નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ બોર્ડે ઈંગ્લેન્ડ વિરુદ્ધ 5 મેચની સિરીઝની બાકી ત્રણ ટેસ્ટ માટે ટીમની જાહેરાત કરી દીધી છે. પસંદગી સમિતિએ ટેસ્ટ ટીમમાં પ્રથમવાર ફાસ્ટ બોલર આકાશદીપને સામેલ કર્યો છે. બિહારમાં જન્મેલો આકાશદીપ બંગાળ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. તેને ફાસ્ટ બોલર આવેશ ખાનની જગ્યાએ ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. આવેશખાન ટીમમાં બેકઅપ પેસરના રૂપમાં સામેલ હતો. 27 વર્ષીય આકાશદીપને ટેસ્ટમાં પર્દાપણની તક મળી શકે છે. આ સમયે ભારતીય ટેસ્ટ ટીમમાં બિહારના બે ખેલાડી સામેલ છે, જે બંગાળ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. મુકેશ કુમાર બિહારના ગોપાલગંજ જિલ્લાનો છે, જ્યારે આકાશદીપ રોહતાસથી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જમણા હાથનો મધ્યમ ઝડપી બોલર આકાશ દીપને આ પહેલા લિમિટેડ ઓવર સ્ક્વોડમાં પણ સામેલ કરવામાં આવ્યો હતો. તેને એશિયન ગેમ્સ (ટી20) અને સાઉથ આફ્રિકા ટૂર (વનડે) માટે ટીમમાં રાખવામાં આવ્યો હતો, પરંતુ રમવાની તક મળી નહીં. બંગાળ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમનાર આકાશદીપે તાજેતરમાં ઈન્ડિયા એ તરફથી રમતા ઈંગ્લેન્ડ લાયન્સ વિરુદ્ધ 3 મેચમાં દમદાર બોલિંગ કરી પસંદગીકારોને પ્રભાવિત કર્યાં હતા. 


ઈંગ્લેન્ડ લાયન્સ વિરુદ્ધ ઝડપી 13 વિકેટ
આકાશ દીપે ઈંગ્લેન્ડ લાયન્સ વિરુદ્ધ 3 મેચની અનઓફિશિયલ ટેસ્ટ સિરીઝમાં ઈન્ડિયા એ તરફથી સર્વાધિક વિકેટ ઝડપી હતી. તેણે 13 વિકેટ લીધી હતી, જેમાં 4 વિકેટ હોલ પણ સામેલ છે. આકાશદીપ આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર તરફથી રમી ચૂક્યો છે. વર્ષ 2022માં આરસીબીએ તેને 20 લાખમાં ખરીદ્યો હતો. તેણે 7 આઈપીએલ મેચમાં 6 વિકેટ લીધી હતી.


આ પણ વાંચોઃ આ એક ભૂલને કારણે જાડેજા ક્યારેય નહીં પહેરી શકે ભારતની જર્સી? BCCI લઈ શકે છે એક્શન!


આઈપીએલ પહેલા વધશે આત્મવિશ્વાસ
આકાશદીપે આઈપીએલમાં ખુદને સાબિત કરવાનો છે. ભારતીય ટીમમાં સામેલ કરાયા બાદ આકાશદીપનો આત્મવિશ્વાસ જરૂર વધશે અને તે નવા જુસ્સા સાથે આઈપીએલમાં ઉતરશે. આઈપીએલમાં પોતાની પ્રથમ સીઝનમાં તેણે કેપ્ટન ફાફ ડુ પ્લેસિસને ખુબ પ્રભાવિત કર્યો હતો. 


આકાશ દીપનું ડોમેસ્ટિક ક્રિકેટ કરિયર
આકાશ દીપે વર્ષ 2019માં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. તેણે 29 મેચમાં 103 વિકેટ ઝડપી છે. તે બંગાળની ટીમનો નિયમિત બોલર રહ્યો છે. લોઅર ઓર્ડરમાં તે આક્રમક બેટિંગ પણ કરી શકે છે. તેણે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં અત્યાર સુધી 32 સિક્સ અને 24 ચોગ્ગા ફટકાર્યા છે. લિસ્ટ એની 28 મેચમાં 42 વિકેટ લઈ ચૂક્યો છે.