વેચાઈ રહ્યો છે ચંદ્ર પર પહેલો પગ મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગનો મહત્વનો સામાન
નીલ આર્મસ્ટ્રોંગને ઐતિહાસિક સામાન સાચવવાનો ઘણો શોખ હતો. તેમણે પોતાની તેમજ અન્ય વૈજ્ઞાનિકોની અનેક વસ્તુઓ સાચવીને મૂકી હતી. 2012માં તેમના મોત બાદ તેમના પુત્રો રિક અને માર્ક આર્મસ્ટ્રોંગે 6 વર્ષ સુધી પોતાના પિતાની આ વસ્તુઓની હરાજી પર વિચાર કર્યો હતો.
નવી દિલ્હી : 1969માં નાસાના એપોલો અભિયાન અંતર્ગત ચંદ્ર પર પહેલો પગ મૂકનાર વ્યક્તિ નીલ આર્મસ્ટ્રોંગના સ્પેસ સૂટ સહિત તેમની અન્ય યાદગાર વસ્તુઓને આ નવેમ્બર મહિનામાં હરાજી કરવામાં આવશે. અમેરિકાના ડલાસમાં તેની હરાજી કરવામાં આવનાર છે. 1 નવેમ્બરથી શરૂ થયેલી આ હરાજી સમગ્ર નવેમ્બર મહિના સુધી ચાલશે.
તેમાં અમેરિકન અંતરિક્ષ યાત્રી નીલ આર્મસ્ટ્રોંગ સાથે જોડાયેલ 2 હજાર સામાનની હરાજી સામેલ કરવામાં આવશે. તેમાં પૃથ્વીની કક્ષામાં જનાર પહેલા અમેરિકન જ્હોન ગ્લેનનું હેલમેટ પણ સામેલ છે. સાથે જ 1903માં રાઈટ બંધુઓ દ્વારા ઉડાવવામાં આવેલ ઐતિહાસિક વિમાનની પાંખના ટુકડા અને તેનું પ્રોપેલર પણ સામેલ છે. તેને નીલ આર્મસ્ટ્રોંગ પોતાની સાથે ચંદ્ર પર લઈ ગયા હતા.
1 નવેમ્બરના રોજ હરાજીમાં એપોલો 11 અંતરિક્ષ યાનની આઈડી પ્લેટ 4.68 લાખ ડોલરમાં હરાજી કરાઈ હતી. હકીકતમાં, નીલ આર્મસ્ટ્રોંગને ઐતિહાસિક સામાન સાચવવાનો ઘણો શોખ હતો. તેમણે પોતાની તેમજ અન્ય વૈજ્ઞાનિકોની અનેક વસ્તુઓ સાચવીને મૂકી હતી. 2012માં તેમના મોત બાદ તેમના પુત્રો રિક અને માર્ક આર્મસ્ટ્રોંગે 6 વર્ષ સુધી પોતાના પિતાની આ વસ્તુઓની હરાજી પર વિચાર કર્યો હતો. આખરે તેમણે આ વસ્તુઓની હરાજી કરવાનો નિર્ણય લીધો હતો.
નીલના દીકરાઓના જણાવ્યા અનુસાર, જે સામાનની હરાજી કરાઈ રહી છે, તેમાં તેના પિતાનો એ પહેરવેશ પણ સામેલ છે, જેને પહેરીને તેઓ ચંદ્ર પર ગયા હતા. તેમાં અમેરિકન ફ્લેગ પણ સામેલ છે. તેમના દ્વારા જીતવામાં આવેલ મેડલ અને બટાલિયન પણ તેમાં સામેલ છે. તેમણે પોતાના સ્કૂલથી લઈને મર્યા તે સુધી આ બધુ જ સાચવીને રાખ્યું હતું.
અમેરિકના ડલાસમાં શરૂ થયેલ આ હરાજીનું આયોજન હેરિટેજ ઓક્શન દ્વારા કરાઈ રહ્યું છે. રિક અને માર્કે આ ઉપરાંત વોશિંગટનના નેશનલ એર એન્ડ સ્પેસ મ્યૂઝિયમ અને આર્મસ્ટ્રોંગ એર એન્ડ સ્પેસ મ્યૂઝિયમને પિતાની અનેક વસ્તુઓ દાન પણ કરી છે.