વિશ્વ કપ માટે આ 5 ખેલાડી પણ હતા દાવેદાર, પરંતુ ન મળી લંડનની ટિકિટ
વિકેટકીપિંગના વિકલ્સ તરીકે દિનેશ કાર્તિકને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે, તો યુવા ખેલાડી વિજય શંકરને પણ ઈંગ્લેન્ડની ટિકિટ મળી ગઈ છે. પરંતુ ટીમથી બહાર એવા 5 ખેલાડી છે જે વિશ્વ કપની ટીમના દાવેદાર હતા, પરંતુ પસંદગીકારોએ તેને તક આપી નથી.
મુંબઈઃ વિશ્વ કપ 2019 માટે ભારતીય ક્રિકેટ ટીમનું એલાન થઈ ગયું છે. મુંબઈમાં બેઠક બાદ બીસીસીઆઈએ 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ ટીમની કમાન વિરાટ કોહલીને સોંપવામાં આવી છે અને રોહિત શર્મા ટીમનો વાઇસ કેપ્ટન હશે. આ સિવાય દિનેશ કાર્તિકને રિષભ પંત પર મહત્વ આપતા ભારતીય સ્ક્વોડમાં જગ્યા આપવામાં આવી છે. યુવા ઓલરાઉન્ડર વિજય શંકરને પણ ઈંગ્લેન્ડની ટિકિટ મળી છે. આ સાથે 5 એવા ખેલાડી છે, જે વિશ્વ કપની ટીમના દાવેદાર માનવામાં આવી રહ્યાં હતા પરંતુ તેને તક ન મળી.
રિષભ પંત
વિશ્વ કપ માટે ટીમ મેનેજમેન્ટે યુવા જોશને સ્થાને અનુભવને પ્રાધાન્ય આપ્યું છે. આ કારણે વિસ્ફોટક બેટ્સમેન રિષભ પંતને બહાર રાખવામાં આવ્યો છે, દિનેશ કાર્તિકને જ્યારે પણ તક મળી છે, તેણે શાનદાર પ્રદર્શનથી ટીમ મેનેજમેન્ટનું ધ્યાન તેની તરફ ખેંચ્યું છે, તેવામાં પસંદગીકારોએ માત્ર 5 વનડે મેચનો અનુભવ રાખનાર પંતને ટીમમાં રાખીને કોઈ જોખમ લેવાનું ટાળ્યું છે. પંત વિસ્ફોટક તો જરૂર છે, પરંતુ વિશ્વ કપ જેવી મોટી ટૂર્નામન્ટમાં હાઈ પ્રેશર સ્થિતિમાં કોઈ અનુભવી ખેલાડીનું મેદાન પર રહેવું જરૂરી છે, જેથી તે મુશ્કેલ સ્થિતિમાં જીત અપાવી શકે.
World Cup 2019: ભારતીય ટીમમાં ધોની સૌથી અનુભવી તો કુલદીપ યાદવ સૌથી યુવા ચહેરો
અંબાતી રાયડૂ
વિશ્વ કપ માટે ભારતીય ટીમમાં નંબર-4ના સ્થાનને લઈને ઘણી માથાકુટ ચાલી રહી હતી. આ જગ્યા માટે કેદાર જાધવ, અંજ્કિય રહાણે, રાયડૂ અને કેએલ રાહુલ વચ્ચે રેસ હતી. પરંતુ ટીમ મેનેજમેન્ટ અને કેપ્ટને કેદાર જાધવને તક આપી છે, બાકી ટોપ ઓર્ડરમાં રાહુલનો ઉપયોગ કરી શકાય છે. આ ટીમમાં રાયડૂના સ્થાને જાધવને તક આપવાનું કારણ તેની બોલિંગ છે, જે ઘણી તકે અલગ પ્રકારની ફિરકીથી ટીમને સફળતા અપાવે છે.
શ્રેયસ અય્યર
આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સનું સુકાન સંભાળી રહેલા યુવા ખેલાડી શ્રેયસ અય્યર પણ વિશ્વ કપ માટેનો દાવેદાર માનવામાં આવતો હતો. તેને ઘણીવાર ટીમ ઈન્ડિયામાં તક મળી, પરંતુ અંતિમ ઈલેવનમાં રમવાની તક મળી નથી. આ કારણે તે પસંદગીનો હકદાર ન બની શક્યો.
World Cup 2019: 16 જૂને ભારત VS પાકિસ્તાન, જાણો વિશ્વ કપનો સંપૂર્ણ કાર્યક્રમ
ઉમેશ યાદવ
વિશ્વના નંબર એક બોલર જસપ્રીત બુમરાહ અને સ્વિંગ બોલર ભુવનેશ્વરને ટીમમાં સ્થાન મળ્યું છે. આ સિવાય ફાસ્ટ બોલિંગની જવાબદારી મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યાના ખભા પર પહેશે. તેવામાં ઉમેશ યાદવની ટિકિટ કપાઈ ગઈ છે. ઉમેશને શમીની જગ્યાએ ટીમમાં સ્થાન મળી શકત પરંતુ ટીમ મેનેજમેન્ટે ઈંગ્લેન્ડની ફાસ્ટ પિચો પર શમી પર વિશ્વાસ મુક્યો છે.
અંજ્કિય રહાણે
રહાણેને પણ ટીમ ઈન્ડિયાની સાથે ઈંગ્લેન્ડની ટિકિટ મળી શકે નથી. ટીમમાં અંદર-બહાર રહેનાર રહાણેનું બેટ ઘણા દિવસોથી શાંત હતું અને તેણે છેલ્લી વનડે સદી 2017ની શરૂઆતમાં વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ ફટકારી હતી. ત્યારબાદ તેણે 15 મેચ રમી પરંતુ માત્ર અડધી સદી ફટકારવામાં સફળ થયો હતો. તેની જગ્યાએ વિજય શંકરને તક આપવામાં આવી છે જે ટીમની જરૂરીયાત પ્રમાણે બોલિંગ પણ કરી શકે છે. આ યુવા બેટ્સમેન આઈપીએલમાં બોલ અને બેટ બંન્નેથી પોતાની ટીમ માટે યોગદાન આપી રહ્યો છે.
World Cup 2019: બુમરાહ, હાર્દિક પંડ્યા સહિત આ 8 ખેલાડીઓ પ્રથમ વખત રમશે વિશ્વકપ
વિશ્વકપ 2019 માટે ભારતીય ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, એમએસ ધોની, કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા.