નવી દિલ્લીઃ આજે તારીખ 18 માર્ચ 2022ના રોજ યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલાં યુદ્ધનો 23 મો દિવસ છે. એક બાદ એક રશિયા યુક્રેનના વિવિધ શહેરોને નિશાના પર લઈ રહ્યું છે. અને તેને આર્થિક રીતે પાયમાલ કરવા સતત હુમલા કરી રહ્યું છે. આ હુમલાની વચ્ચે ગઈકાલે રશિયાએ કરેલાં હુમલામાં યુક્રેનની જાણીતી અભિનેત્રીનું મોત થયું છે. ગુરૂવારે રશિયન સેના તરફથી કીવમાં કરાયેલા રોકેટ એટેકમાં યુક્રેનમાં વિતેલા જમાનાની મશહૂર એક્ટ્રેસ ઓકસાના શ્વેટ્સનું મોત થયું હતું. બીજીતરફ, ચેર્નેહીવમાં પુતિનની સેનાના ગોળીબારમાં એક અમેરિકી અને અનેક યુક્રેનીયન નાગરિકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકન સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટી બ્લિંકેને પણ પોતાના નાગરિકના મોતની ઘટનાની પુષ્ટી કરી છે. સીએનએન અનુસાર, માર્યા ગયેલા નાગરિકની ઓળખ 68 વર્ષીય જેમ્સ વ્હીટની હિલ તરીકે થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકી નાગરિકની મોતની ઘટના બાદ વિવાદ વધ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને આ ઘટનાને સખત શબ્દોમાં વખોડી છે. અને બાઈડેને કહ્યુંકે, પુતિન મહા ઠગ, સાવ જુઠ્ઠો અને હત્યારો છે. તેણે પોતાની સરમુખત્યાર શાહી ચલાવીને નિર્દોષ લોકોની હત્યા કરી છે. બાઈડેને એ વાત કેપિટલ હિલમાં સેન્ટ પેટ્રિક ડે નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં કહી હતી. WHOના અહેવાલ અનુસાર, ગુરૂવારે રશિયન સેનાએ યુક્રેનની હેલ્થ કેર સુવિધાઓ પર ઓછામાં ઓછા 43 ભીષણ હુમલા કર્યા છે અને આ હુમલામાં 12 લોકોનાં મોત થયા છે. WHOના જણાવ્યા અનુસાર, રશિયા દ્વારા યુક્રેનમાં હેલ્થ કેર સુવિધાઓ પરના હુમલામાં 12 લોકોનાં મોત થયા છે તેમજ 34 અન્ય લોકો ઘાયલ થયા છે.


યુક્રેનની રાજધાની કીવ કબજે કરવાની લ્હાયમાં પુતિનની રશિયન સેના પોતાના સતત ભીષણ હુમલામાં નાગરિકોને પણ નિશાન બનાવી રહી છે. WHOના ડાઈરેક્ટર જનરલ ડો. ટેડ્રોસ અધાનોમ ઘેબ્રેયેસસ કહ્યું હતું કે આ હુમલાથી માર્યા ગયેલા લોકોમાં આરોગ્યકર્મીઓ પણ સામેલ છે. યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં ડો. ટેડ્રોસે કહ્યું હતું કે હેલ્થ કેર સુવિધાઓ પરના હુમલા આંતરરાષ્ટ્રીય માનવીય કાયદાનું ઉલ્લંઘન છે. આ ઉપરાંત મેન્ટલ હેલ્થ સેવાઓને પણ યુદ્ધના કારણે અવળી અસર થઈ છે. હાલ યુક્રેનની સાઈકિયાટ્રીક હોસ્પિટલો અને લોંગ ટર્મ કેર સુવિધાઓમાં 35000 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. જેઓ આ હુમલાના કારણે દવાઓ, ભોજન, ગરમી, ધાબળા વગેરેની ગંભીર અછતનો સામનો કરી રહ્યા છે.


રશિયન સેનાએ ગુરુવારે પૂર્વી યુક્રેનના એક શહેરમાં ફાયરિંગ કર્યું, જેમાં 21 લોકોના મોત નિપજ્યા છે જ્યારે 25 લોકો ઘાયલ થયા છે. મીડિયા રિપોટ્સ મુજબ સેનાએ ખારકીવના બહારના વિસ્તારમાં આવેલી સ્કૂલને ટાર્ગેટ કરી હતી. ઘાયલોમાં 10ની સ્થિતિ ગંભીર છે. યુક્રેનના મારિયાપોલ શહેરથી લગભગ 30 હજાર નાગરિક નીકળી ગયા છે પરંતુ લગભગ ત્રણ લાખ 50 હજાર લોકો હજુ પણ અહીં ફસાયેલા છે. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું કે શહેરના 80 ટકા રહેણાંક વિસ્તારો રશિયાના હુમલામાં નષ્ટ થઈ ગયા છે.


રશિયન સેના રાજધાની કીવથી ઘણી જ નજીક પહોંચી ગઈ છે. તો આ સંકટ વચ્ચે છ દેશોએ યુક્રેનમાં માનવીય સ્થિતિ પર ચર્ચા કરવા માટે UNSCની ઈમરજન્સી બેઠક બોલાવી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ એક વખત ફરી દેશમાં નો ફ્લાઈ ઝોન જાહેર કરવાની માગ કરી છે. અને કહ્યું કે રશિયાને આતંકી દેશ જાહેર કરવાની જરૂર છે. તો રશિયાએ દાવો કર્યો છે કે સંભવિત શાંતિ સમજૂતીને લઈને અમે યુક્રેનથી વધુ જોર લગાવી રહ્યાં છીએ. યુક્રેનના વિદેશ મંત્રાલયે અત્યાર સુધીમાં રશિયાને થયેલા નુકસાનનો બ્યોરા આપતા કહ્યું કે રશિયાના 14 હજાર સૈનિક માર્યા ગયા છે. બીજી બાજુ પશ્ચિમી દેશો દ્વારા લગાડવામાં આવતા પ્રતિબંધો સામે રશિયાએ કડક વલણ અપનાવ્યું છે. મીડિયા રિપોટ્સ મુજબ રશિયાએ અમેરિકા અને યુરોપિયન યુનિયનના માલિકી હક્કવાળા સેંકડો કોમર્શિયલ પ્લેન જપ્ત કરી રહ્યાં છે. તો આ બાજુ યુદ્ધના કારણે રશિયા-યુરોપિયન મંગળ મિશનને રદ કરી દીધું છે.