Britain માં કોરોનાની તબાહી ફરી આવી, જાન્યુઆરી બાદ પ્રથમવાર 50 હજાર નવા કેસ, હવે લૉકડાઉન છેલ્લો વિકલ્પ
હેલ્થ ડિપાર્ટમેન્ટ પ્રમાણે દેશમાં એક દિવસમાં 51870 કોરોના પોઝિટિવ કેસ મળ્યા છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા જણાવે છે કે એક સપ્તાહમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં 45 ટકાની વૃદ્ધિ થઈ છે.
લંડનઃ બ્રિટનમાં કોરોના વાયરસના કેસમાં અચાનક આવેલા વધારાએ ડરનો માહોલ ઉભો કરી દીધો છે. બ્રિટનમાં જાન્યુઆરી બાદથી પ્રથમવાર એક દિવસમાં કોરોના વાયરસના 50 હજારથી વધુ કેસ સામે આવ્યા છે. તો ખતરનાક વાયરસને કારણે છેલ્લા 24 કલાકમાં 49 લોકોના મૃત્યુ થયા છે. બ્રિટનમાં જે રીતે કોરોના વિસ્ફોટ થઈ રહ્યો છે, તેનાથી ફરી લૉકડાઉન લાગૂ કરવાના ભણકારા વાગી રહ્યાં છે.
હેલ્થ ડિપાર્ટમેન્ટ પ્રમાણે દેશમાં એક દિવસમાં 51870 કોરોના પોઝિટિવ કેસ મળ્યા છે. સ્વાસ્થ્ય વિભાગના આંકડા જણાવે છે કે એક સપ્તાહમાં પોઝિટિવ કેસોની સંખ્યામાં 45 ટકાની વૃદ્ધિ થઈ છે. એટલું જ નહીં ફરીથી હોસ્પિટલમાં ભીડ વધવા લાગી છે. કોરોનાના કેસમાં અચાનક વધારા બાદ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા અને મોત બંને વધી રહ્યાં છે. પરંતુ અનેક નિષ્ણાંતોએ વધતા કેસ માટે કોરોના પ્રતિબંધોમાં છૂટ અને યૂરો 2020ને દોષી ઠેરવ્યા છે.
આ પણ વાંચોઃ ધડાકામાં પોતાના નાગરિકોના મોતથી ચીન ધૂંધવાયું, PAK ને આપી અત્યાર સુધીની સૌથી મોટી ધમકી
અહીં 15 જાન્યુઆરીએ સૌથી વધુ 55,761 કેસ સામે આવ્યા હતા. પરંતુ બ્રિટનના સ્વાસ્થ્ય મંત્રી સાજિદ જાવિદનું કહેવુ છે કે દેશમાં બે તૃતીયાંશ વયસ્કોને કોવિડ-19 રસીના બંને ડોઝ મળી રહ્યાં છે. તેમણે કહ્યું કે, અમે અમારા લક્ષ્યને લગભગ એક સપ્તાહમાં પૂરુ કરી લીધું છે. આ એક મોટી સિદ્ધિ છે. રસી વાયરસ વિરુદ્ધ અમારી ઢાલ છે.
તો બ્રિટનના સ્વાસ્થ્ય અધિકારીઓ પ્રમાણે કોરોનાના ડેલ્ટા સ્વરૂપને કારણે દેશમાં વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (પીએચઈ) એ કહ્યું કે, સંક્રમણના કેસ વધુ છે તથા વધી રહ્યાં છે પરંતુ તેના અનુરૂપ કોવિડ-19ના દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડી રહી નથી, જે તે વાતનો સંકેત છે કે કોરોના વાયરસના આ ખુબ સંક્રામક સ્વરૂપ વિરુદ્ધ પણ રસી અસરકારક છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube