Air Force Brigadier General: ભારતીય-અમેરિકન અવકાશયાત્રી રાજા ચારી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશનના જોન્સન સ્પેસ સેન્ટર ટેક્સાસ ખાતે ક્રૂ-3 કમાન્ડર અને અવકાશયાત્રી તરીકે સેવા આપી રહ્યા છે. રાષ્ટ્રપતિ જો બાઈડેને તેમને એરફોર્સ બ્રિગેડિયર જનરલના હોદ્દા પર નિમણૂક માટે નોમિનેટ કર્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોશિંગ્ટન: ભારતીય-અમેરિકન અવકાશયાત્રી રાજા જે ચારીને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન દ્વારા એરફોર્સ બ્રિગેડિયર જનરલના હોદ્દા પર નિમણૂક માટે નોમિનેટ કરવામાં આવ્યા છે. જેના માટે ગુરૂવારે નામાંકનની જાહેરાત કરવામાં આવી હતી. 45 વર્ષીય કર્નલ ચારી હાલમાં નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન, જોન્સન સ્પેસ સેન્ટર ટેક્સાસ ખાતે ક્રૂ-3 કમાન્ડર અને અવકાશયાત્રી તરીકે સેવા આપી રહ્યા છે.


એરોનોટિક્સમાં માસ્ટર્સ ડિગ્રી મેળવી: 
રાજાએ મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી એરોનોટિક્સમાં માસ્ટર ડિગ્રી મેળવી છે. તેમણે અગાઉ મેરીલેન્ડની પેટક્સેન્ટ નદીમાં યુએસ નેવલ ટેસ્ટ પાઇલટ સ્કૂલમાંથી ગ્રેજ્યુએટની ડિગ્રી મેળવી છે. ચારીએ 461મી ફ્લાઇટ ટેસ્ટ સ્ક્વોડ્રનના કમાન્ડર તરીકે સેવા આપી હતી. તેમણે કેલિફોર્નિયામાં એડવર્ડ્સ એરફોર્સ બેઝ ખાતે એફ-35 ઇન્ટિગ્રેટેડ ટેસ્ટ ફોર્સના ડિરેક્ટર તરીકે સેવા આપી હતી.


ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS)ની કમાન સંભાળી:
વર્ષ 2020માં NASA અને યુરોપિયન સ્પેસ એજન્સીએ ચારીને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (ISS) માટે SpaceX ક્રૂ-3 મિશનના કમાન્ડર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. ચારી ટેસ્ટ પાઇલટ તરીકે બહોળા અનુભવ સાથે મિશનમાં જોડાયા હતા. તેમની કારકિર્દીમાં 2,500 કલાકથી વધારે ઉડાનનો અનુભવ છે. બ્રિગેડિયર જનરલ યુનાઇટેડ સ્ટેટ્સ એર ફોર્સમાં વન સ્ટાર જનરલ ઓફિસર રેન્ક ધરાવે છે. જે કર્નલની ઉપર અને મેજર જનરલની નીચે છે.


પિતા શ્રીનિવાસથી પ્રેરિત છે ચારી:
રાજા ચારી તેમના પિતા શ્રીનિવાસ ચારીથી પ્રેરિત છે. તેમના પિતા હૈદરાબાદથી એન્જિનિયરિંગની ડિગ્રી પૂર્ણ કર્યા પછી અમેરિકા ગયા હતા. જ્યાં તેમણે લગ્ન કર્યા હતા. રાજા ચારીનો જન્મ અમેરિકાના વિસ્કોન્સિન રાજ્યના મિલવૌકી શહેરમાં થયો હતો. તેમણે પ્રારંભિક શિક્ષણ આયોવાના સિડર ફોલ્સમાં લીધું હતું. રાજા ચારીએ ભારતનું નામ રોશન કરતા મોટી સફળતા મેળવી છે.