ICC test ranking: વિરાટ નંબર-1 પર યથાવત, બેન સ્ટોક્સને થયો મોટો ફાયદો
એશિઝ ટેસ્ટમાં ઈંગ્લેન્ડને એકલા હાથે જીત અપાવનાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને આઈસીસી ટેસ્ટ રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન અને સર્વશ્રેષ્ઠ બેટ્સમેન વિરાટ કોહલી ટેસ્ટ ક્રિકેટમાં સતત વિશ્વનો નંબર એક બેટ્સમેન બનેલો છે. આઈસીસીના વના ટેસ્ટ રેન્કિંગમાં વિરાટ કોહલી ફરી નંબર-1ના સ્થાને યથાવત છે. તે ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ થી છ પોઈન્ટ આગળ છે જે બીજા સ્થાન પર છે. જ્યારે ન્યૂઝીલેન્ડનો કેપ્ટન કેન વિલિયમસન ત્રીજા સ્થાન પર છે.
એશિઝ ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચમાં ઈંગ્લેન્ડ ટીમની જીતનો હીરો રહેલા બેન સ્ટોક્સને પણ ટેસ્ટ રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. તેણે ઓલરાઉન્ડરની યાદીમાં મોટી છલાંગ લગાવી છે. ટેસ્ટ ઓલરાઉન્ડરોના લિસ્ટમાં તે બીજા સ્થાને પહોંચી ગયો છે. સ્ટોક્સે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ત્રીજી એશિઝ ટેસ્ટ મેચમાં અણનમ 135 રન બનાવીને પોતાની ટીમને જીત અપાવી હતી. આ સાથે તેણે મેચમાં ચાર વિકેટ પણ ઝડપી હતી.
બુમરાહની મોટી છલાંગ, પ્રથમવાર ટોપ-10મા પહોંચ્યો
અન્ય ભારતીય બેટ્સમેનોમાં અંજ્કિય રહાણેને ટેસ્ટ રેન્કિંગમાં મોટો ફાયદો થયો છે. રહાણેએ બે વર્ષ બાદ ટેસ્ટમાં વિન્ડીઝ વિરુદ્ધ સદી ફટકારી હતી. આ સદીની મદદથી તે ટેસ્ટ રેન્કિંગમાં 10 સ્થાનની છલાંગ સાથે 11મા સ્થાને પહોંચી ગયો છે. પ્રથમ ટેસ્ટ સદી ચુકનાર હનુમા વિહારીને 40 સ્થાનનો ફાયદો થયો છે અને તે 70મા સ્થાને પહોંચી ગયો છે. વિરારીએ પ્રથમ ટેસ્ટની બીજી ઈનિંગમાં 93 રન ફટકાર્યા હતા. એશિઝની સતત ત્રણ ઈનિંગમાં અડધી સદી ફટકારનાર ઓસ્ટ્રેલિયન બેટ્સમેન માર્નસ લાબુશાને હવે ટેસ્ટ બેટ્સમેનોની રેન્કિંગમાં 37મા સ્થાન પર આવી ગયો છે.