પાંચ રાજ્યોમાં ચૂંટણીઃ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ખરાખરીનો જંગ

ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જ દેશનાં પાંચ રાજ્ય- રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, મિઝોરમ અને તેલંગાણામાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરાઈ હતી. આ તમામ રાજ્યોની મતગમતરી એક જ દિવસે એટલે કે 11 ડિસેમ્બરે હાથ ધરાશે અને ત્યાર બાદ પરિણામ જાહેર કરાશે, મતદાન માટેની તારીખો અલગ-અલગ જાહેર કરાઈ છે 

પાંચ રાજ્યોમાં ચૂંટણીઃ રાજસ્થાન, મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં ખરાખરીનો જંગ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા તાજેતરમાં જ દેશનાં પાંચ રાજ્ય- રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્સીગઢ, મિઝોરમ અને તેલંગાણામાં આગામી વિધાનસભા માટેની ચૂંટણીની તારીખો જાહેર કરાઈ હતી. ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ આ પાંચેય રાજ્યોમાં ચૂંટણીની આદર્શ આચારસંહિતા પણ લાગુ થઈ ગઈ છે. 

ચૂંટણીની તારીખઃ
છત્તીસગઢમાં બે તબક્કામાં 12 અને 20 નવેમ્બરે મતદાન યોજાશે. મધ્યપ્રદેશ અને મિઝોરમમાં 28 નવેમ્બરના રોજ મતદાન થશે, જ્યારે તેલંગાણામાં 7 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે. 

ચૂંટણી પરિણામઃ
પાંચેય રાજ્યનું ચૂંટણી પરિણામ 11 ડિસેમ્બરના રોજ એકસાથે જ આવશે. 

વિધાનસભાની મુદતઃ
મધ્યપ્રદેશ વિધાનસભાની મુદત 7 જાન્યુઆરીના રોજ સમાપ્ત થાય છે. રાજસ્થાનમાં 20 જાન્યુઆરીએ વિધાનસભાની મુદત પુરી થાય છે. છત્તીસગઢમાં 5 જાન્યુઆરી અને મિઝોરમમાં 15 ડિસેમ્બરના રોજ વિધાનસભાની મુદત પુરી થાય છે. તેલંગાણા વિધાનસભાની મુદત જુન, 2019માં પુરી થતી હતી, પરંતુ રાજ્યના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે 6 સપ્ટેમ્બરના રોજ વિધાનસભા ભંગ કરવાની દરખાસ્ત રાજ્યપાલને કરી હતી. 

આ પાંચેય રાજ્યમાં ચૂંટણીના સમીકરણ પર એક નજર નાખીએ. 

મધ્યપ્રદેશ રાજ્યનું ચૂંટણી સમીકરણ 
કુલ વિધાનસભા બેઠકઃ 230+1 
(1 બેઠક નામાંકિત સભ્ય માટે છે)
વર્ષ 2013 વિધાનસભા ચૂંટણી પરિણામ 
પક્ષ    સીટ
ભાજપ    166
કોંગ્રેસ    57
બસપા    4
અપક્ષ    3

મધ્યપ્રદેશની રાજકીય સ્થિતી
રાજ્યના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણ (ભાજપ) છેલ્લા 15 વર્ષથી એકધારૂં શાસન કરી રહ્યા છે અને તેમની રાજકીય પકડ મજબૂત છે. મધ્યપ્રદેશમાં મુખ્ય રાજકીય લડાઈ કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે. આ ઉપરાંત રાજ્યમાં બસપા પણ એક મોટી તાકાત છે. આ ત્રણ પાર્ટીઓ ઉપરાંત રાજ્યના ચૂંટણી મેદાનમાં સમાજવાદી પાર્ટી, ગોડવાના ગણતંત્ર પાર્ટી અને જયસ જેવા સંગઠન પણ ઉતરેલા છે. SC/ST એક્ટ અને પ્રમોશનમાં અનામત વિરુદ્ધ અવાજ ઉઠાવનારી સપાક્સની 'અનારક્ષિત સમાજ પાર્ટી'એ પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. 

રાજસ્થાન રાજ્યનું ચૂંટણી સમીકરણ 
વર્ષ 2013 વિધાનસભા ચૂંટણી પરિણામ
કુલ વિધાનસભા બેઠકઃ 200
પક્ષ    સીટ
ભાજપ    163
કોંગ્રેસ    21
બસપા    3
NPP    4
NUZP    2
અપક્ષ    7

રાજસ્થાનની રાજકીય સ્થિતી
રાજસ્થાનમાં દેશનાં રાજ્યો કરતાં એક અલગ ચૂંટણી પેટર્ન રહી છે. અહીં છેલ્લા કેટલાય સમયથી દર પાંચ વર્ષે સત્તામાં પાર્ટી બદલાતી રહી છે. એટલે કે એક વખત કોંગ્રેસ સત્તામાં હોય તો તેના પછીની વિધાનસભા ચૂંટણીમાં ભાજપને સત્તા મળતી આવી છે. અગાઉ કોંગ્રેસના અશોક ગેહલોતની સરકારને હરાવીને 2013માં વસુંધરા રાજેના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હતી. 

રાજસ્થાનમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે મુખ્ય લડાઈ છે. આ ઉપરાંત અન્ય સ્થાનિક પક્ષો પણ નસીબ અજમાવી રહ્યા છે. બસપા અને નેશનલ પીપલ્સ પાર્ટી ઉપરાંત ઘનશ્યામ તિવારીએ ભાજપમાંથી બળવો પોકારીને ભારત વાહિની પાર્ટી બનાવી છે. અપક્ષ ધારાસભ્ય હનુમાન બેનીવાલે પણ પોતાનાં સમર્થકોને ચૂંટણીમાં ઉતારવાનું આયોજન કર્યું છે. 

છત્તીસગઢ રાજ્યનું ચૂંટણી સમીકરણ
કુલ વિધાનસભા બેઠકઃ 90+1
(1 બેઠક નામાંકિત સભ્ય માટે છે)
વર્ષ 2013 વિધાનસભા ચૂંટણી પરિણામ
પક્ષ    સીટ
ભાજપ    49
કોંગ્રેસ    39
બસપા    01
અપક્ષ    01

છત્તીસગઢની રાજકીય સ્થિતી
છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહ (ભાજપ) છેલ્લી ત્રણ ટર્મથી ચૂંટાઈને સરકાર બનાવતા રહ્યા છે. રાજ્યમાં તેઓ લોકપ્રિય નેતા અને મજબૂત રાજકીય પકડ ધરાવતી વ્યક્તિ છે. છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસની ટક્કર મળી હોવા છતાં તેમણે સરકાર બનાવી હતી. છત્તીસગઢમાં કુલ 27 જિલ્લા છે. રાજ્યમાં કુલ 51 સીટ સામાન્ય, 10 સીટ એસસી અને 29 સીટ એસટી માટે અનામત છે. 

છત્તીસગઢની રાજકીય રણભૂમિમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય ટક્કર છે. આ વખતે બંને પક્ષો ઉપરાંત કોંગ્રેસમાંથી બળવો પોકારીને અજીત જોગીએ છત્તીસગઢ જનતા કોંગ્રેસ-જોગી નામની એક પાર્ટી બનાવી છે. તેમણે બસપા સાથે ગઠબંધન કર્યું છે. આ ઉપરાંત ગોડવાના ગણતંત્ર પાર્ટી પણ મેદાનમાં છે. 

મિઝોરમ રાજ્યનું ચૂંટણી સમીકરણ 
કુલ વિધાનસભા બેઠકઃ 40
વર્ષ 2013 વિધાનસભા ચૂંટણી પરિણામ
પક્ષ    સીટ
કોંગ્રેસ    34
MNF    05
MPC    01

મિઝોરમની રાજકીય સ્થિતી
કોંગ્રેસ વર્ષ 2008થી મિઝોરમમાં સત્તામાં છે. અહીં, કોંગ્રેસને સ્થાનિક પક્ષો મિઝો નેશનલ ફ્રન્ટ અને મિઝો પીપલ્સ કોન્ફરન્સનો મુખ્ય પડકાર છે. આ ઉપરાંત આ વખતે ભારતીય જનતા પાર્ટીએ પણ અહીં ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. આ વખતની મિઝોરમની ચૂંટણી એટલા માટે મહત્ત્વની છે કે, કોંગ્રેસ ઉત્તરપૂર્વનાં રાજ્યોમાં તેનો એકમાત્ર બચેલો ગઢ સાચવી શકે છે કે નહીં તે સ્પષ્ટ થઈ જશે. 

તેલંગાણા રાજ્યનું ચૂંટણી સમીકરણ
વર્ષ 2014 વિધાનસભા ચૂંટણી પરિણામ
કુલ વિધાનસભા બેઠકઃ 119+1
(1 બેઠક નામાંકિત સભ્ય માટે છે)
પક્ષ    સીટ
TRS    90
કોંગ્રેસ    13
AIMIM    07
ભાજપ    05
TDP    03
CPIM    01

તેલંગાણાની રાજકીય સ્થિતી
તેલંગાણા અલગ રાજ્ય બન્યા બાદ 2014ની લોકસભા ચૂંટણીની સાથે-સાથે રાજ્ય વિધાનસભાની ચૂંટણી પણ યોજાઈ હતી. મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવે સમય કરતાં પહેલાં જ 6 સપ્ટેમ્બરના રોજ વિધાનસભા ભંગ કરવાની ભલામણ કરી હતી. આ કારણે અહીં ફરીથી ચૂંટણી યોજવાની સ્થિતી આવી છે. હાલ તેઓ રાજ્યના કાર્યકારી મુખ્યમંત્રી છે. રાજ્યમાં તેલંગાણા રાષ્ટ્ર સમિતી (TRS) મજબૂત સ્થિતીમાં છે. તેને મુખ્ય પક્ષ કોંગ્રેસ અને ભાજપનો પડકાર રહેશે. આ ઉપરાંત અન્ય સ્થાનિક પક્ષો પણ મેદાનમાં છે. 

ત્રણ રાજ્યમાં 25,000 સૈનિકો ઈલેક્શન ડ્યુટીમાં તૈનાત
દેશનાં ત્રણ મોટા રાજ્ય મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં ચૂંટણીની સુરક્ષા વ્યવસ્થા માટે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા 25,000 સૈનિકોને વિશેષ ઈલેક્શન ડ્યુટીમાં તૈનાત કરવામાં આવશે. રાજ્યના અર્ધલશ્કરી દળો અને રાજ્યના પોલીસ અનામત દળો ઉપરાંત 250 કંપનીઓને તેમને સોંપાયેલા રાજ્યોમાં 15 ઓક્ટોબરથી ચૂંટણી ડ્યુટી સંભાળી લીધી છે. માઓવાદથી પ્રભાવિત છત્તીસગઢમાં સુરક્ષાની વધુ જરૂર હોવાથી અહીં 150 સૈનિક ટૂકડીઓ મોકલવામાં આવશે, જ્યારે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં 50-50 ટૂકડી તૈનાત કરાશે. 

અવાજ પ્રદૂષણ અંગે ચૂંટણી પંચને ચિંતા
ચૂંટણીમાં લાઉડ સ્પીકર અને ડીજેનો ભરપૂર ઉપયોગ થતો હોવાને કારણે અવાજનું પ્રદૂષણ સામાન્ય કરતાં વધુ થઈ જતું હોય છે. આથી, પ્રજાને અવાજના પ્રદૂષણને કારણે પડતી હાલાકીને ધ્યાનમાં રાખીને આ વખતે ચૂંટણી પંજે રાત્રે 10.00થી સવારે 6.00 કલાક સુધી ચૂંટણી પ્રચાર માટે લાઉડ સ્પીકર કે ડીજે કે મોટા સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે.  

EVMના લેટેસ્ટ M-3 વર્ઝન અને VVPAT મશીનનો ઉપયોગ કરાશે 
મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણાની ચૂંટણીમાં આ વખતે ચૂંટણી પંચ દ્વારા ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (EVM)ના વર્ઝન M3 નો ઉપયોગ કરવામાં આવનારો છે. ઈવીએમનું આ લેટેસ્ટ વર્ઝન છે, જેને "ટેમ્પર પ્રૂફ" કહેવામાં આવે છે. આ અગાઉ, ચૂંટણી પંચે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં 7 વિધાનસભા બેઠક પર આ વર્ઝનનો પ્રાયોગિક ધોરણે ઉપયોગ કર્યો હતો. ચૂંટણી પંચ આ ચાર રાજ્યમાં 2 લાખ જેટલા વર્ઝન M3 EVM મશીનનો ઉપયોગ કરશે. સાથે જ તમામ રાજ્યમાં EVM સાથે VVPAT મશીન પણ જોડવામાં આવશે, જેમાં મતદારે કયા પક્ષે વોટ આપ્યો છે તેની ચીઠ્ઠી બહાર આવીને તેનો વોટ યોગ્ય વ્યક્તિને ગયો છે કે નહીં તેની ખાતરી કરી આપે છે.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news