વડા પ્રધાન મોદી અને મેકરોનને મળ્યો UNનો `ચેમ્પિયન્સ ઓફ અર્થ એવોર્ડ`
મોદી અને મેકરોનને આંતરરાષ્ટ્રીય સોલાર સંગઠનની સ્થાપના અને પર્યાવરણ સંબંધિત કાર્યવાહીમાં સહકાર બદલ પસંદ કરાયા છે, જેમાં મેકરોનના ગ્લોબલ પેક્ટ ફોર એનવાયર્નમેન્ટ અને મોદીના ભારતમાં 2022 સુધીમાં પ્લાસ્ટિકના ઉપયોગને સંપૂર્ણ નાબૂદ કરવાની પ્રતિજ્ઞાનો પણ સમાવેશ કરાયો છે
નવી દિલ્હીઃ વડા પ્રદાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મેકરોનને બુધવારે સંયુક્ત રીતે સંયુક્ત રાષ્ટ્રના સર્વોચ્ચ પર્યાવરણ સંબંધિત સન્માન 'ચેમ્પિયન્સ ઓફ એવોર્ડ' અપાયું હતું. તેમની સાથે અન્ય ચાર પર્યાવરણમાં પરિવર્તનીય પહેલ કરનાર લોકોને પણ સન્માનિત કરાયા હતા.
વડા પ્રધાન મોદી અને મેકરોનને આંતરરાષ્ટ્રીય સોલાર સંગઠનની સ્થાપના માટે નીતિગત નેતૃત્વ પુરું પાડવા માટે પસંદ કરાયા હતા. સંયુક્ત રાષ્ટ્રએ જણાવ્યું કે, વડા પ્રધાન મોદીએ વર્ષ 2022 સુધીમાં ભારતમાંથી પ્લાસ્ટિકનો ઉપયોગ સંપૂર્ણ બંધ કરી દેવાની પ્રતિજ્ઞા લીધી છે. મેકરોને કરેલા ગ્લોબલ પેક્ટ ફોર એનવાયર્નમેન્ટથી પણ પર્યાવરણ પ્રત્યે ઘણું મોટું કામ થયું છે.
ભારતના કોચીન ઈન્ટરનેશનલ એરપોર્ટને 'એન્ટરપ્રેન્યોરિયલ વિઝન કેટેગરી' માટે પસંદ કરાયું હતું. આ એરપોર્ટે 'ટકાઉ ઊર્જા'ના ઉપયોગમાં નેતૃત્વ લીધું છે. સંયુક્ત રાષ્ટ્રએ એક નિવેદનમાં જણાવ્યું કે, કોચિન એરપોર્ટે એ સાબિત કરી દીધું છે કે વિશ્વમાં સૌ પ્રથમ સંપૂર્ણ સૌર ઊર્જાથી સંચાલિત એરપોર્ટનું નિર્માણ કરીને તેમણે હરિત ક્રાંતિમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
અન્ય એવોર્ડ વિજેતા
જોન કાર્લિંગઃ પર્યાવરણ બચાવ અને અધિકારો માટે લડત ચલાવવા માટે લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ
ચીનના ઝેજિયાંગ ગ્રીન રૂરલ રિવાઈવલ પ્રોગ્રામઃ પૂર્વ ચીનના ઝેજિયાંગ પ્રાંતમાં અતિ પ્રદૂષિત નદીઓ અને વહેણમા શુદ્ધિકરણ માટે લેવામાં આવેલાં કડક પગલાં.
બિયોન્ડ મીટ એન્ડ ઈમ્પોસિબલ ફૂડ્સઃ સાયન્સ અને ઈનોવેશન કેટેગરીમાં તેમનાં ક્રાંતિકારી સંશોધન અને વિકાસકાર્યો માટે.
ચેમ્પિયન્સ ઓફ અર્થ એવોર્ડ
સંયુક્ત રાષ્ટ્ર દ્વારા પર્યાવરણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન માટે જાહેર અને ખાનગી ક્ષેત્રની વ્યક્તિઓ, સમાજ દ્વારા હાથ ધરવામાં આવેલી કામગીરી માટે આ એવોર્ડ આપવામાં આવે છે.