૃતિ મંધાના આ મેચમાં 10 રન બનાવી શકી હતી. તેણે શિખા પાંડેને પેવેલિયન પરત મોકલી હતી. વેલોસિટી તરફથી એકતા બિષ્ટે 13 અને એમેલિયા કેરે 21 રન આપીને 2-2 વિકેટ પોતાના નામે કરી હતી. આ બંન્ને સિવાય સુશ્રી પ્રધાન અને શિખા પાંડેએ ટ્રેલબ્લેઝર્સના એક-એક બેટ્સમેનોને પેવેલિયન પરત મોકલી આપ્યા હતા.
એમેલિયા કેરે 2 બોલ પર ઝડપી 2 વિકેટ
ટ્રેલબ્લેઝર્સનો સ્કોર એક સમયે 100 રન પર 3 વિકેટ હતો. ત્યારે એમેલિયા કેરનો બોલ બાઉન્ડ્રી બહાર મોકલવાના પ્રયાસમાં દીપ્તિ શર્મા લોન્ગ ઓન પર કેચ આઉટ થઈ હતી. કેરે આગામી બોલ પર હરલીન દેઓલને પણ આઉટ કરી હતી.