વોશિંગ્ટન: હાલ જ્યારે અમેરિકા (America)  કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યું છે ત્યારે ત્યાં એક બીજી જ મોટી સમસ્યા વિકરાળ રૂપ ધારણ કરતી જોવા મળી છે. રંગભેદથી ભડકેલા આંદોલનને હિંસાનું સ્વરૂપ લઈ લીધુ છે. અમેરિકામાં હિંસક ભીડે અનેક દુકાનોમાં તોડફોડ કરીને ત્યાં રાખેલો સામાન લૂંટી લીધો. અનેક શહેરોમાં અફરાતફરીનો માહોલ બની ગયો છે. જે અમેરિકામાં કોરોના વાયરસ (Corona Virus) એક લાખ લોકોનો ભોગ લઈ ચૂક્યો છે ત્યાં આવી હિંસા ભડકવી એ ખુબ ગંભીર બાબત છે. અમેરિકાના મિનિયાપોલિસ (miniapolis)માં ઘટેલી ઘટનાએ વિકરાળ અને હિંસક સ્વરૂપ ધારણ કરતા હવે ફ્લોરિડા, જેક્સનવિલ, લોસ એન્જલસ, પીટસબર્ગ, ન્યૂયોર્ક સહિત અનેક જગ્યાઓ પર લોકો રસ્તાઓ પર ઉતરી પડ્યા છે. મિનિયાપોલિસમાં જ્યોર્જ ફ્લોયડનું પોલીસ કસ્ટડીમાં થયેલા મોત બાદ શરૂ થયેલા હિંસક પ્રદર્શન વચ્ચે અનેક વિસ્તારોમાં નેશનલ ગાર્ડ તૈનાત કરાયા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ત્રણ શબ્દોએ અમેરિકા ભડકે બાળ્યું
હકીકતમાં આ સમગ્ર વિવાદ હવે રંગભેદને લઈને જોવામાં આવી રહ્યો છે. જેની શરૂઆત એક અશ્વેત વ્યક્તિની પોલીસ કસ્ટડીમાં થયેલા મોતથી થઈ. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો. જ્યોર્જ ફ્લોયડ નામની વ્યક્તિને પોલીસે ફ્રોડના કેસમાં પકડયો હતો. જ્યોર્જને જોતા જ પોલીસે તેને હથકડી પહેરાવાની પકડવાની કોશિશ કરી. જ્યોર્જે તેનો વિરોધ કર્યો. વિરોધના જવાબમાં ડેરેક ચોવિન નામના એક પોલીસ અધિકારીએ જ્યોર્જ સાથે જબરદસ્તી કરી અને તેને જમીન પર પટકી નાખ્યો. રસ્તા પર ઊભેલી એક કારના પાછલા પૈડાની પાસે જમીન પર જ્યોર્જ પડ્યો હતો. તેની ઉપર ચડીને ડેરેક ચોવિને પોતાના ડાબા પગના ઢીંચણથી જ્યોર્જનું ગળું દબાવ્યું હતુ અને તે પણ સાત મિનિટ સુધી. આ દરમિયાન જ્યોર્જ રડતો રહ્યો. તરફડિયા મારતો રહ્યો. સતત બોલતો રહ્યો કે તે શ્વાસ લઈ શકતો નથી. જ્યોર્જ બોલતો રહ્યો મને છોડી દો...'I CANT BREATHE'


આ સમગ્ર દર્દનાક ઘટનાને એક મહિલાએ પોતાના કેમેરામાં કેદ કરી લીધી. પોલીસકર્મીએ સતત ગળું દબાવી રાખ્યું જેના કારણે જ્યોર્જનું આખરે મોત થયું. વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ થતા જ વાયરલ થયો અને અમેરિકામાં વિરોધ પ્રદર્શન પણ શરૂ થઈ ગયાં. 


અમેરિકામાં આવું પહેલીવાર નથી બન્યું કે રંગભેદના કારણે વિરોધ પ્રદર્શન થયા હોય. 2014માં પણ આ જ રીતે પોલીસ કસ્ટડીમાં એક હત્યા થઈ હતી. ત્યારે પણ માર્યા ગયેલા વ્યક્તિના છેલ્લા ત્રણ શબ્દ હતાં 'I CANT BREATHE'. અને હવે એવું લાગી રહ્યું છે કે અમેરિકામાં ઈતિહાસ ફરી દોહરાઈ રહ્યો છે. 


વ્હાઈટ હાઉસ સુધી પહોંચી વિરોધની આગ
આ ઘટનાની અસર વોશિંગ્ટન ડીસીમાં વ્હાઈટ હાઉસ નજીક જોવા મળી છે. જ્યાં વ્હાઈટ હાઉસ પાસે એક ડસ્ટબીનમાં આગ લગાવવામાં આવી. હજારો લોકોએ વિરોધમાં શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કર્યું. 


અમેરિકામાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ
અમેરિકામાં હાલ સ્થિતિ ખુબ તણાવપૂર્ણ થઈ ગઈ છે. મિનિયાપોલિસથી શરૂ થયેલું આ આંદોલન સમગ્ર દેશમાં ફેલાઈ ચૂક્યું છે. લોકોએ આરોપી પોલીસકર્મી જે પોલીસ સ્ટેશનમાં કામ કરતા હતાં તેને આંગચંપી કરી નાખી છે. આરોપી પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરાયા છે. પરંતુ અશ્વેત સમુદાયના લોકો આરોપીઓ પર હત્યાનો કેસ ચલાવવાની માગણી કરી રહ્યાં છે. લોકો ચાર દિવસથી રસ્તાઓ પર વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. પરંતુ તેમા તો જાણે તોફાનીઓને તક મળી ગઈ અને તેઓ ઠેર ઠેર આગચંપી કરી રહ્યાં છે. એટલું જ નહીં તેઓ આતિશબાજી કરીને ડાન્સ કરીને જશ્ન પણ મનાવી રહ્યાં છે. 


અનેક જ્ગ્યાએ સુપરમાર્કેટ્સમાં લૂટફાટ
આ તોફાનો વચ્ચે મિનિયાપોલીસ શહેરમાં અનેક જગ્યાઓ પર સુપરમાર્કેટમાં લૂટફાટ જોવા મળી છે. તોફાનીઓએ દુકાનોમાં તોડફોડ કરીને ત્યાં રાખેલો સામાન લૂટી લીધો. અશ્વેત સમુદાયના લોકોએ પોલીસ પર હુમલા કર્યાં. તેમની ગાડીઓ તોડી નાખી. હાલાત એ છે કે મિનિયાપોલીસ શહેરમાં અમેરિકાએ નેશનલ ગાર્ડ લાવવા પડ્યાં. આ અમેરિકાની વધારાની સૈન્ય ફોજ છે જેને ત્યાં ઘરેલુ ઈમરજન્સી સ્થિતિમાં મેદાનમાં ઉતારાય છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તો એમ પણ કહી દીધુ કે લૂટફાટ કરશે તેને ગોળી મારી દેવાશે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube