નવી દિલ્હી: ચીનની એશિયામાં વધતી દાદાગીરી સામે હવે સુપરપાવર અમેરિકાએ આકરું વલણ અપનાવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી ચીન અને ભારત વચ્ચે જે રીતે સરહદ તણાવ ચાલી રહ્યો છે તેની અસર વૈશ્વિક સ્તરે જોવા મળી રહી છે અને લાગે છે કે અમેરિકા હવે ખુલીને ભારતના સમર્થનમાં આવ્યું છે. અમેરિકાએ યુરોપથી પોતાની સેના હટાવીને એશિયામાં તૈનાત કરવાનો નિર્ણય લીધો છે. જેની શરૂઆત તે જર્મનીથી કરવા જઈ રહ્યું છે. કહેવાય છે કે અમેરિકા જર્મનીમાં તૈનાત 52000 અમેરિકી સૈનિકોમાંથી 9500 સૈનિકોને એશિયામાં તૈનાત કરશે. અમેરિકા આ પગલું એવા સમયે લેવા જઈ રહ્યું છે કે જ્યારે ચીને ભારતમાં પૂર્વ લદાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પાસે તૈનાવપૂર્ણ સ્થિતિ પેદા કરી છે, જ્યારે બીજી બાજુ તે વિયેતનામ, ઈન્ડોનેશિયા, મલેશિયા, ફિલિપાઈન્સ અને સાઉથ ચાઈના સાગરમાં જોખમ બનીને ઊભુ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાના વિદેશમંત્રી માઈક પોમ્પિઓએ ચીનને ભારત અને દક્ષિણપૂર્વ એશિયા માટે જોખમ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે ભારત, મલેશિયા, ઈન્ડોનેશિયા, અને ફિલિપાઈન્સ જેવા એશિયાઈ દેશોને ચીનથી વધતા જોખમને ધ્યાનમાં લઈને અમેરિકા દુનિયાભરમાં પોતાના સૈનિકોની તૈનાતીની સમીક્ષા કરીને તેમને એવી રીતે તૈનાત કરવા જઈ રહ્યું છે કે જરૂર પડ્યે પીપલ્સ લિબરેશન આર્મી (ચીનની સેના)નો મુકાબલો કરી શકે. પોમ્પિઓએ જર્મન માર્શલ ફંડના વર્ચ્યુઅલ બ્રસેલ્સ ફોરમ 2020માં એક સવાલના જવાબમાં આ વાત જણાવી. 



તૈનાતી એવી કરવામાં આવશે જેથી પીએલએનો મુસાબલો કરી શકાય
પોમ્પિઓએ કહ્યું કે અમે નક્કી કરીશું કે અમારી સૈન્ય તૈનાતી એવી રીતે થાય કે પીએલએનો મુકાબલો થઈ શકે. અમને લાગે છે કે આ અમારા સમયનો પડકાર છે અને અમે સુનિશ્ચિત કરીશુ કે અમારી પાસે તેને પહોંચી વળવા માટે તમામ સંસાધન યોગ્ય જગ્યાએ ઉપલબ્ધ હોય. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના નિર્દેશ પર સૈનિકોની તૈનાતીની સમીક્ષા કરવામાં આવી રહી છે અને આ યોજના હેઠળ અમેરિકા, જર્મનીમાં પોતાના સૈનિકોની સંખ્યા લગભગ 52000થી ઘટાડીને 25000 કરવા જઈ રહ્યું છે. 


કોમ્યુનિસ્ટ પાર્ટી છે જોખમ
પોમ્પિઓએ કહ્યું કે સૈનિકોની તૈનાતી ગ્રાઉન્ડસ્તરની સ્થિતિ વાસ્તવિકતાના આધારે કરવામાં આવશે. તેમણે કહ્યું કે કેટલીક જગ્યાઓ પર અમેરિકી સંસાધન ઓછા રહેશે. કેટલીક અન્ય જગ્યાઓ પણ હશે...મેં હમણા ચીની કોમ્યુનિસ્ટ પાર્ટીથી જોખમની વાત કરી છે. આથી હવે ભારતને જોખમ, વિયેતનામને જોખમ, મલેશિયા, ઈન્ડોનેશિયાને જોખમ, દક્ષિણ સાગરના પડકાર છે. અમેરિકાએ જોખમો જોયા છે અને સમજ્યા છે કે સાઈબર, ઈન્ટેલિજન્સ અને મિલેટ્રી જેવા સંસાધનો કેવી રીતે વહેંચી શકાય.


ક્યાં તૈનાત થઈ શકે છે અમેરિકી સેના
સૂત્રોનું માનીએ તો અમેરિકા હિન્દ મહાસાગર સ્થિત સૈન્ય ઠેકાણા ડિયોગાર્શિયા પર પહેલીવારમાં 9500 સૈનિકોને તૈનાત કરશે. આ ઉપરાંત તાઈવાન પણ પોતાના ત્યાં સૈન્ય તૈનાતી માટે જગ્યા આપી શકે છે. અત્રે જણાવવાનું કે અમેરિકાના સૈન્ય ઠેકાણા જાપાન, દક્ષિણ કોરિયા, ડિયોગાર્શિયા અને ફિલિપાઈન્સમાં છે.