અફઘાનિસ્તાન: કાબુલમાં આત્મઘાતી હુમલામાં 95ના મોત, અનેક ઘાયલ
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક શિયા સાંસ્કૃતિક કેન્દ્રમાં ગુરુવારે થયેલા વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 95 લોકોના માર્યા ગયા હોવાના અહેવાલો છે.
કાબુલ: અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં એક શિયા સાંસ્કૃતિક કેન્દ્રમાં ગુરુવારે થયેલા વિસ્ફોટોમાં ઓછામાં ઓછા 95 લોકોના મોત થયા હોવાનાં અહેવાલો છે. વિસ્ફોટોમાં અનેક લોકો ઘાયલ પણ થયા છે. ગૃહ મંત્રાલયના ઉપ પ્રવક્તા નસરત રહીમીના જણાવ્યાં મુજબ આ હુમલો તબાયાન સાંસ્કૃતિક કેન્દ્રને નિશાન બનાવીને કરવામાં આવ્યો. અફઘાનિસ્તાન પર પૂર્વ સોવિયત સંઘના આક્રમણને 38 વર્ષ પૂરા થયાના અવસરે એક કાર્યક્રમ ચાલી રહ્યો હતો ત્યારે વિસ્ફોટ થયો.
આ કેન્દ્ર અફઘાન વોઈસ એજન્સી પાસે છે. પહેલા એવા અહેવાલો હતાં કે કદાચ આ મીડિયા પ્રતિષ્ઠાનને નિશાન બનાવવામાં આવ્યું છે. હુમલાની જો કે હજુ સુધી કોઈ પણ આતંકી સંગઠને જવાબદારી લીધી નથી. અફઘાન સેનાએ સમગ્ર વિસ્તારને ઘેરીને રાહત અને બચાવ કાર્ય શરૂ કરી દીધુ છે. ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. અફઘાન વોઈસ એજન્સીના પત્રકાર સૈયદ અબ્બાસે જણાવ્યું કે એકથી વધુ વિસ્ફોટ થયા હતાં.
બુધવારે પણ અફઘાનિસ્તાનના ઉત્તરી બલ્ખ પ્રાંતમાં રસ્તા કિનારે એક બારૂદી સુરંગમાં વિસ્ફોટ થયો હતો જેમાં 6 બાળકોના મોત થઈ ગયાં. ગત મહિનાઓમા્ં કાબુલમાં એક ટીવી સ્ટેશન ઉપર પણ હુમલો કરવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનમાં મીડિયાને નિશાન બનાવીને સતત હુમલા થતા રહે છે.