મહેસાણા : કાનમાં ઈયરફોન નાંખીને સેલ્ફી લેતા યુવકને પાછળથી આવતુ મોત ન દેખાયું, અને...

મહેસાણા : કાનમાં ઈયરફોન નાંખીને સેલ્ફી લેતા યુવકને પાછળથી આવતુ મોત ન દેખાયું, અને...
  • મહેસાણામાં યુવક સેલ્ફી લેતો હતો, ત્યાં અચાનક પાછળથી આવી ચઢેલી ટ્રેને તેને કચડી નાંખ્યો 
  • બંને ફોટો પાડવામાં એટલી મશગૂલ હતા કે, તેઓને મહિલાનો અવાજ પણ સંભળાયો ન હતો

ઝી મીડિયા/બ્યૂરો :મોબાઈલની ધૂનમાં રહેતા લોકો અનેકવાર ભાન ભૂલી જાય છે. મોબાઈલમાં વ્યસ્ત રહેવાને કારણે અનેક લોકો સાથે અકસ્માત થતા હોય છે અને લોકો જીવ ગુમાવતા હોય છે. આવો જ એક કિસ્સો મહેસાણા જિલ્લામાં બન્યો છે. કાનમાં ઈયર ફોન ભેરવીને સેલ્ફી લઈ રહેલા યુવકને પાછળથી આવી રહેલુ મોત ન દેખાયું. યુવકને પાછળથી ક્યારે ટ્રેન આવી તે ખબર ન પડી અને ટ્રેનની અડફેટે આવી જતા તેનું કમકમાટીભર્યુ મોત નિપજ્યું. 

પ્રાપ્ત માહિતી અનુસાર, પાંચોટ પાસે મહેસાણા-પાટણ રેલવે ટ્રેક પર આ અકસ્માત સર્જાયો હતો. રામોસણાનો રહેવાસી જીજ્ઞેશજી ઠાકોર પોતાના મિત્રો સાથે પાંચોટ બાયપાસ હાઈવે ઉપર રેલવે ઓવરબ્રિજ નીચે પાટણ રેલવે લાઈનના ટ્રેક ઉપર ગયો હતો. તેની સાથે મિત્ર અને બહુચરાજીના અંબાલાનો રહેવાસી કીર્તિ ઉર્ફે રણવીરજી ઠાકોર પણ હતો. બંને મિત્રો કાનમાં ઈયર ફોન નાંખીને મોબાઈલમાં ફોટો પાડી રહ્યા હતા. બંને યુવકોના એટલા વ્યસ્ત હતા કે, તેની પાછળથી પાટણથી મહેસાણ તરફ આવતી ટ્રેન તેમને દેખાઈ ન હતી. એટલુ જ નહિ, કાનમાં ઈયર ફોન હોવાથી તેઓને ટ્રેનનો અવાજ પણ સંભળાયો ન હતો. 

એટલુ જ નહિ, ટ્રેક પાસે આવેલ ખેતરમાં ઘાસચારો લેતી મહિલાએ પણ બંને યુવકોને બૂમો પાડીને ચેતવ્યા હતા, પરંતુ બંને ફોટો પાડવામાં એટલી મશગૂલ હતા કે, તેઓને મહિલાનો અવાજ પણ સંભળાયો ન હતો. આમ જોતજોતમાં ટ્રેન નજીક આવી ગઈ હતી અને જીજ્ઞેશ ઠાકોર ટ્રેનની અડફેટે આવ્યો હતો. તેનુ ત્યા જ મોત નિપજ્યુ હતુ. 

સદનસીબે કીર્તિ ઠાકોર બચી ગયો હતો. ટ્રેકની બાજુમાં ચાર યુવકોએ બંનેને ખેંચવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે અસફળ નીવડ્યો હતો, અને જીજ્ઞેશ ઠાકોર ટ્રેન નીચે કચડાયો હતો. આ અંગે મૃતકના પિતા અગરાજીએ તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે પીએમ કરાવી વાલીવારસોને સોંપી હતી. જ્યારે મોબાઈલ કબજે લઈ, અકસ્માત મોતનો ગુનો નોંધ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news