મઠીયા-ફાફડા બનાવતા પહેલા સો વાર વિચાર કરજો, દિવાળી ટાંણે જ વધી ગયા તેલના ભાવ
Edible Oil Price Hike : દિવાળી પહેલા ફરી ખોરવાશે ગૃહિણીઓનું બજેટ...સિંગતેલનો ડબ્બો પહોંચ્યો ત્રણ હજારની નજીક...25 રૂપિયાનો ભાવ વધારો થતાં 15 કિલો ડબ્બાનો ભાવ 2925 થયો...કપાસિયા તેલના ડબ્બાનો ભાવ પણ 2285થી વધુ 2315 થયો...
ગૌરવ દવે/રાજકોટ :પહેલીવાર એવી દિવાળી આવી છે, જેમાં લોકો મોંઘવારીનો માર સામે ઝઝૂમી રહ્યાં છે. જીવન જરૂરિયાતી તમામ વસ્તુઓના ભાવ એટલા વધ્યા છે કે, લોકોને દિવાળી ઉજવવી આકરી બની રહી છે. દિવાળી પહેલા ફરીથી ગૃહિણીઓનું બજેટ ખોરવાનું છે. દિવાળી ટાંણે જ સિંગતેલનો ડબ્બો પહોંચ્યો ત્રણ હજારની નજીક પહોંચી ગયો છે. સિંગતેલના ડબ્બામાં 25 રૂપિયાનો ભાવ વધારો થતાં 15 કિલો ડબ્બાનો ભાવ 2925 થયો છે. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ પણ 2285થી વધુ 2315 થયો છે.
ખાદ્યતેલના બજારમાં અવિરત તેજી થઈ રહી છે. દિવાળીમાં ફરસાણ સૌથી વધુ વેચાય છે. દિવાળીમાં ઘરે ઘરે નાસ્તા બને છે. આ તમામ નાસ્તા માટે ખાદ્યતેલની જરૂર પડે છે. આવામાં દિવાળી ટાંણે જ ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે. ભારતીયોના સૌથી મોટા તહેવાર દિવાળી પર જ સિંગતેલનો ડબ્બો 3000 તરફ ગતિ કરવા લાગ્યો છે.
આ પણ વાંચો : કોંગ્રેસી MLA અનંત પટેલ પર હુમલો, રાહુલ ગાંધીએ ટ્વીટ કરી ભાજપની કાયરતા ગણાવી
સીંગતેલના ડબ્બાના ભાવમાં 25 રૂપિયાનો વધારો થતાં ડબ્બો હવે 2925 એ પહોંચ્યો છે. તો કપાસીયા તેલના ભાવમાં પણ વધારો થયો છે. કપાસિયા તેલનો ડબ્બો 2285 થી 2315 સુધી પહોંચ્યો છે. 2 દિવસમાં સીંગતેલ અને કપાસિયા તેલના ભાવ ડબ્બે 45 રૂપિયા વધી ગયા છે.
મહત્વનું છે કે, મોંઘવારીના અસહ્ય માર વચ્ચે ફરી વાર સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ધરખમ વધારો થયો છે. એક તરફ મગફળી અને કપાસની આવક વધી રહી છે. તો બીજી તરફ ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. વરસાદી માહોલ વચ્ચે મગફળી અને કપાસિયામાં ભેજ આવતો હોવાથી પીલાણ થઈ શકતું નથી. વેપારીઓનું કહેવું છે કે, વિદેશમાં ખાદ્યતેલની માગ વધી છે. જેથી ભાવમાં વધારો થયો છે.