• 4 લાખ રૂપિયાનું ઓપરેશન રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તદ્દન વિનામૂલ્યે કરાવી રાજ્ય સરકારે વિજુનો જીવ બચાવ્યો

  • ગુજરાત અને દેશના વર્ષે હજારો ભૂલકાઓની હૃદય સંબંધી બીમારી યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડીયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે દૂર કરાય છે


ઝી મીડિયા/બ્યૂરો :જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના નાના એવા સિંગચ ગામે રહેતા અને સામાન્ય આવક ધરાવતા નારણભાઈ પરમાર પર આભ ફાટી પડ્યું, જ્યારે તેમને ખબર પડી કે તેમની દોઢ વર્ષની વ્હાલસોયી દીકરી વિજુના હૃદયમાં કાણું છે અને હૃદયની આ બીમારી એટલી ગંભીર છે કે તે માટેની વધુ સારવાર માટે વિજુને અમદાવાદ ખસેડવી પડશે. પરંતુ જામનગરની દોઢ વર્ષની બાળકી વિજુને અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે બીજુ જીવન મળ્યું છે. સિંગચ ગામના ગરીબ પરિવારની બાળકીના હૃદયનું ઓપરેશન રાજ્ય સરકારની રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK યોજના હેઠળ યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડીયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે નિશુલ્ક કરવામાં આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા વિજુના પિતા નારણભાઈએ જણાવ્યું હતું કે, "જન્મ પછી વિજુને પેટમાં ડાબી તરફ ખાડો પડતો હતો. જેની તપાસ કરાવવા અમે હોસ્પિટલ ગયા હતા. ત્યારે ત્યાં હાજર તબીબે જણાવ્યું કે વિજુના હૃદયમાં કાણું છે અને તાત્કાલિક આ અંગેની સારવાર કરાવવી જરૂરી છે. જેથી અમે વધુ સારવાર માટે ખંભાળિયા ત્યારબાદ જામનગર ખાતેની જી.જી. હોસ્પિટલમાં વિજુની આરોગ્ય તપાસણી કરાવી તેમજ ખાનગી હોસ્પિટલમાં પણ તપાસ કરાવતા ત્યાંથી જણાવાયું કે, આ ઓપરેશન માટે ચાર લાખ રૂપિયાનો ખર્ચ થશે. આ સાંભળતા અમારા પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ. અમદાવાદ રહેતા અમારા એક સંબંધીએ અમને રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ સંદર્ભ કાર્ડ કઢાવવાની સલાહ આપી. આ કાર્ડના કારણે અમારે એકપણ રૂપિયાનો ખર્ચ કરવો પડ્યો નહિ અને આવવા જવાના મુસાફરીના ભાડા સાથે સરકારે અમને તદ્દન વિનામૂલ્યે આ ઓપરેશનની વ્યવસ્થા કરી આપી અમારી વિજુનો જીવ બચાવ્યો."


આ પણ વાંચો : મહેસાણા : કાનમાં ઈયરફોન નાંખીને સેલ્ફી લેતા યુવકને પાછળથી આવતુ મોત ન દેખાયું, અને...


જામનગર આરોગ્ય વિભાગ ખાતેથી સંદર્ભ કાર્ડ કઢાવી યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડીયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનો નારણભાઇએ સંપર્ક કર્યો. હોસ્પિટલે તરત જ વિજુને એડમીટ કરવાની તારીખ આપી. હોસ્પિટલમાં એડમિટ થતાં જ વિજુના મેડીકલ રિપોર્ટસ, નિદાન અને ઓપરેશનની પ્રક્રીયાઓ આરંભી દેવામાં આવી. બધુ જ એકદમ ઝડપી અને વ્યવસ્થિત થઇ રહ્યું. હોસ્પિટલ તરફથી તમામ સારવાર-સુવિધાઓ નિશુ:લ્ક પુરી પાડવામાં આવી. ઓપરેશનને એક મહીનો વિત્યો છે અને વીજુ હવે એકદમ સ્વસ્થ છે. 


આમ બાળકીના હૃદયનુ જટીલ અને મોંઘુ ઑપરેશન રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત તદ્દન વિનામૂલ્યે કરાવી રાજ્ય સરકારે ગરીબ પરીવારની દોઢ વર્ષની બાળકીનો જીવ બચાવ્યો છે. 


ઉલ્લેખનીય છે કે, ગુજરાત અને દેશના વર્ષે હજારો ભૂલકાઓની હૃદય સંબંધી બીમારીઓ યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર ખાતે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત દુર કરવામાં આવે છે. ઇન્સ્ટિટ્યુટના માનદ્ નિયામક ડૉ. આર. કે. પટેલ જણાવે છે કે, ગુજરાતના આરોગ્ય તંત્રની આ એક સિદ્ધિ છે કે આપણે ગુજરાત અને ગુજરાત બહારના નવજાત શિશુઓ અને નાના બાળકોની હૃદયની બિમારી દુર કરવા માટે સર્વોત્તમ સુવિધાયુક્ત હોસ્પિટલ આપી શક્યા છીએ. 


આ પણ વાંચો : કોરોનામાં ભાઈ ગુમાવનાર બહેનની પીડા, ‘રક્ષા કરનાર ભાઈ જ નથી રહ્યો તો રક્ષાબંધન કેવી રીતે ઉજવું’


યુ.એન.મહેતા ઇન્સ્ટિટ્યુટ ઓફ કાર્ડીયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરને નવી ઊચાઈએ લઈ જવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની આગેવાની અને દિશાદર્શનમાં હોસ્પિટલની આરોગ્ય સુવિધાઓમાં સતત ઉમેરો થતો આવ્યો છે. તેઓ આ અંગે વધુમાં જણાવે છે કે, આ હોસ્પિટલને આઇ.સી.સી. હેલ્થકેર એક્સેલન્શ એવોર્ડસ, હોસ્પિટલ ઓફ ધ યર જ્યુરી એવોર્ડ, હેલ્થકેર ડિલવરીમાં શ્રેષ્ઠ હોસ્પિટલ, હેલ્થકેર ગુણવતા નિયંત્રણમાં શ્રેષ્ઠ હોસ્પિટલ જેવા એવોર્ડ મળી ચૂક્યા છે. 


તેઓ ઉમેરે છે કે, જામનગરની વિજુની જેમ હૃદયની ગંભીર બિમારી ધરાવતા દર વર્ષે ૧ હજારથી વધુ બાળકોની અહીં કાર્ડિઆક સર્જરી કરવામાં આવે છે. પિડ્રીયાટ્રીશીયન, ઈન્ટેસ્ટવીસ્ટ અને નર્સિગ સ્ટાફ તદઉપરાંત નિષ્ણાંત તબીબોની ટીમ, દિન-રાત દર્દીઓની સેવા સુશ્રુષા માટે અહીં ખડે પગે રહે છે.