નવી દિલ્હીઃ પેટ્રોલ અને ડીઝલની સતત વધી રહેલી કિંમતોએ સમગ્ર વિશ્વને વૈકલ્પિક ઈંધણ વિશે વિચારવા મજબૂર કરી દીધું છે. ભારત સહિત ઘણા દેશો ઝડપથી ઇલેક્ટ્રિક વાહનો (EV) તરફ વળી રહ્યા છે, જ્યારે જાપાન જેવા કેટલાક દેશોએ હાઇડ્રોજનનો ઉપયોગ બળતણ તરીકે કરવાનું શરૂ કર્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

260 KM પ્રતિ કિલોની એવરેજ 
તાજેતરમાં જ જાપાની ઓટોમેકર કંપની ટોયોટા (Toyota)ની મિરાઇ (Mirai) કારે હાઇડ્રોજન ઇંધણ પર લાંબા અંતરને કાપવાનો વિશ્વ રેકોર્ડ પણ બનાવ્યો છે, જેને બાદમાં ગિનીસ વર્લ્ડ રેકોર્ડ (Guinness World Record) માં પણ સ્થાન મળ્યું છે. આ કારની સૌથી મોટી ખાસિયત એ હતી કે એક વખત ઈંધણ ભરાઈ ગયા બાદ તેણે 1360 કિ.મીની સફર પૂર્ણ કરી. આ સમયગાળા દરમિયાન કુલ 5.65 કિલો હાઇડ્રોજનનો વપરાશ થયો હતો. આ હિસાબે આ કારે 260 કિ.મી પ્રતિ કિલો માઈલેજ આપ્યું છે.



આ કાર 2016માં લોન્ચ કરવામાં આવી હતી
કંપની અનુસાર, ટોયોટા મિરાઈ (Toyota Mirai) વર્ષ 2016માં લોન્ચ કરવામાં આવી હતી. આ કંપનીનું પ્રથમ ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વાહન એટલે કે હાઇડ્રોજન ઇંધણથી ચાલતી કાર હતી. આ કાર ઉત્તર અમેરિકામાં વેચાણ માટે ઉપલબ્ધ છે. સરળ શબ્દોમાં કહીએ તો હાઇડ્રોજન ઇંધણનો ઉપયોગ લોકો માટે ઘણું સાબિત થવાનો છે. જો કે, ભારતમાં અત્યાર સુધી હાઇડ્રોજન ઇંધણને વિકલ્પ તરીકે જોવામાં આવતું નથી.


ભારતમાં હાઇડ્રોજનનું પ્રોડક્શન ક્યારે?
ખરેખર, હાઇડ્રોજનનું ઉત્પાદન ખૂબ ખર્ચાળ છે. આ મોંઘવારીના કારણે તેને યોગ્ય વિકલ્પ તરીકે જોવામાં આવ્યું નથી. પરંતુ નવી ટેક્નોલોજીની મદદથી હાઈડ્રોજન ઉત્પાદનની કિંમત સતત ઘટી રહી છે. ભારતમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી પેટ્રોલિયમ કંપની રિલાયન્સ પેટ્રોલિયમના માલિક મુકેશ અંબાણીએ એક નિવેદનમાં કહ્યું હતું કે આગામી દાયકામાં હાઇડ્રોજન ઉત્પાદનની કિંમત પ્રતિ કિલો એક ડોલરના સ્તરે આવી શકે છે.


ઇલેક્ટ્રિક કાર Vs હાઇડ્રોજન કાર
ઇલેક્ટ્રિક કારોને અશ્મિભૂત ઇંધણ (Fossil Fuel)ના વિકલ્પ તરીકે ગણવામાં આવે છે. પરંતુ અત્યાર સુધી જેટલી પણ ઇલેક્ટ્રિક કાર બની છે તે એક વાર ચાર્જ કર્યા બાદ લગભગ 500 કિમીનું અંતર કાપશે. ત્યારબાદ આવી કાર ચાર્જ કરવા માટે ચાર્જિંગ સ્ટેશનની વ્યવસ્થા કરવી એ સૌથી મોટો પ્રશ્ન છે. બીજી અડચણ એ છે કે આ કારને ચાર્જ કરવામાં લાગતો સમય છે.