UK માં કોરોનાના રેકોર્ડ કેસ, 24 કલાકમાં 1 લાખથી વધુ લોકો સંક્રમિત, ચીનમાં પણ આ શહેરમાં લાગ્યું લોકડાઉન
કોરોના વાયરસનો નવો વેરિએન્ટ ઓમિક્રોન સમગ્ર દુનિયાને પોતાના ભરડામાં લઈ રહ્યો છે. આ જ કારણે દુનિયાભરના અનેક દેશો (ભારત પણ)માં કોરોના સંક્રમણના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે.
નવી દિલ્હી: કોરોના વાયરસનો નવો વેરિએન્ટ ઓમિક્રોન સમગ્ર દુનિયાને પોતાના ભરડામાં લઈ રહ્યો છે. આ જ કારણે દુનિયાભરના અનેક દેશો (ભારત પણ)માં કોરોના સંક્રમણના કેસમાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. યુકેમાં બુધવારે 1 લાખ 6122 નવા કેસ નોંધાયા છે. યુકેમાં પહેલીવાર બન્યું છે કે જ્યારે કોરોના સંક્રમિતોનો દૈનિક આંકડો એક લાખ પાર ગયો છે.
ઓમિક્રોનના જોખમ વચ્ચે યુકેમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. બુધવારે કોરોનાના એક લાખ 6122 નવા કેસ નોંધાયા. યુકેમાં અત્યાર સુધીમાં કોરોનાથી 1 લાખ 47573 લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. યુકેમાં પહેલીવાર એવું બન્યું છે કે જ્યારે કોરોના સંક્રમિતોનો દૈનિક આંકડો એક લાખને પાર ગયો. યુકે સરકાર ઓમિક્રોનના વધતા કેસ અને હવે દૈનિક આંકડામાં વૃદ્ધિને લઈને ચિંતાતૂર છે.
મહામારી શરૂ થયા બાદ યુકેમાં 11 મિલિયનથી વધુ કોરોના સંક્રમિત કેસ આવી ચૂક્યા છે. બ્રિટન હાલ યુરોપમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે. સરકાર જનતાને ત્રીજો એટલે કે બૂસ્ટર ડોઝ લેવાનો આગ્રહ કરી રહી છે. અત્યાર સુધીમાં દેશમાં 30 મિલિયન લોકોને બૂસ્ટર ડોઝ લગાવવામાં આવ્યા છે. આમ છતાં સંક્રમણની ઝડપ ઓછું થવાનું નામ લેતી નથી. સરકારી આંકડા મુજબ બે દિવસ પહેલા યુકેમાં કોરોના સંક્રમિત દૈનિક કેસ 90 હજાર જેટલા આવ્યા હતા.
ક્રિસમસ અને ન્યૂયર પર પ્રતિબંધો
ક્રિસમસ અને ન્યૂ યરને લઈને યુકે સરકારે જનતાને આગ્રહ કર્યો છે કે તેઓ ઓછામાં ઓછા ઘરમાંથી બહાર નીકળે અને કોવિડ પ્રોટોકોલ જેમ કે સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કનો પ્રયોગ કરતા રહે. આ સાથે જ ભીડભાડવાળી જગ્યાઓ પર જતા બચે.
આ બાજુ દુનિયાને કોરોનાની મહામારીમાં ધકેલનારું ચીન પણ ફરીથી તેની ઝપેટમાં આવી ગયું છે. સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે અને સરકારે કડક પગલાં લેવા પડી રહ્યા છે. કોરોનાની નવી લહેરને રોકવા માટે ચીને 1.3 કરોડની વસ્તીવાળા ઉત્તરી શહેર શિયાનમાં લોકડાઉનનો આદેશ આપ્યો છે. લોકોને કહેવાયું છે કે જ્યાં સુધી અત્યંત જરૂરી ન હોય ત્યાં સુધી ઘરમાંથી બહાર ન નીકળવું. આ ઉપરાંત વિશેષ કેસને બાદ કરતા શહેરમાં અવર જવર પર પ્રતિબંધ લદાયો છે.
24 કલાકમાં મળ્યા 54 નવા કેસ
આ આદેશ આજે એટલે કે ગુરુવાર મધ્યરાત્રિથી પ્રભાવી થશે અને આગામી આદેશ સુધી ચાલુ રહેશે. આદેશમાં કહવાયું છે કે દરેક ઘરમાંથી એક વ્યક્તિને પ્રત્યેક બે દિવસે ઘરેલુ વપરાશની જરૂરી ચીજ વસ્તુઓની ખરીદી માટે બહાર જવાની મંજૂરી મળશે. શિયાનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 54 નવા કેસ આવ્યા છે. જેથી કરીને સંખ્યા વધીને કુલ 143 થઈ ગઈ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube