જાણો ક્રિકેટમાં ઝીરો પર આઉટ થવાને કેમ `ડક` કહેવામાં આવે છે
જ્યારે કોઈ બેટ્સમેન પોતાના પ્રથમ બોલ પર આઉટ થઈ જાય તો તેને ગોલ્ડન ડક કહેવામાં આવે છે.
નવી દિલ્હીઃ કોઈપણ બેટ્સમેન માટે ખાતુ ખોલાવ્યા વિના આઉટ થવું ખરાબ અનુભવ હોય છે. ક્રિકેટમાં સામાન્ય રીતે તેના માટે જે શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે તે છે ડક. ડક શબ્દની ઉત્પત્તિ ડક એટલે કે બતકના ઈંડાથી થઈ છે. બતકના ઈંડાનો આકાર 0ની જેમ હોય છે અને આ કારણે ડક કહેવામાં આવ્યું.
તેની પાછળ એક અનોખી કહાની પણ છે. 17 જુલાઈ 1866ના રોજ જ્યારે પ્રિંસ ઓફ વેલ્સ કોઈ પણ રન બનાવ્યા વિના પેવેલિયન પરત ફર્યા તો એક અખબારે આગામી દિવસે શીર્ષક આપ્યું પ્રિંસ બતકના ઇંડા પર બેસીને પેવેલિયન પરત ફર્યા. તેની પાછળનું કારણ તે હતું કે 0નો આકાર બતકના ઈંડા જેવો હતો. ત્યારબાદ શૂન્ય પર આઉટ થનારા બેટ્સમેનો માટે ડકનો ઉપયોગ કરાવા લાગ્યો.
ગોલ્ડન ડક
જ્યારે કોઈ બેટ્સમેન પોતાના પ્રથમ બોલ પર આઉટ થઈ જાય તો તેને ગોલ્ડન ડક કહેવામાં આવે છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોની વનડે ડેબ્યૂમાં બાંગ્લાદેશ વિરુદ્ધ ગોલ્ડન ડકનો શિકાર થયો હતો.
ડાયમંડ ડક
ડાયમંડ ડક તે પરિસ્થિતિમાં કહેવામાં આવે છે કે કોઈ બેટ્સમેન કોઈપણ બોલ રમ્યા વિના આઉટ થઈ જાય. આમ નોન-સ્ટ્રાઇકરની સાથે થઈ શકે છે જ્યારે તે રન પૂરો કરવાના પ્રયાસમાં ક્રીઝની બહાર રહી જાય.
રોયલ ડક/પ્લેટિનમ ડક
જ્યારે કોઈ બેટ્સમેન મેચ કે ઈનિંગના પ્રથમ બોલ પર આઉટ થઈ જાય તો તેને સામાન્ય રીતે રોયલ કે પ્લેટિનમ ડક કહેવામાં આવે છે.
પેયર કે કિંગ પેયર
જ્યારે કોઈ બેટ્મસેન ટેસ્ટ મેચની બંન્ને ઈનિંગમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થાય તો તેને પેયર કરેવામાં આવે છે અને જ્યારે કોઈ બેટ્સમેન મેચની બંન્ને ઈનિંતમાં પોતાના પ્રથમ બોલ પર આઉટ થઈ જાય તો તેને કિંગ પેયર કહેવામાં આવે છે.
અન્ય ડક
આ સિવાય સિલ્વર અને બ્રોન્ઝ ડક પણ ક્રિકેટ ટર્મિનોલોજીનો ભાગ છે. ઈનિંગના બીજા બોલ પર આઉટ થવું સિલ્વર ડક અને ત્રીજા બોલ પર આઉટ થવું બ્રોન્ઝ ડક કહેવામાં આવે છે. પરંતુ આ વધુ જાણિતા શબ્દો નથી.
સૌથી વધુ ડક
ક્રિકેટના તમામ ફોર્મેટમાં સાથે મળીને સૌથી વધુ વાર શૂન્ય એટલે કે ડક પર આઉટ થવાનો રેકોર્ડ શ્રીલંકાના દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરનના નામે છે. તે 495 આંતરરાષ્ટ્રીય મેચોની 328 ઈનિંગમાં કુલ 59 વાર શૂન્ય પર આઉટ થયા હતા. ત્યારબાદ વેસ્ટ ઈન્ડિઝના ફાસ્ટ બોલર કોર્ટની વોલ્શનો નંબર આવે છે જે 264 ઈનિંગમાં 54 વાર ઝીરો પર આઉટ થયા હતા. ભારત માટે આ રેકોર્ડ ઝહીર ખાનના નામે છે જે 309 આંતરરાષ્ટ્રીય મેચોની 232 ઈનિંગમાં કુલ 44 વખત ડક પર આઉટ થયો હતો.
પ્રથમ ડક
નેડ ગ્રેગોરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શૂન્ય પર આઉટ થનારા પ્રથમ બેટ્સમેન હતા. ઓસ્ટ્રેલિયાના આ બેટ્સમેને પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ મેચમાં પોતાનું નામ રેકોર્ડ બુકમાં નોંધાવ્યું હતું.
ડોનનું તે ડક
સર ડોનલ્ડ બ્રેડમેન પોતાની અંતિમ ટેસ્ટ ઈનિંગમાં ડક પર આઉટ થયા હતા. આથી ટેસ્ટ ક્રિકેટમાં તેમની બેટિંગ એવરેજ 99.94ની રહી. જો તે ઈનિંગમાં માત્ર 4 રન બનાવી લેત તો તેમની ટેસ્ટ બેટિંગ એવરેજ 100ની થઈ જાત.
બોમ્બે ડક
ભારતીય ફાસ્ટ બોલર ઓલરાઉન્ડર અજીત અગરકર માટે આ ટર્મનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તે સતત પાંચ ઈનિંગમાં ખાતું ખોલાવ્યા વિના આઉટ થઈ ગયો હતો.