શું તમે જાણો છો માનવના પેટમાં કેટલા હજાર જીવાણુઓની અજાણી પ્રજાતિઓ હોય છે?
સંશોધનકર્તાઓએ દુનિયાભરમાં વ્યક્તિઓ પાસેથી મળેલા નમૂનાઓનું વિશ્લેષણ કરીને ગણતરીની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો
લંડનઃ સંશોધનકર્તાઓએ માનવ પેટમાં 2000 અજાણ્યા જીવાણુઓની પ્રજાતિ શોધી કાઢી છે. તેનાથી માનવના આરોગ્યને સારી રીતે સમજવા અને પેટના રોગોના નિદાન તથા ઉપચારમાં પણ મદદ મળી શકશે. યુરોપિયન મોલેક્યુલર બાયોલોજી લેબોરેટરી અને વેલકમ સેન્ગર ઈન્સ્ટીટ્યુટના સંશોધનકર્તાઓએ જીવાણુઓની જે પ્રજાતિઓ શોધી છે તેને અત્યાર સુધી એક પ્રયોગશાળામાં વિકસીત કરાઈ નથી.
સંશોધનકર્તાઓએ દુનિયાભરમાં વ્યક્તિઓ પાસેથી મળેલા નમૂનાઓનું વિશ્લેષણ કરીને ગણતરીની વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કર્યો હતો. વિજ્ઞાન મેગેઝિન 'નેચર'માં પ્રકાશિત પરિણામ મુજબ, સંશોધનકર્તાઓએ અમેરિકા અને યુરોપિયન સમુદાયોમાં સામાન્ય રીતે જોવા મળતા માઈક્રોબાયોમ્સને મળતા આવતા માઈક્રોબની એક યાદી બનાવી છે. જોકે, દુનિયાના અન્ય વિસ્તારોના આંકડા ઉલ્લેખનીય રીતે ગાયબ છે.
માનવના પેટમાં 'માઈક્રોબ'ની અસંખ્ય પ્રજાતિઓ રહે છે અને સામુહિક રીતે તેમને 'માઈક્રોબાયોટા' તરીકે ઓળખવામાં આવે છે. આ ક્ષેત્રમાં સંશોધન બાદ પણ હજુ તેઓ માઈક્રોબની એક-એક પ્રજાતિને ઓળખવા અને માનવીના આરોગ્યમાં તેની ભૂમિકા શું છે તેને શોધવાનો સંશોધનકર્તાઓ પ્રયાસ કરી રહ્યા છે.
વિજ્ઞાનઃ ડોક્ટરોએ ગર્ભમાં ઉછરી રહેલા બાળકને બહાર કાઢી ઓપરેશન કર્યું અને ફરી પાછું મુકી દીધું
વેલકમ સેન્ગર ઈન્સ્ટીટ્યુટના ગ્રૂપ લીડર ટ્રેવર લોલીએ જણાવ્યું કે, "આ પ્રકારના સંશોધન દ્વારા અમે માનવ પેટની તથાકથિત બ્લ્યૂપ્રિન્ટ તૈયાર કરી રહ્યા છીએ, જે ભવિષ્યમાં માનવીના આરોગ્ય અને રોગોને સારી રીતે સમજવામાં અને પેટના રોગોના નિદાન અને ઈલાજમાં મદદ કરી શકશે."
યુરોપિયન મોલેક્યુલર બાયોલોજી લેબોરેટરીના રોબ ફિને જણાવ્યું કે, "અમે જોઈ રહ્યા છીએ કે, યુરોપિયન અને ઉત્તર અમેરિકન વસતીમાં અસંખ્ય જીવાણુઓની પ્રજાતિઓ વિકસી રહી છે."