ભાવનગરની કાયાપલટ થશે, વિશ્વનું પહેલુ CNG ટર્મિનલ બનતા વિકાસના નવા દ્વાર ખુલશે
ભાવનગરના નવાબંદર ખાતે આવનારા સમયમાં વિશ્વનું સૌ પ્રથમ CNG ટર્મિનલ આકાર લેવા જઇ રહ્યું છે. 1900 કરોડના આ સંપૂર્ણ પ્રોજેકટમાં પ્રથમ તબક્કે 650 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત આ વર્ષના અંત સુધીમાં કરવામાં આવશે, અને આ પ્રોજેક્ટના અમલીકરણ બાદ ભાવનગર જિલ્લાની કાયાપલટ પણ થશે, આ CNG ટર્મિનલ સ્થાપવા ભાવનગર પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લી. નામની પેઢીની પણ સ્થાપના કરવામાં આવી છે. આ પોર્ટ ઉત્તર ભારત અને મધ્ય ભારતનું સૌથી નજીકનું બંદર છે, ઉપરાંત ધોલેરા સરથી પણ નજીક હોય તમામ દ્રષ્ટિએ આ CNG ટર્મિનલ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
નવનીત દલવાડી/ભાવનગર :ભાવનગરના નવાબંદર ખાતે આવનારા સમયમાં વિશ્વનું સૌ પ્રથમ CNG ટર્મિનલ આકાર લેવા જઇ રહ્યું છે. 1900 કરોડના આ સંપૂર્ણ પ્રોજેકટમાં પ્રથમ તબક્કે 650 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવશે. આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત આ વર્ષના અંત સુધીમાં કરવામાં આવશે, અને આ પ્રોજેક્ટના અમલીકરણ બાદ ભાવનગર જિલ્લાની કાયાપલટ પણ થશે, આ CNG ટર્મિનલ સ્થાપવા ભાવનગર પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રા. લી. નામની પેઢીની પણ સ્થાપના કરવામાં આવી છે. આ પોર્ટ ઉત્તર ભારત અને મધ્ય ભારતનું સૌથી નજીકનું બંદર છે, ઉપરાંત ધોલેરા સરથી પણ નજીક હોય તમામ દ્રષ્ટિએ આ CNG ટર્મિનલ મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
ભાવનગરનો જ્યારે જ્યારે સમુદ્રી વિકાસ થયો છે, ત્યારે ત્યારે ભાવનગર જિલ્લાના વિકાસના દ્વાર ખુલતા ગયા છે, તેમજ લાંબા ગાળાની આર્થિક સમૃદ્ધિ આવી છે. અલંગ શિપ રિસાઈકલિંગ ઉદ્યોગ ભાવનગર જિલ્લામાં આર્થિક સમૃદ્ધિઓ લાવ્યું છે. ત્યારે હવે ભાવનગરના નવા બંદર ખાતે દુનિયાનું સૌથી પહેલું સીએનજી ટર્મિનલ બનવા જઈ રહ્યું છે, તેમજ એ માટેના તમામ પરીક્ષણો પણ પૂર્ણ થઈ ચૂક્યા છે. ત્યારે આ વર્ષના અંત સુધીમાં પ્રોજેક્ટના ખાતમૂહૂર્તની તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે. સીએનજી ટર્મિનલ માટે લંડનના ફોરસાઈટ ગ્રુપ, મુંબઈના પદ્મનાભ મફતલાલ ગ્રુપ અને નેધરલેન્ડના રોયલ બોસ્કાલિસ ગ્રુપ દ્વારા ભાવનગર ખાતે વિશ્વનું સૌ પ્રથમ સીએનજી ટર્મિનલ સ્થાપવા ભાવનગર પોર્ટ ઈન્ફાસ્ટ્રક્ટર પ્રાઈવેટ લિમિટેડ નામની પેઢીની સ્થાપના કરી દેવામાં આવી છે. જેમાં ભાવનગરના નવાબંદરના નોર્થક્વે વિસ્તારમાં મલ્ટિફંકશનલ પોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચો : અમદાવાદીઓ માટે ખાસ ચેતવણી, ત્રાહિમામ પોકારી જશો તેવી ગરમી પડશે
આ પ્રોજેક્ટ માટે ગુજરાત સરકાર દ્વારા લેટર ઓફ ઇન્ટરનેટ પણ આપી દેવામાં આવ્યો છે, સાથે ડીટેઇલ પ્રોજેક્ટ રિપોર્ટ (ડીપીઆર) 1 ની પ્રક્રિયા હાલ શરૂ કરી દેવામાં આવી છે. સીએનજી ટર્મિનલની કામગીરી શરૂ કરવા પૂર્વે અનેક પ્રકારના અભ્યાસ કરવામાં આવી રહ્યા છે. જે માટે ટૂંક સમય પહેલા દરિયાની ભરતી અને મોજા અંગે ટેકનિકલ સર્વે કરવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટનું ખાતમુહુર્ત વર્ષ 2022ના અંત સુધીમાં થઈ જવાની પૂરેપૂરી શક્યતા જોવાઈ રહી છે. પરંતુ અગાઉ ભાવનગરમાં શરૂ થયેલા પ્રોજેક્ટના અંતિમ તબક્કામાં અનેક પ્રશ્નો ઉભા થયા છે એ રીતે આ પ્રોજેક્ટમાં ના થાય એ તકેદારી સાથે શરૂ કરાય એ પણ જરૂરી છે.
ભાવનગર ચેમ્બરના પ્રમુખ કિરીટ સોનીએ જણાવ્યુ કે, શહેરના નવાબંદર ખાતે 180 હેક્ટર જમીન પર સ્થાપવામાં આવનાર આ પ્રોજેક્ટ માટે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા ભાવનગર જિલ્લા કલેકટર સમક્ષ પ્રપોઝલ મોકલવામાં આવી હતી, જેમાં કલેક્ટર કચેરી ખાતેથી રાજ્ય સરકાર પાસે જમીન અધિગ્રહણ અંગેની દરખાસ્ત પણ મોકલી આપવામાં આવેલી છે. જેમાં ભાવનગરના નવા બંદર ખાતે સીએનજી ટર્મિનલ સુધી 14 મીટર સુધીનો ડ્રાફ્ટ ધરાવતા જહાજોને લાવી શકાય એ માટે અધ્યતન વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવનાર છે. ભાવનગર એન્કરેજથી લઇને નવાબંદર સુધીની ચેનલ અને બેઝીનમાં મોટા પાયે ડ્રેજીગ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેના કારણે 14 મીટરનો ડ્રાફ્ટ અને 45 મીટર સુધીની પહોળાઈ ધરાવતા જહાજોને પણ નવાબંદર બેઝીન સુધી આસાનીથી લાવી શકાશે. CNG ટર્મિનલ એ ભાવનગર માટે વિકાસના દ્વારા ખોલનારો પ્રોજેક્ટ છે. જે શરૂ થતા એક સાથે પાંચ જહાજો કામ કરી શકે તેવા બર્લીગ પોઈન્ટ બનાવવામાં આવશે.
આ પણ વાંચો : MSU માં હિન્દુ દેવતાના અભદ્ર ચિત્રોનો વિવાદ, ABVP ના 31 વિદ્યાર્થીઓ સામે ગુનો નોંધાયો
આ કુલ 1900 કરોડ રૂપિયાનો સીએનજી ટર્મિનલ પ્રોજેક્ટ છે, જે પૈકી પ્રથમ તબક્કામાં 650 કરોડ રૂપિયાના કામ હાથ ધરવામાં આવશે, ભાવનગરના નવાબંદર ખાતે પાણી અને વીજળી ઉપલબ્ધ છે. ગુજરાત સરકાર અને ગુજરાત મેરિટાઇમ બોર્ડ દ્વારા ખાનગી કંપનીના માધ્યમથી સૌપ્રથમ બ્રાઉન ફિલ્ડ પોર્ટનું આયોજન ભાવનગર ખાતે હાથ ધરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ શરૂ થતાં તેને સંલગ્ન અનેક વેપાર ઉદ્યોગો ભાવનગરમાં કાર્યરત થશે, જેના કારણે હજારો લોકોને રોજગારીની નવી તકો ઉપલબ્ધ થશે.
ભાવનગરના વિકાસ માટે આ પ્રોજેક્ટ અગત્યનો છે, કારણ કે સમગ્ર વિશ્વમાં સીએનજીનો ઇંધણ તરીકે વ્યાપક પણે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. અને સીએનજીની આયાત કરવા માટે પોર્ટની ખૂબ જરૂરિયાત રહે છે. જેમાં સમગ્ર ઉત્તર ભારત અને મધ્ય ભારતનું સૌથી નજીકનું બંદર ભાવનગર છે. ઉપરાંત ધોલેરા ખાતે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (સર) આકાર લઈ રહ્યું છે. જેથી આ તમામ દ્રષ્ટિએ નવાબંદર ખાતે આકાર લેનાર સીએનજી ટર્મિનલ ભાવનગર માટે સૌથી મહત્વનું સાબિત થઈ શકશે.