મુંબઇ : આરઆટીઆઇ એક્ટિવિસ્ટ અસદ પટેલે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધિકારીઓ અને શિપિંગ સર્વિસીસ ક્ષેત્રની મોટી કંપનીઓ પૈકીની એક જેએમ બક્શી એન્ડ કંપની વિરૂધ્ધ ફરિયાદ કરી છે. શિપિંગ કોર્પોરેશનના ડાયરેક્ટર ઓફ ગ્રિએવાન્સેસને 11 નવેમ્બરે કરાયેલી ફરિયાદમાં એક્ટિવિસ્ટ પટેલે શિપિંગ કોર્પોરેશનમાં પૈસાની લેતીદેતી અને વ્યવહારમાં પારદર્શિતા ન રખાતી હોવાનો આરોપ લગાવ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફરિયાદ મુજબ જેએમ બક્શી કંપની છેલ્લા કેટલાય વર્ષોથી ભારતમાં શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના 20થી વધુ બંદરગાહો પર પોતાની સેવાઓ આપી રહી છે. શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા નિયમોને નેવે મુકીને વર્ષ 1961થી આ કંપનીની સેવાઓ લઇ રહી છે. વર્ષ 1999માં પણ કોર્પોરેશને કાયદેસરની પ્રક્રિયા અપનાવ્યા વિના જ આ કંપનીને પોતાના એજન્ટ તરીકે નિયુક્તિ આપી છે.



ફરિયાદમાં દાવો કરાયો છે કે કોર્પોરેશનના અધિકારીઓએ જેએમ બક્શી કંપનીને બિલ વગર જ એડવાન્સ પેમેન્ટ આપી દીધું છે. ઘણી વાર કંપનીએ ઘણા વર્ષો સુધી એકાઉન્ટ ક્લિયર ન કર્યું હોવા છતાં કોર્પોરેશન આ કંપનીને ચૂકવણું કરતું રહ્યું છે. 


એટલું જ નહીં શિપિંગ કોર્પોરેશન ઉપરાંત વિજિલેન્સ વિભાગ અને શિપિંગ મંત્રાલયને પણ મોકલાયેલી ફરિયાદમાં દાવો કરાયો છે કે જેએમ બક્શીએ ઘણા બિલોને વગર ઓડિટ સ્ક્રૂટિની વગર સ્વીકારી કોર્પોરેશનને લાખો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું છે. ફરિયાદકર્તાએ આ મામલે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના અધિકારીઓની કંપની સાથે મીલીભગત હોવાનું તથા આ એક ષડયંત્ર હોવાની રાવ વ્યક્ત કરી છે. 



ફરિયાદકર્તા અસદ પટેલે કહ્યું કે, જે એમ બક્શી અને શિપિંગ કોર્પોરેશનના અધિકારીઓએ મળીને કેટલા રૂપિયાનું ભોપાળું કર્યું છે એ તો તપાસનો વિષય છે. અમે આ મામલે તટસ્થ તપાસ થાય એ ઇચ્છી રહ્યા છીએ. અમે ઇચ્છિએ છીએ કે આ મામલે સત્ય સામે આવે અને દોષિતો વિરૂધ્ધ જલ્દી અને કડક કાર્યવાહી કરવામાં આવે. 


જે એમ બક્શી એન્ડ કંપની એમના પર લાગેલા આરોપોને ખોટા ગણાવી રહ્યું છે. આ મામલે જે એમ બક્શી કંપનીના સીનિયર વાઇસ પ્રેસિડેન્ટ રજનીસ ખંડેલવાલે ZEE મીડિયાને મોકલેલા ઇમેલમાં કંપનીનો પક્ષ રાખતાં પોતાની સફાઇમાં કહ્યું કે, આ ફરિયાદનો કોઇ આધાર નથી અને દાવામાં કરાયેલા તમામ મુદ્દા અસત્ય છે. 


જોકે આ મામલે ZEE મીડિયાને શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તરફથી હજુ સુધી કોઇ સત્તાવાર પ્રતિક્રિયા મળી નથી. હવે જોવાનું એ છે કે ફરિયાદ મામલે તપાસ થાય છે કે કેમ?



અહીં નોંધનિય છે કે, આ અગાઉ ફેબ્રુઆરી 2009માં સીબીઆઇએ આવી જ એક ફરિયાદના આધારે શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના કેટલાક અધિકારીઓ અને જેએમ બક્શી કંપનીના માલિકો સહિત અન્યો વિરૂધ્ધ આઇપીસી ધારા 120બી, 420, 465, 467, 468, 471 અને પ્રિવેંશન ઓફ કરપ્શન એક્ટની ધારા 13(2) સાથે 13(1)(ડી) અંતર્ગત ગુનો નોંધ્યો હતો.


આ મામલે વર્ષ 2010માં તપાસ એજન્સીએ સીબીઆઇએ શિપિંગ કોર્પોરેશનના અધિકારી ડી પી રેવાવાલા, એન આર સરૈયા, વૈશાલી લાડી, હરિપ્રકાશ કામથ સહિત જે એમ બક્શી કંપની અને એમના પાર્ટનર કૃષ્ણા કોટક વિરૂધ્ધ મુંબઇની વિશેષ સીબીઆઇ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરી હતી.


વિશેષ સીબીઆઇ કોર્ટે જે એમ બક્શીના કૃષ્ણા કોટક સહિત અન્ય આરોપીઓની ડિસ્ચાર્જ એપ્લીકેશન રદ કરી ચુકી છે જ્યારે માત્ર સરૈયા અને લાડીને મુંબઇ હાઇકોર્ટે આરોપ મુક્ત કર્યા છે. હવે આ મામલે આગામી સુનાવણી 27 નવેમ્બરે થવાની છે.