પાકિસ્તાન: 7 દિવસમાં ત્રીજો કેસ, સિંધ પ્રાંતમાં 16 વર્ષની હિન્દુ છોકરીનું અપહરણ
પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બે સગીર હિન્દુ છોકરીઓના કથિત રીતે અપહરણ અને જબરદસ્તીથી ધર્મપરિવર્તન અને વિવાહનો મામલે થયેલો હોબાળો હજુ ઠંડો નહતો પડ્યો ત્યાં તો વધુ એક હિન્દુ છોકરીના અપહરણનો મામલો સામે આવ્યો છે.
નવી દિલ્હી/કરાચી: પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બે સગીર હિન્દુ છોકરીઓના કથિત રીતે અપહરણ અને જબરદસ્તીથી ધર્મપરિવર્તન અને વિવાહનો મામલે થયેલો હોબાળો હજુ ઠંડો નહતો પડ્યો ત્યાં તો વધુ એક હિન્દુ છોકરીના અપહરણનો મામલો સામે આવ્યો છે. સિંધ સૂચના વિભાગ દ્વારા બહાર પડાયેલી જાહેરાત મુજબ અલ્પસંખ્યક મામલાના મંત્રી હરિરામ કિશોરીલાલે 16 વર્ષની હિન્દુ છોકરીના અપહરણ અંગે સોશિયલ મીડિયામાં ચાલી રહેલા એક અહેવાલને ગંભીરતાથી લીધો છે.
વરિષ્ઠ પોલીસ ઓફિસર પાસે પરિજનોએ લગાવી ગુહાર
પીડિતના પિતાએ શંકાસ્પદો સામે કેસ દાખલ કરવા બાદિનના વરિષ્ઠ પોલીસ અધિકારી (એસએસપી) સરદાર હસન નિયાજીને ભલામણ કરી છે. જો કે હજુ એ સ્પષ્ટ નથી કે છોકરીનું અપહરણ ક્યારે થયું છે. કિશોરીલાલે અધિકારીઓને અપહરણ મામલે એફઆઈઆર દાખલ કરવા અને છોકરીના પરિજનોને સુરક્ષા આપવાના નિર્દેશ આપ્યા છે.
પાકિસ્તાનમાં બે સગીર હિન્દુ છોકરીઓનું અપહરણ કરી જબરદસ્તીથી ધર્મપરિવર્તન કરાવાયું
સિંધ પ્રાંતમાં બાળવિવાહ નિષેધ છે-પોલીસ
તેમણે કહ્યું કે સિંધમાં બાળ વિવાહ નિષેધ કાયદા હેઠળ સગીર યુવતીઓના વિવાહ પર પ્રતિબંધ છે. 18 વર્ષથી ઓછી ઉંમરની યુવતી સાથે લગ્ન કરવા એ ગેરકાયદે કૃત્ય છે. લાલે કહ્યું કે કાયદાનું સિંધમાં કડકાઈથી પાલન કરવામાં આવી રહ્યું છે. મંત્રીએ કહ્યું કે તેમની સરકાર સગીર હિન્દુ યુવતીઓની સુરક્ષા માટે શક્ય તમામ પ્રયત્નો કરી રહી છે. સિંધ સરકાર સિંધ અલ્પસંખ્યક સંરક્ષણ આયોગ બનાવવાની તૈયારીમાં છે અને તેના ડ્રાફ્ટને મુખ્યમંત્રીએ બે દિવસ પહેલા જ મંજૂરી આપી દીધી છે.
થોડા સમય પહેલા જ થયું હતું 2 હિન્દુ યુવતીઓનું અપહરણ
હાલમાં જ પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં બે સગીર વયની હિન્દુ બહેનોનું અપહરણ કરીને તેમને જબરદસ્તીથી ઈસ્લામ સ્વીકારવાની ફરજ પાડી લગ્ન કરાવવાનો મામલો સામે આવતા ચકચાર મચી છે. વિદેશ મંત્રી સુષમા સ્વરાજે પણ આ મામલાને ગંભીરતાથી લઈને પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસ પાસે મામલાની જાણકારી માંગી છે. સ્વરાજે આ ઘટના અંગે મીડિયાના રિપોર્ટ્સને સંલગ્ન કરતા ટ્વિટ કરી કે તેમણે પાકિસ્તાનમાં ભારતીય દૂતાવાસને આ મામલે રિપોર્ટ મોકલવા જણાવ્યું છે. આ મામલે અલ્પસંખ્યક સમુદાયે મોટાપાયે પાકિસ્તાનમાં વિરોધ પ્રદર્શન કર્યું.
પાકિસ્તાન નમ્યું, હિન્દુ છોકરીઓને ધર્મ પરિવર્તન કરાવનાર મૌલવીની ધરપકડ
અત્રે જણાવવાનું કે હોળીની પૂર્વ સંખ્યા પર 13 વર્ષની રવીના અને 15 વર્ષની રીનાનું 'પ્રભાવશાળી' લોકોના એક સમૂહે ઘોટી જિલ્લા સ્થિત તેમના ઘરેથી અપહરણ કરી લીધુ હતું. અપહરણ બાદ એક વીડિયો વાઈરલ થયો જેમાં મૌલવી બંને યુવતીઓના નિકાહ કરાવતા જોવા મળી રહ્યાં છે. ત્યારબાદ વધુ એક વીડિયો સામે આવ્યો જેમાં છોકરીઓ ઈસ્લામ અપનાવવાનો દાવો કરતી કહે છે કે તેમની સાથે કોઈએ જબરદસ્તી કરી નથી.
પાકિસ્તાનમાં હિન્દુ સમુદાયે ઘટના વિરુદ્ધ વ્યાપક સ્તર પર પ્રદર્શન કરીને આ મામલે દોષિતો સામે કઠોર કાર્યવાહીની માગણી કરી છે. તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને દેશના અલ્પસંખ્યકોને આપેલા વચનની યાદ અપાવી. પાકિસ્તાન હિન્દુ સેવા વેલફેર ટ્રેસ્ટના અધ્યક્ષ સંજય ધનજાએ પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને આ મામલાને ગંભીર લઈ પાકિસ્તાનમાં પણ તમામ અલ્પસંખ્યક ખરેખર સુરક્ષિત છે તે સાબિત કરવાની માગણી કરી.