Bomb Blast માં પોતાના નાગરિકોના મોતથી ચીન ધૂંધવાયું, પાકિસ્તાનને આપી અત્યાર સુધીની સૌથી મોટી ધમકી
પાકિસ્તાન (Pakistan) માં થયેલા આતંકી હુમલામાં પોતાના નાગરિકોને ગુમાવ્યા બાદ ચીન (China) બરાબર ધૂંધવાયું છે.
Trending Photos
બેઈજિંગ: પાકિસ્તાન (Pakistan) માં થયેલા આતંકી હુમલામાં પોતાના નાગરિકોને ગુમાવ્યા બાદ ચીન (China) બરાબર ધૂંધવાયું છે. તેણે પાકિસ્તાનને આંખ ફેરવીને કહી દીધુ છે કે જો તે આતંકીઓને પહોંચી ન વળી શકે તો ચીની સૈનિકોને મિસાઈલ સાથે મિશન પર મોકલી શકાય છે. ચીનના આ સ્વરૂપને જોઈને પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાન પણ હવે ધ્રુજવા લાગ્યા છે. તેમણે બેઈજિંગને ભરોસો અપાવ્યો છે કે દોષિતોને છોડવામાં આવશે નહીં. અત્રે જણાવવાનું કે ખેબર પખ્તુનખ્વામાં થયેલા બસ ધડાકામાં ચીની એન્જિનિયરોના પણ મોત થયા છે.
ગ્લોબલ ટાઈમ્સે આપી ચેતવણી
ચીની સરકારના અખબાર ગ્લોબલ ટાઈમ્સના સંપાદકે આ અંગે ટ્વીટ કરીને પાકિસ્તાનને ચેતવ્યા છે. તેમણે લખ્યું કે આ હુમલામાં સામેલ કાયર આતંકીઓ હજુ સુધી સામે આવ્યા નથી. પરંતુ તેમને નિશ્ચિતપણે શોધીને ખતમ કરવા જોઈએ. જો પાકિસ્તાનની ક્ષમતા પૂરતી ન હોય તો તેની મંજૂરીથી ચીનની મિસાઈલો અને સ્પેશિયલ ફોર્સને કામે લગાડી શકાય છે.
આતંકીઓને બચાવતું રહ્યું છે ચીન
કહેવાય છે કે આ નિવેદન બાદ પાકિસ્તાન પર કાર્યવાહી કરવાનું દબાણ વધી ગયું છે. અહીં એ પણ નોંધવા જેવી વાત છે કે ચીન પોતે પાકિસ્તાનના આતંકીઓને બચાવતું રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રમાં મસૂદ અઝહરને ગ્લોબલ આતંકી જાહેર કરાવવાના ભારતના પ્રયત્નોમાં ચીને અનેકવાર રોડા નાખ્યા હતા. હવે જ્યારે પોતાના નાગરિકો આતંકની ઝપેટમાં આવ્યા તો તેને ભાન થયું છે. ઈમરાન ખાન પોતાના 'આકા'નો ગુસ્સો શાંત કરવાની દરેક શક્ય કોશિશ કરી રહ્યા છે.
The cowardly terrorists behind this attack dare not show up until now. But they will definitely be found out and must be exterminated. If Pakistan’s capability is not enough, with its consent, China’s missiles and special forces can be put into action. https://t.co/6Y6caJWGr3
— Hu Xijin 胡锡进 (@HuXijin_GT) July 16, 2021
ચીન પોતાની તપાસ ટીમ મોકલશે
પાકિસ્તાનના ઉત્તર પશ્ચિમી વિસ્તારમાં એક બસમાં થયેલા વિસ્ફોટમાં ચીનના 9 કર્મચારીઓના મોત થયા છે. ઈમરાન ખાન સરકારે શરૂઆતમાં તો ચીનના ડરથી આ હુમલાને અકસ્માતમાં ખપાવવાનો પ્રયત્ન કર્યો હતો. વિદેશ મંત્રાલય તરફથી બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવાયું હતું કે ગેસ લિકના કારણે વિસ્ફોટ થયો. ષડયંત્ર પર પડદો નાખવાની આ પાકિસ્તાની કોશિશ પર ચીને નારાજગી વ્યક્ત કરી અને કહ્યું હતું કે તે પોતાની તપાસ ટીમ મોકલશે.
ઈમરાન ખાને ફોન પર કરી વાત
આ બધા વચ્ચે ઈમરાન ખાને શુક્રવારે પોતાના ચીની સમકક્ષ લી કચિયાંગને આશ્વાસન આપ્યું કે બસ વિસ્ફોટની તપાસમાં કોઈ કસર છોડવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે શત્રુ તાકાતોને બંને દેશ વચ્ચેના સૌહાર્દપૂર્ણ સંબંધોને નુકસાન પહોંચાડવાની છૂટ અપાશે નહીં. નોંધનીય છે કે નિર્માણધીન દાસૂ બંધ સ્થળ સુધી ચીનના એન્જિનિયરો અને કામદારોને લઈને જતી બસમાં વિસ્ફોટ થવાથી 9 ચીની નાગરિકો અને ફ્રન્ટિયર કોરના બે સૈનિકો સહિત ઓછામાં ઓછા 13 લોકોના મોત થયા અને 39 લોકો ઘાયલ થયા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે