દુનિયાના સૌથી અમીર વ્યક્તિ જેફ બેઝોસ સ્પેસની કરશે સફર, જાણો તેમની યાત્રા વિશે તમામ માહિતી
જેફ બેઝોસ ન્યૂ શેફર્ડ રોકેટ દ્વારા કુલ 11 મિનિટ સુધી સ્પેસની સફર કરશે. આ દરમિયાન તમામ ઘટનાનું બ્લૂ ઓરિજિનની સત્તાવાર વેબસાઈટ પર સીધું પ્રસારણ કરવામાં આવશે.
ટેક્સાસ: દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અને એમેઝોનના ફાઉન્ડર જેફ બેઝોસ એક ઈતિહાસ રચવા જઈ રહ્યા છે. બેઝોસ પોતાની કંપની બ્લૂ ઓરિજિનના રોકેટ ન્યૂ શેફર્ડ દ્વારા સ્પેસની સફર કરશે. અમે તમને આ સફરની દરેક માહિતી આપવા જઈ રહ્યા છીએ. બ્લૂ ઓરિજિનના સ્પેસ રોકેટ અમેરિકાના પશ્વિમી ટેક્સાસના રણમાં આવેલ લોન્ચ સાઈટ વનથી ઉડાન ભરશે. આ મુસાફરીમાં તેમની સાથે ત્રણ અન્ય મુસાફર હશે. જેમાં બેઝોસના ભાઈ માર્ક બેઝોસ, મહિલા પાઈલટ વેલી ફંક અને એક 18 વર્ષીય ફિઝિક્સ વિદ્યાર્થી છે. કંપની તરફથી આપવામાં આવેલી જાણકારી પ્રમાણે ન્યૂ શેફર્ડની પહેલી ઉડાનનું સીધું પ્રસારણ કરવામાં આવશે. તેને સત્તાવાર વેબસાઈટ Blueorigin.com પર જોવામાં આવી શકે છે. આ સીધું પ્રસારણ 20 જુલાઈની સવારે 7:30 કલાકે શરૂ થશે. ભારતીય સમય પ્રમાણે તે સાંજે 5 કલાકે જોવા મળશે.
સાંજે 6:30 કલાકે ઉડાન ભરશે રોકેટ:
ન્યૂ શેફર્ડ રોકેટ ભારતીય સમયાનુસાર સાંજે 6:30 કલાકે સ્પેસ માટે ઉડાન ભરશે. જોકે આ ઉડાન હવામાન અને ટેકનિકલ કારણ પર નિર્ભર રહેશે. ન્યૂ શેફર્ડ લગભગ 11 મિનિટ સુધી ઉડાન ભરશે. આ દરમિયાન રોકેટની અંદરની તમામ પ્રક્રિયાનું સીધું પ્રસારણ કરવામાં આવશે. તે સિવાય કંપની આ ઉડાન સંબંધિત અપડેટ આખો દિવસ શેર કરશે.
કેરમેન લાઈન સુધીની સફર કરશે ન્યૂ શેફર્ડ:
બ્લૂ ઓરિજિનનું ન્યૂ શેફર્ડ રોકેટ પોતાના મુસાફરોને બ્લૂ કેરમેન લાઈન સુધીની સફર કરાવશે. આ લાઈન ધરતીથી લગભગ 100 કિલોમીટરની ઉંચાઈ પર આવેલ છે. આ લાઈનને પૃથ્વીના વાતાવરણ અને સ્પેસની વચ્ચે બાઉન્ડ્રીના રૂપમાં ઓળખવામાં આવે છે. હાલમાં જ બ્લૂ ઓરિજિને વર્જિન ગેલેક્ટિકની કેરમેન લાઈનની નીચે ઉડાન ભરવાની ટીકા કરી હતી.
વર્જિન ગેલેક્ટિકે હાલમાં જ કરી હતી સ્પેસની યાત્રા:
હાલમાં જ વર્જિન ગેલેક્ટિકના રિચર્ડ બ્રેન્સને પણ પોતાની કંપનીના રોકેટથી સ્પેસની યાત્રા કરી હતી. હવે જેફ બેઝોસ પોતાની કંપનીના રોકેટથી સ્પેસની યાત્રા કરવા જઈ રહ્યા છે. આ યાત્રાની સાથે બેઝોસ આ કારનામું કરનાર દુનિયાના બીજા વ્યક્તિ બની જશે. બેઝોસે આ મહિને એમેઝોનના સીઈઓનું પદ છોડ્યું છે. બેઝોસ એમેઝોનના ફાઉન્ડર છે.
ન્યૂ શેફર્ડ બનાવનારામાં મુંબઈની યુવતી પણ સમાવેશ:
ન્યૂ શેફર્ડને બ્લૂ ઓરિજિનના 13 એન્જિનિયરોની ટીમે મળીને બનાવ્યું છે. આ ટીમમાં મુંબઈની 30 વર્ષીય મહિલા એન્જિનિયર સંજલ ગવાન્ડે પણ છે. મુંબઈ યૂનિવર્સિટીથી મિકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી કર્યા પછી સંજલ માસ્ટર્સની ડિગ્રી માટે 2011માં અમેરિકા આવી હતી. સંજલ હંમેશા સ્પેસશીપ બનાવવા ઈચ્છતી હતી. હવે ન્યૂ શેફર્ડ બનાવનારી ટીમમાં જોડાઈને તે ગૌરવનો અનુભવ કરી રહી છે.