મોસ્કો: રશિયા પહેલાંથી જ ભારતનું મિત્ર રાષ્ટ્ર રહ્યું છે. એમાંય નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા ત્યાર બાદ ભારત અને રશિયાના સંબંધો પહેલાં કરતા વધુ ગાઢ બન્યા છે. પીએમ મોદીની રાજકીય કૂટનીતિ અને વ્યક્તિગત સંબંધો બન્ને બાબતોને કારણે ભારત આજે દુનિયાભરના દેશોમાં એક વિશેષ સન્માન ધરાવતા રાષ્ટ્ર તરીકે પ્રસ્થાપિત છે. વૈશ્વિક સ્તર પર સૌ કોઈ ભારતની સાથે રહેવા માંગે છે. ફરી એકવાર એ વાતનો પુરાવો દુનિયા સામે રશિયાએ આપ્યો. રશિયાએ પીઓકે અને અક્સાઈ ચીન મુદ્દે દુનિયા સામે ભારતનો સાથ આપ્યો. એટલું જ નહીં રશિયન સરકારે અરુણાચલને પણ ભારતનો હિસ્સો ગણાવીને, એસસીઓ દેશોના નકશામાં ભારતના પક્ષ પર મહોર મારી દીધી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શાંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશન દેશો માટે જારી કરેલા નકશામાં રશિયન સરકારે ચીન અને પાકિસ્તાનના ગેરકાયદે કબજો ધરાવતા વિસ્તારોને ભારતનો હિસ્સો ગણાવ્યા છે. પાકિસ્તાન અને ચીન પણ એસસીઓના સભ્ય છે. તેમની પરવા કર્યા વિના રશિયાએ આ નકશો જારી કર્યો છે. આ ના તો ફક્ત ભારતના પક્ષ પર મહોર છે, પરંતુ ચીન અને પાકિસ્તાનને પણ આકરો ઝટકો છે. રશિયા અને ભારતની જેમ ચીન અને પાકિસ્તાન પણ એસસીઓના સભ્ય હોવાથી આ પગલાંનું મહત્ત્વ વધી જાય છે. આ પગલાંને રશિયાના પગલામાં અસામાન્ય પરિવર્તન પણ માનવામાં આવે છે. અત્યાર સુધી રશિયા હંમેશા પીઓકે મુદ્દે નિવેદન આપતા બચતું હતું અને જમ્મુ-કાશ્મીરને પણ રશિયા અનેકવાર આંતરિક બાબત પણ ગણાવી ચૂક્યું છે. સૂત્રોના મતે, એસસીઓના સ્થાપક દેશ રશિયાના આ પગલાંથી વિશ્વમાં નવી ધરી રચાવાની શરૂઆત થઇ ચૂકી છે.


નિષ્ણાતોના મત મુજબ ચીને ભારતના કેટલાક હિસ્સાને પોતાના ક્ષેત્રમાં સામેલ કરવાનો પ્રયાસ કર્યો હતો, જે સફળ નથી રહ્યો. રશિયાનું વલણ એટલે પણ મહત્ત્વનું છે કે હાલમાં જ પાકિસ્તાનમાં અમેરિકન રાજદૂત ડોનાલ્ડ બ્લોમે પીઓકેની મુલાકાત લીધી હતી અને તેને આઝાદ કાશ્મીર ગણાવ્યું હતું. જોકે, ભારત તેને પોતાનું અવિભાજ્ય અંગ ગણે છે. આ નિવેદન પછી ભારતે વાંધો પણ ઉઠાવ્યો હતો પરંતુ અમેરિકાએ તેમનો પક્ષ હજુ સુધી પાછો ખેંચ્યો નથી. બીજી તરફ, જર્મનીના વિદેશમંત્રીએ પણ હાલમાં જ ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીર વિવાદ ઉકેલવામાં યુએનની મધ્યસ્થીની સૂચના આપી હતી.


અમેરિકા હંમેશા કહેતું આવ્યું છે કે, કાશ્મીર મુદ્દો દ્વિપક્ષીય સંવાદથી જ ઉકેલી શકાય. પરંતુ બ્લોમના નિવેદન પછી એક નવી જ ચર્ચા શરૂ થઇ છે. બ્લોમનું નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે પાકિસ્તાન સેનાના વડા જનરલ કમર જાવેદ બાજવા અમેરિકાના પ્રવાસે હતા. આ પહેલાં એફ-16 ફાઇટર વિમાનો અપગ્રેડ કરવા માટે પણ પાકિસ્તાનને અપાયેલી અમેરિકન મદદથી ભારત પહેલેથી નારાજ હતું. બાઇડેન સરકારના વર્તન પરથી લાગે છે કે, તેઓ પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફને ખુશ રાખવા માંગે છે. એસસીઓ દેશોમાં ભારતની સ્થિતિ મજબૂત થઇ| રશિયા દ્વારા જારી આ નકશાથી વૈશ્વિક મંચ પર શાંઘાઇ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશનમાં ભારતની સ્થિતિ વધુ મજબૂત થઇ છે. સૂત્રોનું કહેવું છે કે એસસીઓના સ્થાપક સભ્યોમાં હોવાની રીતે જોઇએ તો રશિયાએ ભારતના નકશાને યોગ્ય રીતે બતાવવાનો રેકોર્ડ સ્થાપિત કર્યો છે.