અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનનો વિરોધ કરવા 1000 ખેડૂતો હાઈકોર્ટ બાદ હવે સુપ્રીમમાં જશે
ઉલ્લેખનીય છે કે, 10 ઓગસ્ટના રોજ પણ સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઈકોર્ટને આદેશ આપ્યો હતો કે તે બુલેટ ટ્રેનના પ્રોજેક્ટથી પ્રભાવિત ખેડૂતોની અરજીની ઝડપથી સુનાવણી હાથ ધરે
અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેન હજુ શરૂ પણ થયો નથી ત્યાં તેનો ગુજરાતમાં વિરોધ થવા લાગ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કરવામાં આવતા જમીન સંપાદન લઈને 1000 જેટલાં ખેડૂતોએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. હાઈકોર્ટના મુખ્ય ન્યાયધિશ આર. સુભાષ રેડ્ડી અને ન્યાયાધિશ વી.એમ. પંચોલીની ડિવિઝન બેન્ચ દ્વારા આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી છે.
હાઈકોર્ટમાં ખેડૂતો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં એવો આક્ષેપ કરાયો છે કે, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા જમીન સંપાદન માટે યોગ્ય વળતર આપવામાં આવતું નથી. ખેડૂતોએ ભારતમાં જાપાનના રાજદૂત અને ઝીકા બેંકના સત્તાધીશોનો સંપર્ક કરીને બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેની જમની સંપાદન કાર્યવાહીમાં ચાલી રહેલી વિસંગતતાઓ અંગે માહિતગાર કર્યા છે.
બુલેટ ટ્રેન માટેની જમીન સંપાદન કાર્યવાહીથી પ્રભાવિત રાજ્યના જુદા-જુદા જીલ્લાના ખેડૂતોએ અરજીમાં જણાવ્યું છે કે, તેઓ આ પ્રોજેક્ટ માટે તેમની જમીન આપવા માગતા નથી. સાથે જ વર્તમાનમાં જે જમીન સંપાદન પ્રક્રિયા ચાલી રહી છે તેમાં કેન્દ્ર સરકારને સોફ્ટ લોન આપનારી 'જાપાન ઈન્ટરનેશનલ કો-ઓપરેશન એજન્સી (JICA)' દ્વારા જે માર્ગદર્શિકા આપવામાં આવી છે તેનું પણ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે.
ખેડૂતોએ આક્ષેપ કર્યો છે કે, જાપાને જ્યારે બુલેટ ટ્રેન માટે સપ્ટેમ્બર, 2015માં ભારત સરકાર સાથે કરાર કર્યો ત્યાર બાદ ગુજરાત સરકાર દ્વારા તેના 'જમીન સંપાદન કાયદા 2013'માં સુધારો કરીને તેની જોગવાઈઓને હળવી કરી દેવાઈ છે, જે JICA માર્ગદર્શિકાનું ઉલ્લંઘન છે.
ખેડૂતોએ હાઈકોર્ટને જણાવ્યું છે કે, જમીન સંપાદનની કાર્યવાહી શરૂ કરતાં પહેલાં તેમની કોઈ મંજુરી લેવાઈ નથી કે તેમની સાથે આ અંગે કોઈ પણ પ્રકારની ચર્ચા-વિચારણા પણ કરાઈ નથી. પુનર્વસન અને પુનઃસ્થાપનની પ્રક્રિયાની સામાજિક અસર અંગે પણ સરકાર દ્વારા કોઈ ચર્ચા કરવામાં આવી નથી અને જમીન સંપાદન કરતી એજન્સી દ્વારા કોઈ 'અજાણી જ પ્રક્રિયા' (જેના વિશે ખેડૂતો જાણતા નથી) હાથ ધરવામાં આવી છે.
અરજીની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે જવાબ આપવા માટે વધુ સમયની માગણી કરી છે. આ અંગે ખેડૂતોના વકીલ આનંદ યાજ્ઞિકે જણાવ્યું કે, છેલ્લા પાંચ સપ્તાહથી હાઈકોર્ટ આ કેસની સુનાવણી હાથ ધરી શકતી નથી, કેમ કે કેન્દ્ર સરકાર દ્વારા જવાબ માટે સતત વધુ સમય માગવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટના આદેશોનું પણ પાલન થતું નથી. આથી હવે આ 1000 ખેડૂતો વહેલી સુનાવણી માટે બુધવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરશે અને સુપ્રીમને જણાવશે કે તે હાઈકોર્ટને આદેશ આપે કે, કેન્દ્ર સરકાર જવાબ આપે કે ન આપે, હાઈકોર્ટ વહેલી તકે આ કેસની સુનાવણી હાથ ધરે અને જો હાઈકોર્ટ સુનાવણી હાથ ધરવામાં મોડું કરે તો સુપ્રીમ કોર્ટ દ્વારા જમીન સંપાદનની પ્રક્રિયા પર સ્ટે આપવાનો આદેશ કરવામાં આવે.