બ્યુનસ આયર્સઃ યુવાન નિશાનેબાજ મનુ ભારકે યુથ ઓલિમ્પિક્સ રમતોત્સવના ઉદ્ઘાટન સમારોહમાં ધ્વજધારક તરીકે ભારતીય ટીમની આગેવાની કરી હતી. આ રમતોત્સવનો ઉદ્ઘાટન સમારોહ પ્રથમ વખત સડક પર યોજાયો હતો, જેને જોવા માટે લાખો લોકો આવ્યા હતા. સમારોહ દરમિયાન આતશબાજીથી બ્યુનસ આયર્સનું આકાશ ઝગમગી ગયું છે. આ સમારોહ માટે થાઈલેન્ડની 'વાઈલ્ડ બોર્સ' ટીમને પણ આમંત્રિત કરાઈ હતી, જેનાં આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના આધ્યક્ષ થોમસ બાકે વખાણ કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'વાઈલ્ડ બોર્સ'ની ટીમ જૂન મહિનામાં ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તે થાઈલેન્ડનાં ચાંગ રાઈ પ્રાન્તમાં પૂરના કારણે પાણી અને કીચડથી ભરાયેલી ગુફામાં લગભગ બે અઠવાડિયા સુધી ફસાયેલી રહી હતી. બાકે ટીમના જુસ્સાની પ્રશંસા કરી હતી. સમારોહ દરમિયાન ગીત ઉપરાંત ટેન્ગો ડાન્સ પણ રજૂ કરાયો હતો. 


આ રમતોત્સવ માટે બ્યુનસ આયર્સમાં 206 ટીમના 15થી 18 વર્ષના 4000 ખેલાડી એક્ઠા થયા હતા. ભારતના 46 ખેલાડીઓ સહિત 68 સભ્યોની ટીમ આર્જેન્ટીનામાં આ પ્રતિષ્ઠિત સ્પર્ધા દરમિયાન 13 રમતોમાં ભાગ લેશે. યુથ ઓલિમ્પિકમાં ભારતની અત્યાર સુધીની આ સૌથી મોટી ટીમ છે. હોકી ફાઈવ્સમાં સૌથી વધુ 18 ભારતીય ખેલાડી (પુરુષ અને મહિલા ટીમમાં 9-9) ભાગ લેશે, જ્યારે ટ્રેક એન્ડ ફીલ્ડમાં ભારતના 7 ખેલાડી મેદાનમાં ઉતરશે. 



આ ઉપરાંત નિશાનેબાજીમાં ચાર, રિકર્વ તિરંદાજીમાં 2, બેડમિન્ટનમાં 2, સ્વિમિંગમાં 2, ટેબલ ટેનિસમાં 2, વેઈટલિફ્ટિંગમાં 2, કુશ્તીમાં 2, રોઈંગમાં 2 જ્યારે બોક્સિંગ, જૂડો અને સ્પોર્ટ્સ ક્લાઈમ્બિંગમાં 1-1 ખેલાડી રમશે. 


વર્લ્ડ કપ અને કોમનવેલ્થ ગેમ્સમાં સુવર્ણ પદક જીતનારી 16 વર્ષની મનુ ભાક ભારત તરફથી મેડલના દાવેદારોમાંની એક છે. ભાકરે આ દરમિયાન પદકના અન્ય દાવેદાર નિશાનેબાજોમાં મેહુલ ઘોષ અને સૌરભ ચૌધરીની સાથે પણ ફોટો ખેંચાવ્યા હતા. 



સમારોહનું આયોજન અતિભવ્ય હતું, જેમાં ઓલિમ્પિક રિંગ હવામાં લહેરાતી જોવા મળી હતી. આઈઓસીના અનુસાર આ દરમિયાન કાર્યક્રમ સ્થળના માર્ગમાં એપાર્ટમેન્ટની બાલકનીમાં ટેન્ગો ડાન્સર નૃત્ય કરતા જોવા મળ્યા હતા. સમારોહના યોગ્ય આયોજન માટે લગભગ 2000 લોકોને જવાબદારી સોંપાઈ હતી, જેમાં આર્જેન્ટિનાની થિયેટર કંપની ફુએર્જા બ્રુટાના 350થી વધુ કલાકાર, સંગીતકારો અને ટેક્નીકલ લોકો સામેલ હતા. 


સમારોહના અંતિમ ભાગમાં યુથ ઓલિમ્પિકની મશાલ આર્જેન્ટિનાના યુવાન ખેલાડીઓના હાથમાં પહોંચી હતી, જે અન્ય તમામ ખેલાડીઓનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા. મશાલ રિલેમાં અર્જેન્ટિનાના બે દિગ્ગજ ખેલાડીઓ પાલા પરેટો અને સેન્ટિયાગો લાંજેએ પણ ભાગ લીધો હતો. તેમને યુવાન ઓલિમ્પિક જ્યોતિથી મશાળ પ્રજ્વલિત કરવાની તક મળી હતી.