ઈસ્લામમાં હજનું શું છે મહત્વ? કોણ કરી શકે છે હજ? જાણો શું છે તેના નિયમો
ઈસ્લામમાં હજને પવિત્ર યાત્રા માનવામાં આવે છે. દર વર્ષે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો હજ પઢવા માટે જાય છે. ભારત સરકાર તરફથી પણ હજયાત્રીઓ માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવે છે.
નવી દિલ્લીઃ ઈસ્લામમાં હજનું ખુબ જ મહત્વ છે. ઈસ્લામ ધર્મ પાંચ બાબતો પર રહેલો છે, જેમાં નમાઝ અદા કરવી, ઉપવાસ કરવો, જકાત ચૂકવવી અને હજ કરવી. હજ પર જવાનો એક નિશ્ચિત સમય હોય છે અને તે સમયને જ હજની યાત્રા માનવામાં આવે છે. ઇસ્લામિક કેલેન્ડરના 12મા મહિનાની 8મી થી 12મી તારીખની વચ્ચે હજ થાય છે. એટલે કે જ્યારે પણ બકરી ઈદ આવે છે, તેના પહેલા જે દિવસો હોય ત્યારે હજ થાય છે. બકરીદના દિવસે હજ પૂર્ણ થાય છે અને બકરીદ પછી લોકોનું પરત ફરવાનું શરૂ થાય છે.
હજ કરવા માટે શું છે નિયમો?
હજ કરવા માટે કોઈ ખાસ કાયદા નથી. કોઈ પણ મુસ્લિમ વ્યક્તિ હજ પર જઈ શકે છે. પરંતુ હજ કરવા માટે એક શરત છે તેનું પાલન ચોક્કસ થવું જરૂરી છે. આ શરત છે કે જેના પર દેવું હોય, ઉધારી બાકી હોય, કે પછી ઉછીના પૈસાથી હજ કરી શક્તો નથી. જો કોઈ વ્યક્તિ પર દેવું હોય તો પહેલા તે દેવુ ચુક્તે કરી દેવું જોઈએ, જો તેનાથી કોઈ નારાજ હોય તો તેની માફી માગવી પડે છે અને આ બધા નિયમોનું પાલન કર્યા બાદ જ પવિત્ર હજ કરી શકે છે.
શું છે હજનું મહત્વ?
હજ એ ઈસ્લામના પાંચ ફરજિયાત કાર્યોમાંથી એક છે. દરેક મુસ્લિમે જીવનમાં એકવાર હજ કરવી ફરજિયાત છે. અને તેના કારણે દર વર્ષે વિશ્વમાંથી લાખો મુસ્લિમો સાઉદી અરેબિયાના મક્કામાં ભેગા થાય છે. હજ વિશ્વના તમામ મુસ્લિમોને જાતિ, સંસ્કૃતિ અને રંગના ભેદભાવ ભૂલાવી એક્તા અને ભાઈચારા સાથે એક સાથે લાવે છે. હજમાં દરેકને સમાન દરજ્જો મળે છે. એવું માનવામાં આવે છે કે જે કોઈ પણ સાચા દિલથી હજની વિધિ કરે છે, તેના જીવનના તમામ પાપો ત્યાં માફ થઈ જાય છે. દરેક મુસ્લિમ સ્ત્રી હોય કે પુરૂષ માટે જીવનમાં ઓછામાં ઓછું એક વાર હજ કરવી ફરજિયાત છે.
કુરાનમાં અલ્લાહ તઆલાએ શું ફરમાવ્યું છે?
જે લોકો હજ કરવા માટે ત્યાં પહોંચી શકે છે તે લોકો હજ કરીને પોતાનું કર્તવ્ય નિભાવે તેવું અલ્લાહે કુરાનમાં કહ્યું છે. એટલે કે જે વ્યક્તિની પાસે પુરતા પૈસા છે તે હજ પૂર્ણ કરી શકે છે. હજ કરવા માટે થયેલા ખર્ચના તમામ પૈસા તેના પોતાના હોવા જોઈએ. તેના ઘરે જે લોકો રહે છે તેનો પણ ખર્ચ ઉઠાવવા માટે તે સક્ષમ હોવો જોઈએ. જેટલા દિવસ હજ કરે તેટલા દિવસ તેના ઘરના લોકોનો ખર્ચ ઉઠાવવા માટે તે સક્ષમ હોવો જોઈએ. આવા દરેક વ્યક્તિ હજ પર જવા માટે બંધાયેલો છે.