3.30 થતા જ બીપ બીપ કરવા લાગ્યા પેજર; ત્યારબાદ જોરદાર ધડાકા, હિજબુલ્લાહ પર `મોસાદ સ્ટાઈલ`માં હુમલાની ઈનસાઈડ સ્ટોરી
લેબનોન અને સીરિયામાં હિજબુલ્લાને નિશાન બનાવીને કરાયેલા હુમલામાં ઓછામાં ઓછા 9 લોકો માર્યા ગયા છે. લગભગ 3 હજાર જેટલા લોકો ઘાયલ થયા છે. આ હુમલામાં પેજર ડિવાઈસને ટાર્ગેટ કરીને હુમલો કરાયો.
ઈઝરાયેલની ગુપ્તચર એજન્સી મોસાદે હિજબુલ્લા પર પેજર એટેક કરીને આખી દુનિયાને ચોંકાવી દીધી છે. કોઈએ વિચાર્યું પણ નહીં હોય કે કોમ્યુનિકેશનનો આ બેઝિક ડિવાઈસ આટલો ખતરનાક સાબિત થઈ શકે. હિજબુલ્લાના જણાવ્યાં મુજબ મંગળવારે બપોરે લગભગ 3.30 વાગે તેના દ્વારા યૂઝ થઈ રહેલા પેજર અચાનક ફાટવા લાગ્યા. ધડાકાના ગણતરીના કલાકો બાદ ખબર પડી કે દરેક પેજરની બેટરી પાસે વિસ્ફોટક પ્લાન્ટ કરાયા હતા. સાથે એક સ્વિચ લાગેલી હતી જેનાથી દૂર બેસીને ધડાકા થઈ શકતા હતા. બપોરે 3.30 વાગે હિજબુલ્લા મેમ્બર્સના પેજર્સ પર એક મેસેજ ફ્લેશ થયો. ગણતરીની સેકન્ડોમાં બીપ બીપ બાદ પેજર્સમાં ધડાકા થવા લાગ્યા હતા.
મોસાદ અને IDF નું જોઈન્ટ ઓપરેશન
પેજરમાં ધડાકા દ્વારા બેલનોન અને સીરિયામાં હિજબુલ્લા ઓપરેટિવ્સને ટાર્ગેટ કરાયા. રોયટર્સ, સીએનએન, ન્યૂયોર્ક ટાઈમ્સ સહિત અલગ અલગ મીડિયા સંસ્થાનોએ સૂત્રોના હવાલે જણાવ્યું કે આ ઈઝરાયેલની ડિફેન્સ ફોર્સ (IDF) અને મોસાદનું જોઈન્ટ ઓપરેશન હતું. NYT ના જણાવ્યાં મુજબ ઈઝરાયેલે તાઈવાનમાં બનેલા પેજર્સની એક બેચમાં વિસ્ફોટક લગાવ્યા. આ પેજર્સને લેબનોને આયાત કર્યા અને હિજબુલ્લાહને આપ્યા.
પેજર કેવી રીતે બન્યો ખતરનાક ડિવાઈસ?
પેજર જેને બીપર પણ કહે છે, એક નાનકડો ઈલેક્ટ્રોનિક ડિવાઈસ હોય છે જેના દ્વારા ખુબ જ નાના સંદેશા રિસીવ અને સેન્ડ કરી શકાય છે. તે રેડિયો ફ્રેક્વન્સી પર કામ કરે છે. જ્યારે કોઈ મેસેજ આવે ત્યારે પેજર બીપ કરે છે. 90ના દાયકામાં પેજર્સનો ખુબ ઉપયોગ થતો હતો. હવે ચલણમાંતી બહાર હોવા છતાં હેલ્થકેર, અને ઈમરજન્સી સેવાઓમાં હજુ પણ પેજરનો યૂઝ થાય છે.
NYT ના રિપોર્ટ મુજબ મંગળવારે જે પેજર્સમાં ધડાકા થયા તે તાઈવાનમાં બનેલા હતા. હિજબુલ્લાહે ગોલ્ડ એપોલો નામની કંપની પાસેથી પેજર મંગાવ્યા હતા. જો કે તે લેબનોન પહોંચે તે પહેલા જ આ પેજર્સ સાથે છેડછાડ થઈ ચૂકી હતી. રિપોર્ટ્સ મુજબ 30-50 ગ્રામ વિસ્ફોટક દરેક બેજરની બેટરીની બરાબર બાજુમાં લગાવવામાં આવ્યો હતો. એક સ્વિચ પણ હતી જેનાથી દૂર બેસીને રિમોટ દ્વારા ધડાકા કરી શકાતા હતા.
લેબનોનમાં મંગળવારે બપોરે 3.30 વાગે પેજર્સ પર એક મેસેજ ફ્લેશ થયો. એવું લાગ્યું જાણે હિજબુલ્લાહની લીડરશીપે મોકલ્યો. પરંતુ અસલમાં આ મેસેજે વિસ્ફોટકોને એક્ટિવ કરી દીધા. રિપોર્ટ્સ મુજબ પેજર્સને એ રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા કે તે ધડાકા પહેલા અનેક સેકન્ડ્સ સુધી બીપ કરતા રહ્યા.
ઈઝરાયેલે સાધી ચૂપ્પી
ધડાકા બાદ તરત હિજબુલ્લાહે ઈઝરાયેલ પર હુમલાનો આરોપ લગાવ્યો. હિજબુલ્લાહના જણાવ્યાં મુજબ તેના સભ્યો જે પેજર્સનો ઉપયોગ કરતા હતા તેમાં લિથિયમ બેટરી હતી. ઈઝરાયેલે આ હુમલા પર કોઈ પ્રતિક્રિયા આપી નથી કે એમ પણ નથી કહ્યું કે આ ધડાકા પાછળ તેનો હાથ હતો. જો કે સોમવારે જ ઈઝરાયેલના રક્ષામંત્રી યોઆવ ગેલેન્ટે અમેરિકી દૂત અમોસ હોચસ્ટીન સાથે એક બેઠક દરમિયાન કહ્યું હતું કે હિજબુલ્લાહ સાથે કૂટનીતિનો સમય વીતી ગયો છે અને સૈન્ય શક્તિ કેન્દ્રમાં આવી શકે છે. ગણતરીના કલાકો બાદ ઈઝરાયેલના દુશ્મની આખી કોમ્યુનિકેશન સિસ્ટમ જ તબાહ કરી દેવાઈ.